News of Wednesday, 8th October 2025
બહેનના માથામાં સિંદૂર જોઈ ભાઈનો પિત્તો ગયો, પકડીને નહેરમાં લઈ ગયો, ડૂબાડીને મારી નાખી
પોલીસને બોલાવી પોતાનો ગુનો કબૂલ કરતા પહેલા એક કલાક સુધી લાશ પાસે બેઠો રહ્યો

ગોરખપુર,તા.૦૮: યૂપીમાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. ગોરખપુરમાં સોમવારે એક યુવકે પોતાની ૧૯ વર્ષીય બહેનને નહેરમાં ડૂબાડીને મારી નાખી. પછી પોલીસને બોલાવી પોતાનો ગુનો કબૂલ કરતા પહેલા એક કલાક સુધી લાશ પાસે બેઠો રહ્યો. કહેવાય છે કે ૧૨મા ધોરણમાં ભણતી નિત્યા યાદવ ત્રણ વર્ષથી એક યુવકને ડેટ કરી રહી હતી. હાલમાં જ આદિત્યએ તેને માથામાં સિંદૂર લગાવેલી જોઈ હતી. આદિત્યએ પોતાની બહેન સાથે ઘણી વાર ઝઘડો પણ કર્યો, પણ તેણે યુવક સાથે સંબંધ ખતમ કરવાની ના પાડી દીધી. રવિવારે નિત્યા ઘરમાંથી નીકળી અને પાછી આવી નહીં. બીજા દિવસે તેને પોતાના પ્રેમી સાથે નજીકની એક રેસ્ટોરન્ટમાં જોવા મળી. આદિત્યએ તેને ઘરે પાછી લાવવાની કોશિશ કરી, પણ જ્યારે નિત્યાએ ઘરે આવવાની ના પાડી તો તેને ઘરથી અઢી કિમી દૂર એક સુનસાન જગ્યા પર ઢસડીને લઈ ગયો.
આદિત્યએ પોલીસને જણાવ્યું કે, તેણે પોતાની બહેન સાથે મારપીટ કરી, જેના કારણે તેના માથામાં ઈજા થઈ અને પછી તેને નહેરમાં ધક્કો મારી દીધો. તે દોઢ કલાક સુધી પોતાની બહેનની લાશ પાસે બેઠો રહ્યો અને પછી પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી. ગોરખપુરના પોલીસ અધીક્ષક જિતેન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે, આદિત્યની ધરપકડ કરી લીધી અને કાનૂની કાર્યવાહી થઈ રહી છે. આદિત્ય પોતાની બહેન અને એક ભાઈ સાથે રહે છે. પિતાના મોત બાદ, તેણે પોતાની બહેનોના શિક્ષણની જવાબદારી સંભાળી અને મજૂરી કરી તેમનો ઉછેર કર્યો.
પોલીસની પૂછપરછમાં આદિત્યએ જણાવ્યું કે, પિતાના મોત બાદ જ્યારે ઘરની જવાબદારી મારા પર હતી. મેં મારા ભાઈ-બહેનને સારામાં સારું શિક્ષણ આપવા માટે સારામાં સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યા. પણ નિત્યા છેલ્લા ૩ વર્ષથી ગામના જ એક યુવક સાથે પ્રેમ કરતી હતી. મેં બહેનને ઘણી વાર સમજાવી, પણ તે માની નહીં. એવું પણ કહેવાય છે કે ઘરેથી નીકળેલા આદિત્યએ ધમીના નાળાના પૂલ પર બાઈક રોકી, ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ અને આદિત્યએ ગુસ્સામાં આવીને નિત્યાને પકડી નાળામાં ધકેલી દીધી અને ખુદ પણ કૂદી ગયો. તેણે ત્યાં સુધી નિત્યાને પાણીમાં દબાવી રાખી, જ્યાં સુધી તેના શ્વાસ થંભી ન જાય.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
