<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

વિજયભાઇ રૂપાણીએ આદરેલા સેવાકાર્યો પ્રેરકઃ હોસબોલેજી

પુજિત રૂપાણીના જન્‍મદિને સંસ્‍થા દ્વારા ફનવર્લ્‍ડમાં બાળ સંગમ કાર્યક્રમ : પુજિત આગળ સ્‍વ. શબ્‍દ લગાવો નથી, વિજયભાઇ આગળ પણ સ્‍વ. ન લાગવોઃ પુરૂષોતમ રૂપાલાઃ ભાજપ સંઘના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયાઃ પછાત વર્ગના બાળકોને ફન વર્લ્‍ડમાં મોજ કરાવીઃ અંજલીબેન રૂપાણી ભાવૂક થયા

 

રાજકોટ, તા. ૮: પુત્ર પુજિત રૂપાણીની સ્‍મૃતિમાં વિજયભાઇ રૂપાણીએ આદરેલા સેવાયજ્ઞ  આપણાં બધા માટે પ્રેરક છે. આ શબ્‍દો આર.એસ.એસ.ના શીર કાર્યકારી દતાત્રેયજી હોસબોલેજીના છે.

પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા આજે પુજિતના જન્‍મદિન નિમિતે રાજકોટમાં આર્થિક પછાત અને છેવાડાના બાળકોનો બાળ સંગમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ અને સંઘના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા.

આ પ્રસંગે સંબોધન કરતા હોસબોલેજીએ જણાવ્‍યું હતું કે, હું વિજયભાઇને ભાવ પૂર્વક શ્રધ્‍ધાંજલી આપવા આવ્‍યો છું. આ કાર્યક્રમ માટે મને વિજયભાઇ રૂપાણીએ ખુદે આમંત્રણ આપ્‍યું હતું. આ આમંત્રણ આપ્‍યાને ઘણો સમય થઇ ગયો હતો. હું ભૂલી ગયો હતો. બાદમાં વિજયભાઇની વિદાય થઇ ગઇ.

કાર્યક્રમ અંગે મને અંજલીબેને યાદ કરાવ્‍યું અને હું વિજયભાઇના સેવાયજ્ઞને વંદન કરવા આવ્‍યો છું. હોસબોલેજીએ ભાવપૂર્વકના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, એક કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણીએ મને ટ્રસ્‍ટનું સાહિત્‍ય આપ્‍યું હતું, જેમાં પુજિત રૂપાણીનો ફોટો ન હતો આ અંગે મેં સવાલ કરતા વિજયભાઇએ જણાવ્‍યું હતું કે, આ સાહિત્‍યમાં જેટલા ફોટા છપાયા છે એ બધા પુજિતના જ છે. મારા માટે દરેક બાળકો પુજિત જ છે. હોસબોલેજીએ જણાવ્‍યું હતું કે, આ જવાબ સાંભળીને મને વિજયભાઇ પ્રત્‍યે માન થઇ ગયું હતું.

તેઓએ આગળ કહયું હતું કે, વિજયભાઇ અન્‍યના દુઃખ-દર્દને મેહસુસ કરતા હતા. અન્‍યના દુઃખ દુર કરવા મથતા હતા. વસુધૈવ કુટુંબીજનનો આ ભાવ છે.

વિજયભાઇના જીવનમાંથી પ્રેરણા લઇને આપણે બાળકોમાં પણ સેવાભાવ અને કરૂણા સર્જવા જોઇએ, સેવા જ યજ્ઞ છે. સમાજ પ્રત્‍યે કરૂણા હોવી જોઇએ. બીજા માટે જીવવું એજ સાચું જીવન છે.

હોસબોલેજીએ પુજિત રૂપાણી ટ્રસ્‍ટ અને રૂપાણી પરિવારની સરાહના કરીને પરમાત્‍મા વધારેમાં વધારે બધાને સેવા કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે સાંસદ પુરૂષોતમ રૂપાલાએ પણ ભાવુક પ્રવચન આપ્‍યું હતું. તેઓએ જણાવ્‍યું હતું કે, આપણે પુજિત રૂપાણીના નામ આગળ સ્‍વ. લખતા નથી. આ રીતે વિજયભાઇ એ આદરેલા સેવાકાર્યો આગળ ધપતા રહે અને વિજયભાઇનું સ્‍મરણ થતું રહે તો વિજયભાઇના નામ આગળ પણ સ્‍વ. શબ્‍દ લગાવવો ન પડે. શ્રી રૂપાણીએ કહયું હતું કે, પુજિતનું નિધન દુઃખદ ક્ષણ હતી. આવી ક્ષણે વિજયભાઇ રૂપાણીએ સેવા કરવાનો સંકલ્‍પ કર્યો હતો. દુઃખની ક્ષણે છેવાડાના બાળકોની સેવાનો વિચાર આવવો એ જ વિજયભાઇના કરૂણામય વ્‍યકિતત્‍વની સાબિતી છે. આપણે તેમાંથી પ્રેરણા લેવાની જરૂર છે.

પ્રવચનો સાંભળીને અંજલીબેન રૂપાણી ભાવુક બની ગયા હતા. કાર્યક્રમમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયા મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ ભાજપના અને સંઘના અનેક નેતાઓ ઉપસ્‍થિત રહયા હતા.

પુજિત રૂપાણી ટ્રસ્‍ટ અને રૂપાણી પરિવારે દરેકનું સ્‍વાગત કર્યુ હતું અને સહયોગ બદલ આભાર વ્‍યકિત કર્યો હતો.

શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટ અંતર્ગત ગરીબ બાળકો, બહેનો તથા આર્થિકરીતે પછાત લોકોનાં ઉત્‍થાન માટે રાહતદરે મેડિકલ સેન્‍ટર, જ્ઞાનપ્રબોધિનિ શૈક્ષણિક પ્રકલ્‍પ તથા અન્‍ય વિવિધ સેવાકીય પ્રકલ્‍પો તથા વાર્ષિક કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

જે અંતર્ગત દર વર્ષે  ૮ઓક્‍ટોબર, સ્‍વ. પુજીતનાં જન્‍મદિવસ નિમિતે ફનવર્લ્‍ડ ખાતે રાજકોટનાં ઝૂપડપટ્ટીમાં વસતા આર્થિકરીતે પછાત અને છેવાડાના બાળકો માટે ફનવર્લ્‍ડની મોજ સ્‍વરૂપે એક દિવસીય ‘બાળસંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સવારે ૮.૪૫ વાગ્‍યે બાળકોને ફન વર્લ્‍ડ ખાતે એકત્રિત કરી આ બાળકો માટે રંગારંગ કાર્યક્રમ, રાઇડસની મોજ ત્‍યારબાદ ભાવતા ભોજન જમાડી અને છેલ્લે એક સરસ ગિફટ આપી બાળકોને એક દિવસ માટે સંપૂર્ણપણે નિર્દોષ મોજ-મસ્‍તી આનંદ  કરાવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્‍સાહિત કરવા ઉદઘાટક તરીકે દત્તાત્રેયજી હોસબોલે (રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના આદરણીય સરકાર્યવાહ અને રાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ વિચારક-ચિંતક), ની ગૌરવશાળી વિશેષ ઉપસ્‍થિતિમાં મુખ્‍ય મહેમાન તરીકે પરસોતમભાઈ રૂપાલા (સાંસદશ્રી, લોકસભા - રાજકોટ) તથા રામભાઈ મોકરિયા (સાંસદશ્રી, રાજ્‍યસભા - રાજકોટ) તથા અન્‍ય સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહયા હતા.(૬.૧૮)

(3:33 PM IST)