<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

કફ સીરપ હત્યાકાંડનો ચોંકાવનારો ખુલાસો: ડૉ. પ્રવીણ સોનીએ ૩૦૦થી વધુ બાળકોને ઘાતક 'કોલ્ડરિફ' લખી આપી, ૨૩ માસૂમોના મોત; રજા પર રહીને ૫,૦૦૦ દર્દીઓ તપાસ્યા

પત્નીના મેડિકલ સ્ટોર દ્વારા જ તે વેચવામાં આવતું હતું. આ હત્યાકાંડમાં માત્ર ડૉક્ટર જ નહીં, પરંતુ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી

ભોપાલઃ  મધ્ય પ્રદેશમાં ઝેરી 'કોલ્ડરિફ' કફ સીરપ પીવાથી ૨૩ બાળકોના મૃત્યુના કેસમાં બાળરોગ ચિકિત્સક ડૉ. પ્રવીણ સોનીની બેદરકારી અને અનૈતિક પ્રવૃત્તિઓનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.
સિવિલ હોસ્પિટલ પારસિયામાં બાળરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવતા ડૉ. પ્રવીણ સોનીએ સપ્ટેમ્બર મહિનામાં રજા લીધી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના ખાનગી ક્લિનિકમાં ૫,૦૦૦ થી વધુ બાળકોની તપાસ કરી હતી. આમાંથી આશરે ૩૦૦ જેટલા બાળકોને તેમણે ઘાતક 'કોલ્ડરિફ' કફ સીરપ લખી આપી હતી.
ડૉ. સોનીના ક્લિનિકમાંથી જપ્ત કરાયેલા રજિસ્ટરમાં બાળકોના નામ અને વાલીઓના મોબાઇલ નંબર મળ્યા છે.
આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ યાદીના આધારે હવે લોકોને સંપર્ક કરીને તેમના પ્રિસ્ક્રિપ્શન અને 'કોલ્ડરિફ' બોટલ જપ્ત કરવાની કામગીરી કરી રહ્યા છે.
ડૉ. સોનીએ પોતાના ક્લિનિક સાથે જોડેલું એક ગેરકાયદેસર 'ડે કેર સેન્ટર' પણ ચલાવતા હતા, જેનું નામ 'જીવન જ્યોતિ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ' હતું.
અહીં તેઓ બીમાર બાળકોને દાખલ કરવા માટે રોજના બે થી પાંચ હજાર રૂપિયા ચાર્જ કરતા હતા.
સૌથી આઘાતજનક બાબત એ છે કે 'કોલ્ડરિફ' સીરપ પીવાથી કિડનીને નુકસાન થયું હોય તેવા ઘણા બાળકોને આ જ ડે કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ ડર સાથે ગુપ્ત રીતે માહિતી આપી કે ડૉ. સોની હોસ્પિટલના સમય દરમિયાન પણ તેમના ક્લિનિકમાં બાળકોની સારવાર કરતા હતા, જેના સીસીટીવી ફૂટેજ હોવાની શક્યતા છે.
સિવિલ હોસ્પિટલના અન્ય એક ડૉક્ટર, ડૉ. અમન સિદ્દીકી પણ સોનીના ક્લિનિકમાં બાળકોની સારવાર કરતા હતા અને તેમણે પણ એક બાળકને 'કોલ્ડરિફ' લખી આપ્યું હતું, જોકે પ્રિસ્ક્રિપ્શન પર તેમની સહી નહોતી.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ બધું જાણવા છતાં છિંદવાડાના CMHO, BMO અને વહીવટી અધિકારીઓએ ડૉ. સોનીના ક્લિનિક, ડે કેર અને અનિયમિત સેવાઓ પર કોઈ કાર્યવાહી કે તપાસ શા માટે કરી નહીં?
અગાઉના અહેવાલો મુજબ, ડૉ. સોની કફ સીરપ વેચવાની લાલચમાં બધા બાળકોને તે લખી આપતા હતા, અને તેમની પત્નીના મેડિકલ સ્ટોર દ્વારા જ તે વેચવામાં આવતું હતું. આ હત્યાકાંડમાં માત્ર ડૉક્ટર જ નહીં, પરંતુ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી પણ સામે આવી છે.

(11:32 AM IST)