<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં રઘુવંશી પરિવારની નિશીતા ગણાત્રા ચૂંટણી જંગના મેદાનમાં

નિશીતા ગણાત્રાના પિતા ન્‍યુઝીલેન્‍ડના સક્રિય રાજકારણમાં જોડાયેલ છે : પરદાદા ચંદુલાલ ગણાત્રાએ જુનાગઢમાં કલેકટર તરીકે સેવા આપી છે મુળ રાજકોટના પરિવારની દિકરીએ વ્‍યસનમુકત સમાજ, ડ્રગ્‍સ નાબુદી અભિયાન થકી લોકોનાં હૃદયમાં સ્‍થાન મેળવ્‍યુ : તેમના દાદા પણ ભાજપમાં ઉચ્‍ચ હોદ્દા ઉપર હતા : રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘમાં સક્રિય હતા

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ઓકલેન્‍ડ, તા. ૯ :  ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં સ્‍થાનીક ચૂંટણીમાં ગુજરાત-રાજકોટના રઘુવંશી પરિવારના કુ. નિશીતા ગણાત્રાએ ઝંપલાવ્‍યું છે અને તેને ઠેર-ઠેર આવકાર મળી રહ્યો છે.

ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં હાલમાં નગર નિગમની ચૂંટણી જાહેર થઇ છે જેમાં ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડ શહેરમાં રહેતા મુળ સૌરાષ્‍ટ્રના અને અમદાવાદ સ્‍થાયી થયા પછી ર૦ થી વધુ વર્ષોથી ન્‍યુઝીલેન્‍ડમાં નિવાસ કરી રહેલા રઘુવંશી પરિવારના જીતેશભાઇ ગણાત્રાના સુપુત્રી નિશીતાબેન ગણાત્રાએ ઝંપલાવ્‍યુ છે. કુ. નિશીતાબેન ગણાત્રા હાલમાં વકીલાતનો છેલ્લા વર્ષમાં ઓકલેન્‍ડમાં અભ્‍યાસ કરી રહ્યા છે. તેમજ ઓકલેન્‍ડમાં આવેલી જુદી જુદી સામાજીક સેવાભાવી  સંસ્‍થાઓમાં પોતાની સેવા સાથે યોગદાન આપી રહ્યા છે.  ઓકલેન્‍ડમાં નગર નિગમની ચૂંટણીમાં ઝંપલાવનાર કુ. નીશીતા જીતેશભાઇ ગણાત્રાએ જણાવ્‍યું હતું કે, મારા દાદા ભાજપમાં ઉચ્‍ચ હોદ્દા ઉપર હતા અને રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘમાં સક્રિય રહીને દરરોજ શાખામાં પણ જતા હતા. જેથી અમારા લોહીમાં સક્રિય રહીને સેવા કરવાની ભાવના જોડાયેલ છે.  કુ. નિશીતા ગણાત્રાએ વધુમાં જણાવ્‍યું હતું કે ઓકલેન્‍ડમાં ચૂંટણીમાં ઝંપલાવીને લોકોને સુવિધાઓ મળે તથા આ શહેરનો વિકાસ થાય તેવી મહેચ્‍છા છે. યુવાનોમાં વ્‍યસનમુકિતના ગુણ વધુ જાગૃત થાય, યુવકો ડ્રગ્‍સ, તમાકુ સહિતના વ્‍યસનમાંથી મુકત થાય તે જરૂરી છે. આ માટે જનજાગૃતિ અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરીને એક તંદુરસ્‍ત સમાજનું નિર્માણ થાય તેવી મારી ખેવના છે.

 કુ. નિશીતા ગણાત્રાએ વધુમાં જણાવ્‍યું કે સ્‍થાનીક ચૂંટણીમાં ઝંપલાવ્‍યુ છે ત્‍યારથી લોકો ખુબ જ આવકાર આપી રહ્યા છે અને સેવાકાર્યોને બિરદાવે છે.

કુ.નિશીતા ગણાત્રા યુવા હૈયાઓના પ્રેરણામુર્તિ છે અને ન્‍યુઝીલેન્‍ડ સરકાર દ્વારા ૨૦૧૯માં આયોજીત યુવા સંસદમાં તેઓ સભ્‍ય રહી ચુકયા છે. યુવાનોને ગુન્‍હા નિવારવા, દારૂ અને ડ્રગ્‍સ નિયંત્રણ, શિક્ષણ જાગૃતિ, યુવા સંબંધી જુદા-જુદા મુદાઓ ઉપર સંસદમાં પ્રથમવાર ભારતીય સમુદાયની દિકરીએ માર્ગદર્શન આપ્‍યું હતું.

સંસદના સત્ર દરમ્‍યાન નિશીતા ગણાત્રાએ વડાપ્રધાન, ગર્વનર જનરલ, મંત્રીઓ તથા સાંસદો સાથે શુભેચ્‍છા મુલાકાત કરીને વિચારોની આપ-લે કરી હતી.

કુ.નિશીતા ગણાત્રાના પરદાદા ચંદુલાલ ગણાત્રા જુનાગઢમાં કલેકટર તરીકે રહી ચુકયા છે અને તેના પિતા જીતેશભાઇ ગણાત્રા પણ ન્‍યુઝીલેન્‍ડના સક્રિય રાજકારણમાં જોડાયેલ છે અને લોકસેવા કરી રહયા છે. 

ન્‍યુઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં સ્‍થાનીક સ્‍વરાજયની ચુંટણી માટે જાહેર સ્‍થળો, લાયબ્રેરી સહિતના સ્‍થળોએ બુથ રાખવામાં આવેલ છે અને ૩૦ દિવસ દરમિયાન મતદારો પોતપોતાના સમય મુજબ મતદાન કરે છે. નગર નિયમની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજાય છે. અને પ્રચાર અમુક ચોક્કસ જગ્‍યાએ બેનરો લગાવીને જ કરી શકાય છે. આ ચુંટણીમાં માત્ર ૪૦ ટકા આસપાસ જ મતદાન થાય છે.

આ તકે ઓકલેન્‍ડના સ્‍થાનીક લોકોએ જણાવ્‍યું હતું કે, સેવાભાવી કુ. નિશીતા ગણાત્રા જંગી બહુમતીથી જીતી જશે. અને ન્‍યુઝીલેન્‍ડનાં ભારતીય સમુદાયના લોકોએ શુભેચ્‍છા પાઠવી છે.

અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ટેલિફોનીક વાતચીત દરમિયાન નિશીતા ગણાત્રાએ ન્‍યુઝીલેન્‍ડ ખાતેથી પોતાની સેવાભાવના અંગેની વાતો કહી હતી. અકિલા પરિવાર તરફથી અનેકાનેક શુભેચ્‍છા.  (૯.૧૮)

 

(3:13 PM IST)