News of Wednesday, 8th October 2025
સામાજિક પ્રશ્નો, આધ્યાત્મ અને મનોરંજનનો સમન્વય ઍટલે ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે’
‘લાલો' - અલગ જ તાસીરની ફિલ્મ : ૧૦ ઓક્ટોબરથી સિનેમાઘરોમાં :શ્રદ્ધા, મિત્રતા અને જીવનમૂલ્યોને સ્પર્શતી આ ફિલ્મ દર્શકો માટે યાદગાર બની રહેશે : ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે દરેકે પોતાની અંદર લાલાને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ : આખી ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, ભાલકા, સોમનાથ, બિલખા અને માધવપુરમાં થયું છે : આ ફિલ્મનું ‘દ્વારિકાનો નાથ' ગીત હાલ ધૂમ મચાવી રહ્યું છે : કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજુમદારના ગીતો સહિત સાત ગીતો, સ્મિત જયનું સંગીત : ફિલ્મની વાર્તા માનવીય લાગણીઓ, ભક્તિ, સંબંધો અને જીવનમાં શ્રીકૃષ્ણના સહયોગને ઝલકાવે છે : સંપૂર્ણ ગુજરાતીપણા અને કાઠિયાવાડી લહેકાને લઇને આવતી ફિલ્મમાં લાલો થિયેટરમાં તમને મળવા આવી રહ્યો છે તો આપણે પણ જરૂર લાલાને મળવા જવું જ જોઇએ! ફિલ્મના પિક્ચરાઈઝેશનની વાત કરીએ તો લોકો આ ફિલ્મને જૂનાગઢના શુભમ ગજ્જરની નજરેથી આ ફિલ્મ જોશે. શુભમ અને તેમની ટીમ મીત પટેલ, ઉદય ગજ્જર અને દેવાંગ મહેતા દ્વારા સુંદર રીતે દૃશ્યો કંડારવામાં આવ્યા છે. બોલીવૂડના જાણીતા ગાયક દિવ્યકુમારે આમા કૃષ્ણ થીમ સોંગ ગાયુ છે.

આગામી ૧૦ ઓક્ટોબરે કરવાચોથના દિવસે સિનેમાઘરોમાં રજુ થવા જઇ રહી છે એક અદભૂત ફિલ્મ ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે'. દ્વારિકા થી તમારા દ્વાર સુધી આ ફિલ્મ પહોંચાડનાર ફિલ્મની ટીમ અકિલાના આંગણે મહેમાન બની હતી. ફિલ્મના દિગ્દર્શક અંકિત સાખિયા, અભિનેત્રી રીવા રાચ્છ, અભિનેતા શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, એસોસિએટ પ્રોડ્યુસર અજય પાદરિયા તસવીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા.૬ : પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો? જેનું કોઈ નથી, એનો સાથી ‘લાલો' છે. આગામી ૧૦ ઓક્ટોબર ૨૦૨૫ ને કરવાચોથના દિવસે તમારા નજીકના સિનેમાઘરોમાં રજુ થવા જઇ રહી છે એક અદભૂત ફિલ્મ ‘લાલો'. એક આધ્યાત્મિક અને ભાવનાત્મક ગુજરાતી ફિલ્મ છે ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે', જે દર્શાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ માત્ર દેવ નહીં પરંતુ આપણા જીવનમાં મિત્ર, માર્ગદર્શક અને વિચાર રૂપે કેવી રીતે પ્રગટ થાય છે. ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે દરેકે પોતાની અંદર લાલાને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. જે કોઇ પણ સ્વરૂપે હોય શકે. દ્વારિકા થી તમારા દ્વાર સુધી આ ફિલ્મ પહોંચાડનાર ફિલ્મની ટીમ દિગ્દર્શક અંકિત સખિયા, અભિનેત્રી રીવા રાચ્છ, અભિનેતા શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, એસોસિએટ પ્રોડ્યુસર અજય પાદરિયા (મેનીફેસ્ટ ફિલ્મસ એન્ડ જય વ્યાસ પ્રોડક્શન) અકિલાના આંગણે મહેમાન બન્યા હતા અને ‘લાલો' ફિલ્મ વિશે રસપ્રદ માહિતી આપી હતી.
‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મ બનાવવાનો વિચાર કઇ રીતે આવ્યો? દિગ્દર્શક અંકિત સાખિયાએ જણાવ્યું કે, લાલો એ દરેકના ઘરની વાત છે જે દરેક ઘરમાં હોય છે. આ વાર્તા એ બધા લોકોની વાત છે. એક માણસ કોઇ પરિસ્થિતિમાં કોઇ જગ્યાએ ફસાય તો તેને દૈવિ શકિત કઇ રીતે મદદ કરે છે તે વિચાર સાથે આ ફિલ્મ બની. આખી ફિલ્મનું સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, ભાલકા, સોમનાથ, બિલખા અને માધવપુરમાં કુલ ૩૫ દિવસમાં શૂટીંગ થયું છે. કાઠિયાવાડી કૃષ્ણની ભૂમીને આમા આવરી લેવાઇ છે. આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણ મિત્ર બનીને આવે છે. આજની પેઢી ભગવાનને મિત્ર ભાવે જુએ છે તે આ ફિલ્મમાં રજુ કરાયું છે. આ ફિલ્મનું ‘દ્વારિકાનો નાથ' ગીત હાલ ધૂમ મચાવી રહ્યું છે.
જ્યારે કોઇ વ્યક્તિ મુશ્કેલીમાં ફસાય અને ઇશ્વરની મદદથી બહાર નીકળે તેમ આ ફિલ્મમાં દ્વારકાધીશ બચાવે છે. જોકે ‘ઓહ માય ગોડ' ફિલ્મ જેવી સ્ટોરી આ નથી. લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ સાવ અલગજ છે. અજયભાઇએ ફિલ્મમાં આધ્યાત્મિકતા સાથે જે વ્યકિત મુશ્કેલીમાં ફસાય તેનો પરિવાર શું પરેશાની ભોગવી રહ્યો છે તે આજના સામાજિક મુદ્દાઓને પણ આવરી લેવાયો છે જેનું નિદાન આ ફિલ્મમાં મળે છે અને તે પણ ખુબ મનોરંજક રીતે. ફિલ્મમાં ભગવાન માણસના એક મિત્ર એટલેકે સામાન્ય માણસના સ્વરૂપમાંજ રજુ કરાયા છે. ફિલ્મમાં અનેક નાના વસ્તુઓને એક સંદેશ તરીકે આવરી લેવાઇ છે.
અંકિતભાઇ કહે છે, ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મમાં જૂનાગઢની, સૌરાષ્ટ્રની વાત કહી છે જે ફિલ્મની દ્રષ્ટીએ અલગ પડે છે. સીનેમેટ્રોગ્રાફિ, કેરેક્ટર, કાઠિયાવાડી બોલી વગેરે અદભૂત રીતે રજુ કરાયા છે. એમ કહી શકાય કે આ ધરતી આ ફિલ્મથી ખુલે છે. ગિરનાર હિમાલય કરતા જૂનો છે તેવી વાત આ ફિલ્મમાં દર્શાવાઇ છે. કહી શકાય કે આપણી માટીની ફિલ્મ આ દિવાળી પર જોવા મળશે. થિયેટરમાં ન જતા વડિલો પણ આ વખતે લાલો ફિલ્મ જોવા ખાસ જશે સાથે બાળકથી લઇ યુવાઓ પણ તેની અંદર રહેલા મિત્રને આ ફિલ્મ થકી નિહાળી શકશે. ફિલ્મમાં કિર્તીદાન ગઢવીના ત્રણ ગીતો, ઐશ્વર્યા મજુમદારના ગીતો સહિત સાત ગીતો ફિલ્મમાં આવરી લેવાયા છે. જેને સ્મિત જયએ સંગીતબધ્ધ કર્યા છે જ્યારે પ્રેમ ડી. દવેએ લિરિક્સ લખ્યા છે.
ફિલ્મમાં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવતા મૂળ રાજકોટના કલાકાર શ્રુહદ ગોસ્વામી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાના ૫૨ વખત જૂનાગઢ આવી કામ કર્યા છે એ મોટું કારણ આ ફિલ્મમાં લાલા ને લાવવાનું હતું. એજ રીતે ભાવ રાખો તો આજે લાલો દરેક લોકોના કામ કરે છે. ફિલ્મમાં કામ કરતા એવું લાગ્યું કે કોઇ એનર્જી તમને માર્ગદર્શન આપી રહી છે. શ્રી કૃષ્ણનો અભિનય કરતા પહેલા મારે મારા કૃષ્ણને શોધવા પડ્યા અને હું કઇ રીતે ભગવાનને જોવું છુ તે જોયું. મારી લાયકાત નથી કે હું આ પાત્રને ભજવી શકુ પણ ઇશ્વરે મારી પાસે આ અઘરૂ કામ કરાવ્યું. ફિલ્મમાં લાલાના મિત્ર બની અને કૃષ્ણ કેવા હોય છે અને તેને કઇ રીતે જવાબ આપશે તે આ ફિલ્મમાં જોવા મળશે. શ્રુહદ ગોસ્વામી કહે છે, એક બીજી ફિલ્મ માટે મેં ત્રણ વર્ષથી વાળ વધારેલા પણ તે ફિલ્મ ન બની અને લાલો ફિલ્મ બની જેમાં આવાજ પાત્રની જરૂર હતી. આ લાલા ની લીલાજ કહેવાય.
ફિલ્મમાં રીક્ષાવાળા લાલા નામનું પાત્ર ભજવતા કરણ જોશીએ જણાવ્યું કે, આ મારી પહેલી ફિલ્મ છે. કદાચ વાર્તાએજ મને પસંદ કર્યો તેમ કહી શકાય. પહેલા અમે બીજી ફિલ્મ માટે ભેગા થયેલા પણ એ ફિલ્મ ના થઇ શકી પણ બચ્ચન સાહેબ કહે છે તેમ ‘મન કા હો તો અચ્છા ઔર ના હો તો બહુત અચ્છા'. તેમ આ ફિલ્મમાં ઓછા બજેટમાં ટીમે જુસ્સાથી કામ કર્યું. કરણભાઇ છેલ્લા ૭ વર્ષથી થિયેટર કરે છે. જોકે ફિલ્મમાં આ પહેલો અભિનય છે.
અજયભાઇ કહે છે, અમે બધા મિત્રોએ સાથે મળી આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. જેમણે ઝમકૂડી, કચ્છ એક્સપ્રેસ જેવી ફિલ્મ બનાવી છે તે સોલ સૂત્ર બેનરને આ ફિલ્મ ખુબ ગમી, તેઓ આ ફિલ્મને રજુ કરી રહ્યા છે સાથે પ્રોડક્શન હાઉસ ‘નીમ ટ્રી' એસોશીએશનમાં છે. આજે લોકો પાસે ઘણા બધા સવાલો છે કદાચ એ પ્રશ્નો લઇને પણ ફિલ્મ જોવા જશે તો તેને તેના જવાબ મળી જશે. ફિલ્મ જોયા પછી થશે મારો તો કોઇ પ્રશ્ન હતોજ નહીં. જ્યારે અંકિતભાઇ કહે છે, આજે ઓટીટી, મલ્ટીપ્લેક્સની પ્રાઇઝ વગેરે ઘણા પાસાઓ ફિલ્મને અવરોધે છે પણ લોકો થિયેટર સુધી આવે તેના માટે એક ઇવેન્ટ ફિલ્મ હશે તો આવશે. આ ફિલ્મમાં દ્વારકાધીશ છે તેને જોવા લોકો અચૂક જશે કારણ આ ફિલ્મ નહીં અનુભૂતિ જ છે. અમે તો માત્ર કર્તા છીએ. સંપૂર્ણ ગુજરાતીપણા અને કાઠિયાવાડી લહેકાને લઇને આવતી ફિલ્મમાં લાલો થિયેટરમાં તમને મળવા આવી રહ્યો છે તો આપણે જરૂર લાલાને મળવા જવું જોઇએ.
લાલો ફિલ્મનું ટ્રેલર જોવા માટે આ લિંક ઈન્ટરનેટ બ્રાઉઝરમાં ઓપન કરો... https://www.youtube.com/watch?v=yrPkJI9KzgM
‘લાલો' ફિલ્મની અભિનેત્રી અને જામનગરની દીકરી રીવા રાચ્છનું મંતવ્ય - મારો કોઈ નિヘતિ ગોલ નથી, મારે ફિલ્મોમાં માત્ર સારી વાર્તાઓનો ભાગ બનવું છે
સોલ સૂત્રના સપોર્ટથી ‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' ૧૦ ઓક્ટોબરે રિલીઝ થશે, જેમાં રીવા રિક્ષાવાળાની પત્ની ‘તુલસી'નો સંવેદનશીલ
રોલ ભજવશે : અભિનેત્રીએ નાટકો અને વેબ સિરીઝ થકી મુંબઈમાં પણ જમાવટ કરી
રાજકોટ, ૫ ઓક્ટોબર : મૂળ જામનગરની અને હાલ મુંબઈમાં અભિનય ક્ષેત્રે સફળતા મેળવી રહેલી યુવા અભિનેત્રી રીવા રાચ્છ આગામી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણી લાલાની પત્ની તુલસીનો સંવેદનશીલ કિરદાર ભજવી રહી છે.
‘લાલો' ફિલ્મ અને રીવાનો રોલ
ફિલ્મ વિશે વાત કરતાં રીવા રાચ્છ કહે છે કે, ‘આ ફિલ્મની વાર્તા ખૂબ આકર્ષક લાગી. આ ફિલ્મ બનાવવાનો વિચાર કોલેજના મિત્રોએ મળીને નાના પાયે શરૂ કર્યો હતો. આ કાઠિયાવાડની વાર્તા છે, પણ તે માત્ર સૌરાષ્ટ્રના લોકોને જ નહીં, પરંતુ બહારના લોકોને પણ પસંદ પડશે. સોલ સૂત્રના માનસી પારેખ અને પાર્થિવ ગોહેલે જ્યારે ફિલ્મ નિહાળી, ત્યારે તેઓને તે સ્પર્શી ગઈ અને તેમણે આ યુવા ટીમને રજૂ કરવા માટે સપોર્ટ કર્યો. મુંબઈના લોકો જ્યારે નવી યુવા ટીમ પર ભરોસો મૂકે છે, ત્યારે લાગે છે કે આપણી મહેનત સફળ થઈ છે.'
રીવાના મતે, આ ફિલ્મની વાત રિક્ષાવાળાની છે, પરંતુ તે મર્સિડીઝમાં બેઠેલા વ્યક્તિ સુધી પણ પહોંચશે, કારણ કે આજે ઈશ્વર સાથેનો સંબંધ બધાનો છે. 'લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' માં સામાજિક પ્રશ્નો, આધ્યાત્મ અને મનોરંજન ત્રણેયનો સમન્વય પ્રથમવાર જોવા મળશે.
ફિલ્મમાં રીવાએ લાલાની પત્ની તુલસીનો રોલ ભજવ્યો છે, જે ઘર પણ ચલાવે છે, ખોવાયેલા પતિને શોધવા મથે છે અને સાથે જ દીકરીને પણ સંભાળે છે. રીવાએ કહ્યું કે, તેણે ઘણાં કમર્શિયલ કામ કર્યા છે, પરંતુ આ યુવા ટીમનો જોશ અને જુસ્સો જોઈને આ ફિલ્મમાં કામ કરવામાં ક્રિએટીવ સંતોષ મળ્યો.
ભરતનાટ્યમથી અભિનય સુધીની સફર
મૂળ જામનગરના રીવા રાચ્છ, જાણીતા ડિરેક્ટર-રાઇટર વિરલભાઈ રાચ્છની દીકરી છે. રીવાએ ભણવા માટે મુંબઈ જઈ મીઠીબાઈ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. તે ભરતનાટ્યમ વિશારદ છે અને શરૂઆતમાં નૃત્યમાં આગળ વધવા માંગતા હતા, પરંતુ નવમા ધોરણથી જ તેમનો ટ્રેક અભિનય તરફ વળ્યો.
અભિનય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન
૨૦૧૭માં માત્ર ૧૩ વર્ષની ઉંમરે ‘દ્રષ્ટિ' નાટક માટે તેમને દીના પાઠક બેસ્ટ એક્ટ્રેસ અવોર્ડ મળ્યો હતો.
૨૦૧૯માં તેમણે ‘તમે ઘણું જીવો' (વિપુલ મહેતા દિગ્દર્શિત) નાટકથી શરૂઆત કરી.
તેમણે કાજલ ગઢિયાના ‘સાત તરી એકવીસ'માં મોનોલોગ અને કેદાર શિંદે દિગ્દર્શિત ‘અમે લઈ ગયા તમે રહી ગયા' નાટકમાં શર્મન જોશીની દીકરીનો રોલ બખૂબી નિભાવ્યો હતો.
જ્જ મુંબઈ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં તેમના પિતા વિરલભાઈ રાચ્છ દ્વારા દિગ્દર્શિત મોનોલોંગ ‘ટ....પાન' માં તેમને મોનો-એક્ટિંગમાં સિલ્વર મેડલ મળ્યો હતો.
જ્જ રીવાએ સોની લાઇવ માટેની પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ 'કાચો પાપડ પાકો પાપડ' માં પણ કામ કર્યું છે.
અંતે રીવાએ પોતાના ભવિષ્યના લક્ષ્ય વિશે કહ્યું કે, ‘મારો કોઈ નિヘતિ ગોલ નથી, કારણ કે ક્યારે કઈ સ્ક્રીપ્ટ આવે તે નક્કી નથી, પણ મારે ફિલ્મોમાં સારી વાર્તાઓનો ભાગ બનવું છે..
જંગલમાં શૂટીંગમાં ગાયોની જરૂર હતી ત્યાંજ....!
‘લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મ જ્યારે બનતી હતી ત્યારે સમગ્ર ટીમને અનેકવાર યાદગાર અનુંભવો થયા છે. અંકિત સખિયા કહે છે, અમનેતો રોજ એક ચમત્કારનો અનુંભવ થયો છે. ફિલ્મ બનાવી તે પહેલા અમે ભગવાન શ્રી કૃષ્ણની એટલા નજીક નહોતા પણ ફિલ્મ જેમ બનતી ગઇ એમ અમે તેની નજીક જતા ગયા, તેની અનુંભૂતિ થઇ. ફિલ્મમાં એક સીન એવો છે કે, જંગલ વિસ્તારમાં શૂટીંગ ચાલતું હતુ જ્યાં ગાયોની જરૂરિયાત હતી. આ સીનમાં ભગનાવ શ્રી કૃષ્ણને ગોવાળિયા દર્શાવાયા છે. જંગલમાં સિંહનો ભય એટલે ગાયો લઇ જવી શક્ય નહોતી. આખી રાત ચર્ચાઓ કર્યા બાદ સવારે શૂટીંગના લોકેશન પર ગયા, અમે વાતો કરતા હતા ત્યાં એક ભાઇ આવ્યા એટલે અમેં કહ્યું ભાઇ આ જંગલ વિસ્તાર છે અહિં ના આવો. તે કહે, હું તો અહિં રોજ મારી ગાયું ને લઇ ચરાવવા આવું છું. અમે ગાયોને જોઇ તેમને કહ્યું અમારે ફિલ્મના શૂટીંગમાં ગાયોની જરૂર છે વાંધો ન હોય તો તમે થોડીવાર રોકાવ અને શૂટીંગ કરી લઇએ. તે ભાઇએ કહ્યું, હું આખો દિવસ અહિં જ છુ તમે વિડીયો ઉતારો... અંકિતભાઇ કહે છે, અમારુ શૂટીંગ પત્યું પછી એ ગોવાળ તેની ગાયો લઇને ક્યાં જતા રહ્યા તે ખબર નથી.
લાલો - શ્રી કૃષ્ણ સદા સહાયતે (ગુજરાતી ફિલ્મ)
રિલીઝ તારીખ : ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫
પ્રસ્તુત કરનાર : સોલ સૂત્ર સ્ટુડિયો,
આરડી બ્રધર્સ મૂવીઝ
ઈન એસોસીએશન વિથ : નીમ ટ્રી એન્ટરટેઈનમેન્ટ
દિગ્દર્શક : અંકિત સખિયા
પ્રોડ્યુસ્ડ બાય : મેનીફેસ્ટ ફિલ્મ્સ
અજય બળવંત પાદરીયા
જય વ્યાસ પ્રોડકશન
કો-પ્રોડ્યુસર : દેવરાજ દુબરીયા
ક્રિએટીવ પ્રોડયુસર : શુભમ ગજ્જર
સપોર્ટેડ બાઈ : ફિલ્મવાલે
ડિસ્ટ્રિબ્યુશન : રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ.
મુખ્ય કલાકારો
રિવા રાચ્છ, શૃહદ ગોસ્વામી, કરણ જોશી,
વિશેષ ઉપસ્થિતિ : આકાશ પંડ્યા, મૌલિક ચૌહાણ
ટેકનિકલ ટીમ
લેખન : કૃષાંશ વાજા, વિકી પૂર્ણિમા, અંકિત સખિયા
સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર : સ્મિત જય
ગીતકાર : પ્રેમ ડી. દવે
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
