<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

પોલીસ કોન્સ્ટેબલ જ નીકળ્યો 'નકલી નોટોનો માસ્ટરમાઇન્ડ': મિરાજમાં રૂ.૧.૧૧ કરોડની ફેક કરન્સી સાથે ૫ આરોપીઓની ધરપકડ, મોટો પર્દાફાશ

એક પોલીસ કોન્સ્ટેબલ જ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પકડાયો હોવાથી આ ઘટનાથી પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે

મિરાજ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના મિરાજ શહેરમાં એક સનસનાટીભર્યા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે. મહાત્મા ગાંધી ચોક પોલીસ સ્ટેશનની ટીમે ગુરુવારે મોટી કાર્યવાહી કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી કુલ રૂ.૧.૧૧ કરોડની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ આખી ગેંગનો મુખ્ય સૂત્રધાર પોતે એક પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ રૂ.૫૦૦ અને રૂ.૨૦૦ ના મૂલ્યની નકલી ચલણી નોટો બજારમાં ફેલાવવાની યોજના બનાવી રહી હતી. જોકે, પોલીસની સતર્કતાને કારણે તેમનો પ્લાન નિષ્ફળ રહ્યો. પોલીસે એક આરોપીને રંગેહાથ પકડી લીધો હતો, જેની પૂછપરછ બાદ આખી ગેંગની ઓળખ જાહેર થઈ હતી.
નકલી નોટોના આ રેકેટનો મુખ્ય સૂત્રધાર પોલીસ વિભાગનો જ વ્યક્તિ નીકળ્યો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નીચેના પાંચ લોકોનો સમાવેશ થાય છે:
ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીઓમાં ઇબ્રાર આદમ ઇનામદાર (ઉંમર ૪૪ વર્ષ, કોલ્હાપુર) – પોલીસ હવાલદાર (મુખ્ય સૂત્રધાર),સુપ્રીત કહાન્યા દેસાઈ (ઉંમર ૨૨ વર્ષ, ગઢિંગલાજ, કોલ્હાપુર), રાહુલ રાજારામ જાધવ (ઉંમર ૩૩ વર્ષ, કોલ્હાપુર), નરેન્દ્ર જગન્નાથ શિંદે (ઉંમર ૪૦ વર્ષ, કોલ્હાપુર),સિદ્ધેશ જગદીશ મ્હાત્રે (ઉંમર ૨૮ વર્ષ, મલાડ, મુંબઈ) સમાવેશ થાય છે.
પોલીસ આ કેસમાં અન્ય આરોપીઓની પણ પૂછપરછ કરી રહી છે અને આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આગળની કાર્યવાહી કરી રહી છે. એક પોલીસ કોન્સ્ટેબલ જ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પકડાયો હોવાથી આ ઘટનાથી પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે.

(1:13 PM IST)