સંયુક્ત રાષ્ટ્ર સંઘની પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયેલા સાંસદ પૂનમબેન માડમે ન્યૂયોર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું: ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના આદર્શો આજે પણ વૈશ્વિક શાંતિ માટે પ્રસ્તુત : 'યુનાઇટેડ નેશનને ઉદ્દેશ્ય અનુસાર બનાવવું' વિષય પર ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના ડિરેક્ટર રિચર્ડ ગોવન સાથે ગહન ચર્ચા કરી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ : ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ હાલમાં અમેરિકામાં યુનાઇટેડ નેશનની વૈશ્વિક પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મથક ન્યૂયોર્ક ખાતે, તેમણે અન્ય સાથી સાંસદો સાથે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગાંધીજીના આદર્શોની પ્રસ્તુતતા:
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા સહિતના વિચારો, આદર્શો અને જીવન દર્શન આજે પણ વૈશ્વિક શાંતિ અને સદ્ભાવ માટે સર્વથા સાંપ્રત (પ્રસ્તુત) છે.
વૈશ્વિક સ્તરની ચર્ચા:
આ પ્રવાસ દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યશીલ સંસદસભ્ય પૂનમબેન માડમે સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના ડિરેક્ટર રિચર્ડ ગોવન સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ ચર્ચાનો વિષય "સંયુક્ત રાષ્ટ્રને ઉદ્દેશ્ય અનુસાર બનાવવું" હતો, જે વૈશ્વિક સ્તરની અને સાર્થક રહી હતી.
સાંસદ પૂનમબેન માડમે ઉમેર્યું હતું કે, "અમે બધા મળીને વૈશ્વિક નેતા અને ભારતના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @૨૦૪૭ ના લક્ષ્યોની સિદ્ધિ માટે આ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતના 'વિશ્વબંધુત્વ' અને 'સર્વ જન હિતાય-સર્વજન સુખાય' સહિતના 'સૌના સાથ-પ્રગતિ અને મૂલ્ય નિષ્ઠ પરિશ્રમ સાથેના શ્રેષ્ઠ અને ટકાઉ વિકાસ'ની શ્રેષ્ઠ રજૂઆતને સાકાર કરવા પ્રયત્નશીલ રહીશું."
અંતે તેમણે જણાવ્યું હતું કે, યુનાઇટેડ નેશનમાં વર્તમાન પડકારો અને સમગ્ર વૈશ્વિક સ્થિતિઓનો સમાવેશ કરતા મુદ્દાઓ પર રસપ્રદ ગહન ચર્ચા થઈ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
