News of Wednesday, 8th October 2025
સાહિલનો પરિવાર દિલ્હી એમ્બેસીમાં પહોંચ્યોઃ માતા સિલાઇકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા'તા
માતા અંગત કારણસર મોરબી પિયરમાં રહેતા હતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૮: મોરબીના ૨૨ વર્ષીય યુવાન મજોઠી સાહિલ મોહમ્મદ હુસેનને યુક્રેનની સેનાએ પકડી લીધો છે. તે રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધમાં લડી રહ્યો હતો. સાહિલ અભ્યાસ માટે રશિયા ગયો હતો, પરંતુ ત્યાં ડ્રગ્સના કેસમાં સપડાઈને ૭ વર્ષની જેલની સજા થઈ હતી. જેલમાંથી બચવા માટે તેણે રશિયન સેનામાં જોડાવાનું સ્વીકાર્યું હતું. યુક્રેનની ૬૩મી મેકેનાઈઝડ બ્રિગેડે તેને પકડ્યો હતો અને વીડિયો જાહેર કર્યો છે, જેમાં સાહિલ તેની આપવીતી જણાવે છે.
સાહિલનું મૂળ વતન જામનગર છે, પરંતુ ઘણા વર્ષો પહેલા તેની માતા હસીનાબેન અંગત કારણોસર પુત્રને લઈને મોરબીમાં તેના મામા ફારૂકભાઈ મજોઠી પાસે આવી ગયા હતા. ફારૂકભાઈ કાલિકા પ્લોટમાં રહે છે અને પાટાની ગાડીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. માતા હસીનાબેન સિલાઈની મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સાહિલને સારા માર્ક આવ્યા હોવાથી માતાએ તેને ઉચ્ચ અભ્યાસ માટે વિઝા લઈને રશિયા મોકલ્યો હતો.
આ વિગતો મળતાં જ સાહિલનો પરિવાર મોરબીથી રાત્રે જ દિલ્હી પહોંચ્યો છે. માતા હસીનાબેન, મામા ફારૂકભાઈ અને વકીલ રશિયન એમ્બેસીમાં પહોંચીને મદદ માંગી છે. આધારભૂત સૂત્રો અનુસાર, તેઓ સાહિલને પરત લાવવા માટે પ્રયત્નશીલ છે.
આ ઘટના અંગે ગુજરાત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મોરબીમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.(૨.૯)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
