News of Wednesday, 8th October 2025
દુઃખાવાની દવા, તાવની દવા હોય કે અન્ય... મેડિકલ સ્ટોરની બધી જ દવા નકલી!
રાજસ્થાનમાં નકલી દવાઓનો મોટા કૌભાંડનો પર્દાફાશ : આ કિસ્સો એ વાતની યાદ અપાવે છે કે લોકોના જીવન સાથે કેવી રીતે રમત રમાઈ રહી છે

જયપુર, તા.૮: રાજસ્થાનમાં દવાઓ અંગે એક મોટો ખુલાસો થયો છે, જેના કારણે રાજ્યનો આખો આરોગ્ય વિભાગના દોડતો થયો છે. સારવારની આડમાં લોકો જે વિશ્વાસ સાથે ફાર્મસીઓમાંથી દવાઓ ખરીદે છે તે હવે ઝેર બની ગઈ છે. તાજેતરની તપાસમાં બહાર આવ્યું છે કે, અહીં વેચાતી દરેક બીમારી માટેની દવાઓના નમૂના ટેસ્ટિંગમાં ફેઈલ ગયા છે. આ ખુલાસો માત્ર ચોંકાવનારો જ નહીં, પણ સામાન્ય લોકોના જીવન માટે ગંભીર ખતરો પણ છે.
માહિતી અનુસાર, બજારમાં ઉપલબ્ધ દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા, અને જ્યારે પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે લગભગ બધા નમૂનાઓ નકલી હોવાનું સામે આવ્યું છે. આનો અર્થ એ છે કે, દુખાવાની દવા હોય, તાવની દવા હોય કે અન્ય બીમારીઓ, દરેક દવાઓ નકલી જોવા મળી રહી હતી. આ પરિસ્થિતિ સામાન્ય લોકોને વિચારવા મજબૂર કરી રહી છે કે, તેઓ રાહત માટે જે દવાઓ લઈ રહ્યા હતા, તે તેમના સ્વાસ્થ્યને ખુબ મોટું નુકસાન પહોંચાડી રહી હતી.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ નકલી દવાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો ત્યાં સુધીમાં, બજારમાં હજારો ગોળીઓ વેચાઈ ચૂકી હતી. આનો અર્થ એ થયો કે, હજારો લોકો આ નકલી દવાઓનો ઉપયોગ કરી ચૂકયા હતા. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ દવાઓ લેનારા દર્દીઓના સ્વાસ્થ્ય પર શું અસર પડી હશે? આ પરિસ્થિતિ આરોગ્ય વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે.
આરોગ્ય વિભાગ અને ડ્રગ કંટ્રોલ વિભાગ દવાઓના પરીક્ષણ અને દેખરેખ માટે જવાબદાર છે. પરંતુ આ સમગ્ર બાબતે તેમની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. બજારમાં આટલી મોટી માત્રામાં નકલી દવાઓ કોની દેખરેખ હેઠળ વેચાઈ હતી? વહીવટીતંત્ર અને જવાબદાર અધિકારીઓની બેદરકારીએ હજારો લોકોને જોખમમાં મૂકયા છે.
જો તમે આકસ્મિક રીતે એક્સપાયરી થયેલી દવા લીધી હોય અને ઉલટી, ચક્કર, એલર્જી અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવી કોઈપણ પ્રકારની તકલીફ અનુભવી રહ્યા છો, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. કેટલાક કિસ્સાઓમાં, મુદત પૂરી થયેલી દવા નુકસાન પહોંચાડતી નથી, પરંતુ કયારેક તેના ગંભીર લક્ષણો પણ હોઈ શકે છે.
આ ખુલાસા બાદ, લોકોમાં ગુસ્સો અને ભય બંનેનું વાતાવરણ છે. લોકોને ચિંતા છે કે, તેઓએ જે દવાઓનો ઉપયોગ કર્યો છે, તે નકલી પણ હોઈ શકે છે. આ ભય ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને દવાની દુકાનો પર અવિશ્વાસ વધારી રહ્યો છે. આવા પુનરાવર્તનને રોકવા માટે જનતા હવે સરકાર અને વહીવટીતંત્ર પાસેથી કડક પગલાં લેવાની માંગ કરી રહી છે.
આ ઘટના ફક્ત નકલી દવાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજસ્થાનની આરોગ્યસંભાળ વ્યવસ્થાની ખામીઓને પણ ઉજાગર કરે છે. જો દવા કંપનીઓ અને છૂટક વેપારીઓ સામે સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો આ ગંભીર પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે અને નકલી દવા માફિયાઓને સંપૂર્ણપણે કાબુમાં લેવા જોઈએ.
રાજસ્થાનમાં નકલી દવાઓનો આ કિસ્સો એ વાતની યાદ અપાવે છે કે, લોકોના જીવન સાથે કેવી રીતે રમત રમાઈ રહી છે. હજારો ગોળીઓનું વેચાણ અને નમૂનાઓની નિષ્ફળતા સાબિત કરે છે કે, ફાર્માસ્યુટિકલ ડીલરો અને દેખરેખ એજન્સીઓની બેદરકારીએ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકયું છે. સરકાર અને વહીવટીતંત્ર માટે પારદર્શક અને સલામત આરોગ્યસંભાળ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેવાનો સમય આવી ગયો છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
