હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રેસકોર્ષ બગીચામાં પોલીસના નામે વેપારીને ફટકારી ૩૨ લાખની લૂંટઃ વોર્ડન શાહબાઝ સહિત ૪ ઝડપાયાઃ ટીપ્સ આપનારની શોધ
કોટન ગાંસડી ભાવમાં મળતી ન હોઇ વેપારીએ પોતાના નાણા પાછા મંગાવતા ભુતખાના ચોકના વેપારી શૈલેષભાઇ દલસાણીયાએ મારો માણસ આ રકમ તમને લવ ગાર્ડને આપી જશે તેમ કહ્યું: વેપારી ટુવ્હીલર લઇ ત્યાં જતાં કીયા કારમાં આવેલા શખ્સે રોકડનો થેલો દીધો એ સાથે જ ટુવ્હીરલર અને બાઇક પર ચાર જણા આવી ગયા : વેપારી સમીરભાઇ પંડયાને શંકા ઉપજતાં તેણે સામેથી પોલીસ સ્ટેશને લઇ જવા કહ્યું: પણ તેમને કલાકો સુધી બગીચામાં જ રોકી રાખી વધુ પૈસા મંગાવવા કહી ધમકાવ્યાઃ લૂંટ કરી ચારેય ભાગી ગયા બાદ વેપારી પોલીસ સ્ટેશને પહોંચતા પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ભેદ ઉકેલ્યો : વોર્ડન શાહબાઝની સાથે આઇ.કે. સિલેક્શનવાળા વેપારીનો પુત્ર દાનીશ અને અન્ય બે અતીક તથા મહેશની ધરપકડ : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ વી.આર. વસાવા અને ટીમે ભેદ ઉકેલ્યો : ૨૧ લાખની રોકડ કબ્જેઃ બાકીના ૧૧ લાખ રીકવર કરવા તજવીજઃ ફરિયાદી સુરેશભાઇએ કહ્યું-પોલીસની કામગીરી કાબીલેદાદ : વેપારી પાસેના નાણા કાયદેસરના નથી, ડરાવવાથી તોડ થઇ જશે તેવી ટીપ્સ મળતાં વોર્ડન સાગ્રીતોને લઇને ગયો હતોઃ પણ પછી રોકડનો આખો થેલો પડાવી લીધો

તસ્વીરમાં અપહરણ-લૂંટનો મુખ્ય સુત્રધાર આરોપી ટ્રાફિક વોર્ડન શાહબાઝ મોટાણી સાથે પોલીસ સ્ટાફ તથા બાજુની તસ્વીરમાં અન્ય આરોપીઓ અતીક, દાનીશ અને મહેશ સાથે વોર્ડન શાહબાઝ નજરે પડે છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૯: શહેરના ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર રહેતાં અને એગ્રીકલ્ચર પ્રોડક્ટસની કમિશનથી લે-વેંચ કરતાં વેપારીને રેસકોર્ષ લવગાર્ડનમાં ચાર શખ્સોએ પોલીસના નામે મારકુટ કરી ગાળો દઇ ટુવ્હીલરમાં પરાણે બેસાડી ગાર્ડનમાં જ બીજી જગ્યાએ લઇ જઇ તમારી ડેકી ચેક કરવી છે કહી તેની પાસેના રૂા. ૩૨ લાખ લૂંટી લેતાં ચકચાર મચી છે. જો કે વેપારીને જ આ શખ્સો પોલીસ ન હોય તેવી શંકા ઉપજતાં પોલીસ સ્ટેશને પહોંચી ઘટનાની જાણ કરતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ અપહરણ-લૂંટમાં પોલીસે ટીઆરબી શખ્સ, તેના સાગ્રીતો મળી ૪ને પકડી લઇ ૨૧ લાખ કબ્જે કર્યા છે. બાકીની રકમ કબ્જે કરવા અને ટીપ્સ આપનાર કીયા કારના ચાલકને શોધવા તજવીજ થઇ રહી છે. વોર્ડન સાથે એક આરોપી જામટાવર પાસે કપડાનો વેપાર કરનારાનો પુત્ર પણ છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ શિતલ પાર્ક પાસે શહીદ સુખદેવ ટાઉનશીપ બી-૧/૭૦૧માં રહેતાં અને અગ્રીકલ્ચર પ્રોડક્ટનું કમીશનથી કામ કરતાં સમીરભાઇ રશ્મીકાંતભાઇ પંડયા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી પોલીસના નામે ધમકાવી, માર મારી, અપહરણ કરી રૂા. ૩૨ હજારની રોકડના થેલાની લૂંટ કરવાનો ગુનો નોંધી ટીઆરબી જવાન શાહબાઝ મોટાણી, તેના સાગ્રીતો દાનીશ શેખ, અતીક સુમરા અને મહેશ વાઘેલાને સકંજામાં લઇ ૨૧ લાખની રોકડ જપ્ત કરી છે. બાકીના ૧૧ લાખ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે. આ લૂંટના પ્લાનમાં આ ટોળકીને ટીપ્સ ભોગ બનનારના કોઇ જાણભેદુએ આપ્યાની શંકાએ વધુ તપાસ થઇ રહી છે.
સમીરભાઇ પંડયાએ જણાવ્યું હતું કે બુધવારે મેં ભુતખાના ચોકમાં રોયલ કોમ્પલેક્ષમાં એકતા એન્ટરપ્રાઇઝ નામે ઓફિસ ધરાવતાં શૈલેષભાઇ મનસુખભાઇ દલસાણીયાને કોટન ગાંસડી ખરીદવા રૂા. ૩૨ લાખ આપ્યા હતાં. પરંતુ અમારા ભાવમાં કપાસ ગાંસડી ન મળતાં મેં મારા આપેલા ૩૨ લાખ પાછા આપવાનું કહેતાં શૈલેષભાઇએ મને ફોન કરી કહેલુ કે તમારા રૂપિયા અમારો માણસ રેસકોર્ષ લવગાર્ડન પાસે આપી જશે. જેથી હું શૈલેષભાઇના કહ્યા મુજબ રેસકોર્ષ લવ ગાર્ડન ખાતે સાડા બારેક વાગ્યે મારુ એક્ટીવા જીજે૦૩ડીએમ-૬૦૫૯ લઇને પહોંચી ગયો હતો.
અહિ પહોંચ્યા પછી મારે શૈલેષભાઇ સાથે ફોનમાં વાત ચાલુ હતી. જેથી મેં તેને કોની પાસેથી પૈસા લેવાના છે? તેમ પુછતાં તેણે કોન્ફરન્સ કોલમાં મારી સાથે વાત કરાવી હતી. જેમાં કીયા કારવાળા ભાઇ આવીને પૈસા આપી જશે તેમ કહેતાં હું ત્યાં ઉભો હતો ત્યાં કીયા કાર આવી હતી. તેના ચાલકે ડેકીમાંથી મને રોકડનો થેલો કાઢીને આપ્યો હતો. એટલી જ વારમાં સફેદ રંગના એક્સેસ પર બે શખ્સ આવ્યા હતાં. તેમજ એક બાઇક પર અન્ય બે અજાણ્યા પણ આવ્યા હતાં.
એક્સેસ લઇને આવેલા શખ્સે તેની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને મારો કાંઠલો પકડી ઝપાઝપી કરી ગાળો દઇ થપ્પડ મારી રૂપિયા ભરેલો મારો થેલો ઝૂંટવી લીધો હતો. આ પછી પોલીસ તરીકે ઓળખ આપનારા એક્સેસવાળા શખ્સે મને ફરી થપ્પડ મારી કહેલું કે-તમારા એક્ટીવાની ડેકી ખોલો મારે ચેક કરવી છે તેમ કહી મારા બે મોબાઇલ ફોન પણ ઝૂંટવી લીધા હતાં. પણ મને આ શખ્સ પોલીસ હોય તેવું લાગતું ન હોઇ જેથી મેં તેને કહેલું કે મને તમે પોલીસ સ્ટેશને લઇ જાવ, તમે જે માહિતી પુછશો તે હું ત્યાં તમને જણાવીશ. આમ કહેતાં એ ઉશ્કેરાઇ ગયેલ અને એ શખ્સે મારું નામ શાહબાઝ મોટાણી છે, હું પોલીસ જ છું તેમ કહી મને ફરીથી ગાળો દીધી હતી અને એક કલાક સુધી ક્યાંય જવા દીધો નહોતો. આ પછી મને એક્ટીવામાં પરાણે બેસાડી લવ ગાર્ડથી મહિલા ગાર્ડન તરફ લઇ ગયા હતાં.
જ્યાં પહોંચતા હું એક્ટીવામાંથી ઉતરી બાલભવનના રસ્તે આનંદ ચા તરફ ભાગતાં એક્સેસવાળો ફરી પાછળ આવેલો અને ઝાપટ મારી ગાળો દઇ ફરી એક્ેસેસમાં પરાણે બેસાડી મહિલા ગાર્ડન પાસે લઇ ગયો હતો. ત્યાં પણ અડધો કલાક બેસાડી રાખ્યો હતો. તેમજ મારામારી કરી કહેલું કે તું તને પૈસા આપવાવાળાને બોલાવ અને વધુ પૈસા અપાવન નહિમતર તને જવા નહિ દઇએ તેમ કહી મને મારા ફોન પાવછા આપી દીધા હતાં. મેં તેને હું પોલીસ સ્ટેશને જઇશ તેવું કહેતાં શાહબાઝ તરીકે ઓળખ આપનારાએ તારે જ્યાં જવું હોય ત્યાં જા તેમ કહ્યું હતું અને બાદમાં આ શખ્સો ભાગી ગયા હતાં.
આ પછી મેં વેપારીઓને ફોન કરી ઘટનાની જાણ કરી હતી અને પ્ર.નગર પોલીસ સ્ટેશને પહોંચી ફયિરાદ કરી હતી. તેમ વધુમાં સમીરભાઇ પંડયાએ જણાવતાં પીઆઇ વી. આર. વસાવા અને ડી. સ્ટાફ ટીમે તથા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરી હેઠળ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી ટ્રાફિક વોર્ડન શાહબાઝ ઇસ્માઇલભાઇ મોટાણી (ઉ.વ.૨૯-રહે. જામનગર રોડ સાંઢીયા પૂલ પાસે હુડકો કવાર્ટર શેરી નં. ૧, ક્વાર્ટર નં. ૧૪), જામટાવર પાસે આવેલા આઇકે સિલેકશનવાળા આઇકેનો પુત્ર દાનીશ ઇબ્રાહીમભાઇ શેખ (ઉ.વ.૨૦-રહે. જંકશન પ્લોટ, રેફયુજી કોલોની), અતીક દોસ્તમહમદ સુમરા (ઉ.વ.૧૯-રહે. જામનગર રોડ પરસાણાનગર-૬/૭) તથા મહેશ ખોડાભાઇ વાઘેલા (ઉ.વ.૧૯-રહે. જામનગર રોડ સ્લમ ક્વાર્ટર નં. ૧૫૦)ને પકડી લીધા છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શાહબાઝ મોટાણી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જ ટીઆરબી તરીકે કામ કરે છે. તેને પૈસાની લેતીદેતી લવ ગાર્ડન પાસે થવાની છે તેવી માહિતી મળતાં બીજા સાગ્રીતો દાનીશ, અતીક, મહેશ સાથે મળી વોચ રાખી રોકડ લૂંટી લીધી હતી. આ ટીપ્સ શાહબાઝને ભોગ બનનારના કોઇ પરિચીતે આપી કે કેમ? તેની તપાસ થઇ રહી છે. ફરિયાદીના કહેવા મુજબ થેલો કબ્જે થયો તેમાંથી ૨૧ લાખ મળ્યા છે, બાકીના ૧૧ લાખ ગાયબ છે. આ રકમ રિકવર કરવા અને ગુનામાં બીજા કોઇ સામેલ હોઇ તેને શોધવા વિશેષ તપાસ ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ વી.આર. વસાવા અને ટીમ વધુ તપાસ કરે છે.
ભોગ બનેલા વેપારી સમીરભાઇ પંડયાએ કહ્યું હતું કે હું પ્ર.નગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો ત્યારે મુખ્ય આરોપી શાહબાઝ ત્યાં અગાઉથી જ હાજર હતો અને લવગાર્ડન પાસે પણ તે કહેતો હતો કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો. ત્યારે તો મને એમ જ હતું કે આ સાચ્ચે પોલીસ હશે. પણ બાદમાં પીઆઇ વસાવા સહિતે તપાસ શરૂ કરતાં આ શખ્સ વોર્ડન હોવાની ખબર પડી હતી. (૧૪.૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
