News of Friday, 10th October 2025
વિકાસ અને સંસ્કૃતિનું સંગમ : મહેસાણાની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટમાં ગુજરાત પ્રવાસન વિભાગનું ભવ્ય પેવિલિયન આકર્ષણનું કેન્દ્ર :જુઓ વિડીયો
અંબાજી, મોઢેરા, રાણી કી વાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ઉત્તર ગુજરાતની સમૃદ્ધ ધરોહર એક જ છત હેઠળ પ્રદર્શિત : VR ઝોન દ્વારા વર્ચ્યુઅલ અનુભવ અને ટેક્નોલોજીથી પરંપરાગત વારસાનું અનોખું સંકલન

મહેસાણા, ૯ ઓક્ટોબર, ૨૦૨૫: મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે ૯ અને ૧૦ ઑક્ટોબરે આયોજિત “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ” માં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા એક ભવ્ય અને આકર્ષક પેવિલિયન તૈયાર કરવામાં આવ્યું છે, જે ઉત્તર ગુજરાતની સમૃદ્ધ ધરોહર અને સાંસ્કૃતિક વૈવિધ્યનું અનોખું સંકલન રજૂ કરે છે.
ઉત્તર ગુજરાતની ધરોહરનું જીવંત પ્રદર્શન:
પ્રવાસન વિભાગના આ વિશાળ પેવિલિયનમાં ઉત્તર ગુજરાતના લોકપ્રિય ધાર્મિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં મુખ્યત્વે અંબાજી મંદિર, મોઢેરા સૂર્યમંદિર, વડનગર કીર્તિતોરણ, રાણી કી વાવ, પાટણ પટોળા, વડનગર પુરાતત્વ મ્યુઝિયમ, જસોર સ્લોથ રીંછ અભયારણ્ય, હાટકેશ્વર મંદિર, તેમજ ગિરનું વનજીવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સમગ્ર ગુજરાતના લોકપ્રિય સ્થળોનું નિદર્શન કરાયું છે.
વર્ચ્યુઅલ અને માહિતીસભર અનુભવ:
મુલાકાતીઓને ગુજરાતના પ્રવાસન સ્થળોનો વાસ્તવિક અનુભવ કરાવવા માટે અહીં એક વિશેષ VR ઝોન (વર્ચ્યુઅલ રિયાલિટી ઝોન) તૈયાર કરાયો છે, જ્યાં પ્રવાસીઓ રાજ્યના લોકપ્રિય સ્થળોની વર્ચ્યુઅલ સફર કરી શકે છે.
આ ઉપરાંત, પેવિલિયનમાં ઇન્ફોર્મેશન ડેસ્ક પર રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુલાકાતીઓને બ્રોશર, બુકલેટ, ડેસ્ટિનેશન મેપ્સ, થીમ આધારિત પ્રવાસન ગાઇડ્સ અને સંસ્કૃતિ-ઉત્સવો પર આધારિત પુસ્તિકાઓ પણ આપવામાં આવી રહી છે.
ટેક્નોલોજી સાથે પરંપરાનો સંગમ:
પેવિલિયનના વિવિધ વિભાગોમાં ગુજરાતના વારસાગૃહો, મંદિર સ્થાપત્ય, હસ્તકલાઓ, લોકકલા, કુદરતી સૌંદર્ય અને વનજીવનને રજૂ કરતું પ્રચાર સાહિત્ય અને ડિસ્પ્લે પેનલ્સ પ્રદર્શિત કરાયા છે. આ સમગ્ર પેવિલિયનમાં ટેક્નોલોજીના ઉપયોગ સાથે પરંપરાગત વારસો અને આધુનિક ગુજરાતનો અનુભવ એક જ છત હેઠળ મળે છે.
ગુજરાત પ્રવાસન વિભાગનો હેતુ આ પેવિલિયન દ્વારા રાજ્યના પ્રવાસન સ્થળોને વધુ પ્રોત્સાહિત કરવાનો, પ્રવાસીઓને માહિતીપૂર્ણ અનુભવ આપવાનો અને “એક્સપ્લોર એન્ડ એક્સપિરીયન્સ ગુજરાત” ના સંદેશને વ્યાપક બનાવવાનો છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
