હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માત્ર ૩૭.૫ ટકા સોનું ધરાવતાં ૯ કેરેટનાં ઘરેણાં માટે હોલમાર્કિંગને મંજૂરી
9K સોનાની જ્વેલરી પહેરવા તૈયાર છો તમે? ગોલ્ડના વધતા જતા ભાવ સામે ખરીદદારોને મળ્યો છે નવો વિકલ્પ

નવી દિલ્હી,તા.૧૦: ભારતીય લગ્નો અને તહેવારોમાં સોનું હંમેશાં પ્રિય રોકાણ રહ્યું છે, પરંતુ તાજેતરમાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હોવાથી સામાન્ય ગ્રાહકો માટે ઘરેણાં ખરીદવાનું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ પરિસ્થિતિને હળવી કરવા અને ખરીદદારોને વધુ વિકલ્પો આપવા માટે ભારત સરકારે હવે ૯ કેરેટ (9K) સોનાનાં ઘરેણાં માટે હોલમાર્કિંગને મંજૂરી આપી દીધી છે જે એને બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) સિસ્ટમ હેઠળ સત્તાવાર રીતે માન્યતા આપે છે.
હોલમાર્કિંગ મૂળભૂત રીતે શુદ્ધતા અને અધિકૃતતાનો સંકેત છે. અત્યાર સુધી BIS ૧૪, ૧૮, ૨૦, ૨૨ અને ૨૪ કેરેટ સોનાની જ્વેલરીને હોલમાર્ક (શુદ્ધતા)ની માન્યતા આપતું હતું. જોકે હવે જૂન મહિનાથી આપણા દેશમાં ૯ કેરેટ સોનાની જ્વેલરી પણ ઝવેરીઓ સરકારની ગુણવત્તાની ગેરન્ટી સાથે ઓછી શુદ્ધતાવાળા વિકલ્પને પણ વેચી શકે છે.
૨૪ કેરેટ સોનું સૌથી શુદ્ધ છે જેમાં ૯૯.૯૯ ટકા સોનાનું પ્રમાણ રહેલું હોય છે જ્યારે ૯ કેરેટ સોનાની જ્વેલરીમાં ફક્ત ૩૭.૫ ટકા સોનું હોય છે. બાકીના ૬૨.૫ ટકામાં તાંબું, ચાંદી અથવા જસત જેવી અન્ય ધાતુઓનું મિશ્રણ છે, જેને કારણે ૯ કેરેટ સોનાની જ્વેલરી ભાવમાં સસ્તી છે પણ એ મજબૂત અને ટકાઉ બને છે, કારણ કે એમાં ઉમેરવામાં આવેલી ધાતુઓ ઝવેરાતને ઉચ્ચ કેરેટના સોના કરતાં વધુ કઠણ બનાવે છે
ઝવેરીઓના કહેવા પ્રમાણે જેમ-જેમ સોનું મોંઘું થતું જાય છે એમ લોકોને વધુ સસ્તી જ્વેલરીનો વિકલ્પ જોઈએ છે. ૯ કેરેટ સોનાની જ્વેલરી સામાન્ય માણસને પરવડી શકે એ બજેટમાં મળી શકે છે. હાલમાં ૨૪ કેરેટ સોનાની પ્રતિ ગ્રામની કિંમત લગભગ ૧૦,૦૦૦ રૂપિયા છે જેની સામે ૯ કેરેટ સોનું લગભગ ત્રીજા ભાગની કિંમતે એટલે કે ૩૭૦૦ રૂપિયા પ્રતિ ગ્રામ ઉપલબ્ધ છે. ૯ કેરેટ સોનાની જ્વેલરી વધુ મજબૂત છે અને સરળતાથી વળતી નથી અથવા તો એનાથી ખંજવાળ આવતી નથી જેથી એની વીંટીઓ અને રોજિંદાં ઘરેણાં માટે એ સારું છે. સૌથી મહત્ત્વનું એ છે કે સોનાનું પ્રમાણ ઓછું હોવાથી એ ઉચ્ચ મૂલ્યનાં ઘરેણાંની તુલનાએ ચોરો માટે ઓછું આકર્ષક છે.
ઘરેણાં ખરીદી કરનારાઓ માટે હોલમાર્કિંગ વિશ્વસનીય છે. એનાથી તેમને ઘરેણાંમાં ઉપયોગમાં લેવામાં આવેલા સોનાની ગેરન્ટી મળે છે એથી જ સરકારે હવે ૯ કેરેટના સોનાની જ્વેલરીને પણ હોલમાર્કિંગનાં ધારાધોરણ પ્રમાણે મંજૂરી આપી છે જેનાથી આ ઘરેણાં BIS એટલે કે ભારતીય માનક બ્યુરોની હોલમાર્કિંગ સિસ્ટમનો સત્તાવાર ભાગ બને છે. ગ્રાહકોને લગતી બાબતોના મંત્રાલય દ્વારા આ સૂચના જાહેર કરવામાં આવી હતી અને આ નિયમ જૂન ૨૦૨૫થી અમલમાં આવી ગયો છે. BIS અનુસાર 9K સોનાનાં ઘરેણાં હવે અન્ય સોનાની શ્રેણીઓ જેવા જ નિયમોને આધીન રહેશે.
નવા 9K હોલમાર્કિંગ ધોરણથી હળવા વજનના સોનાના દાગીનાની ડિમાન્ડ ફરી શરૂ થવાની અપેક્ષા છે. સોનાના ઊંચા ભાવે ઘણા ગ્રાહકો પરંપરાગત ખરીદીથી દૂર ધકેલાઈ ગયા છે એમ જણાવતાં ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન રાજેશ રોકડેએ ‘હતું કે ‘૯ કેરેટ સોનાની ડિમાન્ડમાં વધારો એ ગ્રાહકોની પસંદગીનું પ્રતિબિંબ છે, ખાસ કરીને યુવા ખરીદદારોની જેઓ કોઈ પણ જાતના સમાધાન વગર સસ્તી અને વિશ્વસનીય સ્ટાઇલની જ્વેલરી શોધી રહ્યા છે. તેમને માટે BIS દ્વારા હવે 9K સોના માટે હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવતાં પારદર્શિતા અને વિશ્વાસ એ સેગમેન્ટનો આધારસ્તંભ બની ગયો છે. ગ્રાહકોએ એને સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. શહેરી અને અર્ધ-શહેરી બજારોમાં વેચાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. હોલમાર્કિંગવાળી ૯ કેરેટની જ્વેલરી ગ્રાહકો માટે ફક્ત સસ્તી નહીં પણ ગુણવત્તાની ગેરન્ટીની પણ ખાતરી આપે છે. આ જ્વેલરી આવવાથી ગ્રાહકો માટે નવા વિકલ્પોના દરવાજા ખુલ્લા થયા છે. હું અમારા ઝવેરીઓને પ્રોત્સાહિત કરતાં કહું છું કે તમે એ જ વેચો જે તમે કહો છો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
