<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

માર્કેટમાં વોલેટિલિટી વધતા ડિમેટ ખાતામાં વધારો નવ મહિનામાં ૪૦ ટકા ધીમો પડી ગયો

જાન્‍યુ.થી સપ્‍ટે.માં ૨.૧૮ કરોડ ડિમેટ ખાતા ખૂલ્‍યા, ગત વર્ષે આ ગાળામાં ૩.૬૧ કરોડ ખાતા હતા

મુંબઇ તા.૯: ડિમેટ ખાતાની સંખ્‍યામાં વધારો તો થઈ રહ્યો છે પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે. ચાલુ કેલેન્‍ડર વર્ષના પ્રથમ નવ મહિનામાં ડિમેટ ખાતા વધવાની સંખ્‍યા ૪૦ ટકા ધીમી પડી છે. માર્કેટમાં વોલેટિલિટી વધતા અને વળતર નબળું પડતા નવા રોકાણકારોએ ખાતા ખોલાવવા પર બ્રેક મારી હોય તેમ જણાય છે.

ડિપોઝીટરી કંપનીઓના ડેટા મુજબ જાન્‍યુઆરીથી સપ્‍ટેમ્‍બરમાં નવા ૨.૧૮ કરોડ ડિમેટ ખાતા ખૂલ્‍યા હતા, જે ગત વર્ષે આ ગાળામાં ખૂલેલા ૩.૬૧ કરોડ ખાતાની સરખામણીમાં ૧.૪ કરોડનો ઘટાડો દર્શાવે છે.

આ વર્ષે શેરબજારમાં ભારે ઊથલ-પાથલ જોવાઈ છે. તેમાં પણ મિડ કેપ અને સ્‍મોલ કેપ સ્‍ટોક્‍સમાં ભારે ઊતાર-ચઢાવ જોવા મળ્‍યા છે જેને કારણે રિટેલ રોકાણકારોનો ગત વર્ષનો ઉત્‍સાહ આ વર્ષે શાંત પડી ગયો છે.

એક મોટા બ્રોકરેજના સીનિયર અધિકારીએ કહ્યું હતું કે માર્કેટ દિશાવિહિન છે અને વળતર પણ સાધારણ બન્‍યું છે ત્‍યારે નવા રોકાણકારો માર્કેટમાં પ્રવેશતા ખચકાઈ રહ્યા છે.

વર્ષ ૨૦૨૫માં સરેરાશ માસિક ડિમેટ ખાતાની સંખ્‍યામાં વધારો ૩૪.૨ લાખ થયો હતો, જે ગત વર્ષે આ ગાળામાં સરેરાશ ૪૦ લાખ હતો. જોકે છેલ્‍લાં ત્રણ વર્ષથી ડિમેટ ખાતાની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે તે જોતા આ સંખ્‍યા પણ ખાસ્‍સી મજબૂત કહી શકાય.

વર્ષ ૨૦૨૧થી અત્‍યાર સુધીમાં ડિમેટ ખાતાની સંખ્‍યા ત્રણ ગણી થઈ ગઈ છે. રિટેલ રોકાણકારોનો રસ સતત વધ્‍યો છે અને આઈપીઓની ભરમાર સતત વધતા ઈશ્‍યૂ ભરવા માટે પણ ડિમેટ ખાતા ખૂલી રહ્યા છે. અનેક ઈશ્‍યૂ હજી પાઈપલાઈનમાં છે ત્‍યારે ડિસેમ્‍બર સુધીમાં હજી ખાસ્‍સા પ્રમાણમાં નવા ડિમેટ ખાતા ખૂલશે તેવો અંદાજ છે.

ઝિરોધાના સ્‍થાપક અને સીઈઓ નિતિન કામથે તાજેતરમાં સોશિયલ મીડિયા પોસ્‍ટમાં કહ્યું હતું કે ગત વર્ષે ઓક્‍ટોબરથી તેમણે જે કેટલાક જોખમો ગણાવ્‍યા હતા તે ધીમે-ધીમે સામે આવી રહ્યા છે જેને કારણે બ્રોકરેજ કંપનીઓની આવક અને નફા પર અસર જોવા મળી રહી છે. જૂન ક્‍વાર્ટરમાં બ્રોકરેજ કંપનીઓની આવક ૪૦ ટકા ઘટી છે.

(9:20 AM IST)