News of Wednesday, 8th October 2025
દિલ્હી હાઈકોર્ટે શાહરૂખ-ગૌરી ખાનને સમન્સ પાઠવ્યા
માનહાનિ કેસમાં સમીર વાનખેડએ ૨ કરોડનું વળતર માગ્યું: વધુ સુનાવણી ૩૦ ઓકટોબરે

નવી દિલ્હી, તા.૮: દિલ્હી હાઈકોર્ટે અભિનેતા શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને OTT પ્લેટફોર્મ નેટફિ્લક્સ સામે માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ સમન્સ જારી કરવામાં આવ્યા છે. કોર્ટે તમામ પક્ષોને તેમના જવાબો દાખલ કરવા માટે સાત દિવસનો સમય આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી ૩૦ ઓક્ટોબરે થવાની છે.
પોતાની અરજીમાં, સમીર વાનખેડેએ આરોપ લગાવ્યો કે ૧૮ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી વેબ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલિવૂડ એ તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. આ શો શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને નેટફિ્લક્સ પર સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.વાનખેડેનો દાવો છે કે શ્રેણીમાં એક પાત્ર તેમને NCB અધિકારી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરે છે, અને જે દ્રશ્યોમાં તેમને બતાવવામાં આવ્યા છે તે તેમને બદનામ કરે છે.
NCBના ભૂતપૂર્વ અધિકારીએ કોર્ટને શોની સામગ્રીને બદનક્ષીભરી જાહેર કરવા વિનંતી કરી છે અને ૨ કરોડ રૂપિયાનું નુકસાન માંગ્યું છે. વાનખેડેનો દાવો છે કે શો પ્રસારિત થયા પછી, તેમને સોશિયલ મીડિયા પર અનેક અપમાનજનક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો, જેનાથી તેમની જાહેર છબીને ભારે નુકસાન થયું. તેમના મતે, આ શો માત્ર ખોટો જ નથી પણ તેમની વ્યાવસાયિક પ્રામાણિકતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે.
માનહાનિ અરજીમાં, તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સર્જનાત્મક અથવા ફિલ્મી કલ્પનાના આડમાં વ્યક્તિની છબી ખરડાઈ શકે નહીં. વાનખેડેએ એમ પણ સમજાવ્યું હતું કે શોમાં તેમનું નામ અથવા ઓળખનો સીધો ઉપયોગ થઈ શકતો નથી, પરંતુ દર્શકો માટે એ સ્પષ્ટ છે કે પાત્ર તેમનાથી પ્રેરિત છે.
પ્રારંભિક સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે તમામ પ્રતિવાદીઓને નોટિસ જારી કરી હતી, જેમાં તેમને સાત દિવસની અંદર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટ ૩૦ ઓક્ટોબરે તમામ પક્ષકારોની દલીલો સાંભળશે. (રર.૧૮)
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
