News of Wednesday, 8th October 2025
ટાટા ગ્રૂપના આંતરિક વિવાદમાં કેન્દ્ર સરકારે કર્યો હસ્તક્ષેપ: નોએલ ટાટા-ચંદ્રશેખરન ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા; સરકારે કહ્યું, 'વિવાદ ઝડપથી ઉકેલો': ટાટા ટ્રસ્ટ બોર્ડ આગામી 10 ઓક્ટોબરના રોજ ફરી મળશે
અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે ટાટા ગ્રૂપના વરિષ્ઠ નેતૃત્વને સ્પષ્ટ વિનંતી કરી છે કે આંતરિક વિવાદને ઝડપથી ઉકેલવામાં આવે જેથી કંપનીના કામકાજ અને પ્રતિષ્ઠાને કોઈ અસર ન થાય.

નવી દિલ્હી : ₹16 લાખ કરોડના વિશાળ માર્કેટ વેલ્યૂ ધરાવતા ટાટા ગ્રૂપમાં ચાલી રહેલા આંતરિક વિવાદને હવે કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધો છે. ટાટા સન્સના બોર્ડ બેઠકો અંગે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે, ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ગઈકાલે, 7 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવાસસ્થાને 45 મિનિટની બેઠક યોજી હતી.
એક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે ટાટા ગ્રૂપના વરિષ્ઠ નેતૃત્વને સ્પષ્ટ વિનંતી કરી છે કે આંતરિક વિવાદને ઝડપથી ઉકેલવામાં આવે જેથી કંપનીના કામકાજ અને પ્રતિષ્ઠાને કોઈ અસર ન થાય.
વિવાદનું કેન્દ્ર: વિજય સિંહની પુનઃનિમણૂક
આ વિવાદનું મૂળ 11 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ટાટા ટ્રસ્ટની બેઠકમાં છે. આ બેઠક ટાટા સન્સ બોર્ડમાં ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને નોમિની ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવાના ઠરાવ પર ચર્ચા કરવા માટે હતી.
• નિયમ: રતન ટાટાના અવસાન બાદ, 75 વર્ષથી વધુ ઉંમરના નોમિની ડિરેક્ટરોની દર વર્ષે પુનઃનિમણૂક કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો.
• વિરોધ: 77 વર્ષીય વિજય સિંહની પુનઃનિમણૂકનો ઠરાવ નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ મેહાલી મિસ્ત્રીના નેતૃત્વમાં અન્ય ચાર ટ્રસ્ટીઓએ તેનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. બહુમતી ન હોવાથી ઠરાવ નકારી કાઢવામાં આવ્યો.
• પરિણામ: આ વિવાદને પગલે વિજય સિંઘે સ્વેચ્છાએ ટાટા સન્સ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું.
શાપૂરજી પલોનજી પરિવારનું દબાણ
વિવાદને વધુ હવા ત્યારે મળી જ્યારે મેહાલી મિસ્ત્રીના નેતૃત્વમાં ચાર ટ્રસ્ટીઓએ ટાટા સન્સ બોર્ડમાં મેહાલી મિસ્ત્રીને નોમિની તરીકે પ્રસ્તાવિત કરવાનો પ્રયાસ કર્યો, જેને નોએલ ટાટા અને શ્રીનિવાસને અટકાવ્યો.
આ ચાર ટ્રસ્ટીઓ શાપૂરજી પલોનજી (SP) પરિવાર સાથે સંકળાયેલા છે, જે ટાટા સન્સમાં 18.37% હિસ્સો ધરાવે છે. મેહલી મિસ્ત્રીએ મુખ્ય નિર્ણયોમાંથી બાકાત રહેવા બદલ નારાજગી વ્યક્ત કરી હોવાનું માનવામાં આવે છે.
સમાધાનની સંભાવના: SP ગ્રૂપ હિસ્સો વેચશે?
આ આંતરિક યુદ્ધ વચ્ચે, ટાટા અને એસપી ગ્રૂપ વચ્ચે સમાધાનના સંકેતો દેખાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ એસપી ગ્રૂપને ટાટા સન્સમાં 4-6% હિસ્સો વેચવાની ઓફર કરવા તૈયાર છે. જો આ સોદો થાય, તો એસપી ગ્રૂપને તેનું આશરે ₹30,000 કરોડનું દેવું ચૂકવવામાં મદદ મળશે.
ટાટા ટ્રસ્ટ બોર્ડ હવે આગામી 10 ઓક્ટોબરના રોજ ફરી મળશે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
