<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

બંગાળમાં મેડિકલ વિદ્યાર્થીની પર બળાત્કાર કેસમાં 3 આરોપીઓની ધરપકડ

શુભેન્દુ અધિકારીનું આક્રોશભર્યું નિવેદન: "ગુનેગારોને એન્કાઉન્ટર કરવા, હવે બંગાળને 'યોગી મોડેલ'ની જરૂર છે"

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની ઓડિશાની MBBSની વિદ્યાર્થીની પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટનાએ રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસ દ્વારા આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે.
વિદ્યાર્થીની તેના મિત્ર સાથે ભોજન માટે બહાર ગઈ હતી ત્યારે રસ્તામાં બે કે ત્રણ યુવાનોએ તેને રોકી હતી. પીડિતાનો આરોપ છે કે તેને બળજબરીથી પકડીને એકાંત વિસ્તારમાં લઈ જવામાં આવી હતી અને તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. હાલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે અને તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. પોલીસ આ ઘટનામાં વિદ્યાર્થીનીના મિત્રની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે.
આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પાંચ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય બેની શોધખોળ ચાલુ છે. પશ્ચિમ બંગાળ પોલીસે 'X' પર એક નિવેદનમાં ખાતરી આપી હતી કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ગંભીર ગુના બાદ, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે રાજ્યમાં બળાત્કારના વધતા કેસ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને ગુનેગારોને સજા આપવામાં સરકારની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા.
શુભેન્દુ અધિકારીએ માંગ કરી કે બંગાળમાં ગુનેગારોને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ મોડેલ ને અનુસરીને સજા આપવી જોઈએ.
    શુભેન્દુના આક્રોશભર્યા શબ્દો: "બળાત્કાર જેવા કિસ્સાઓમાં, આરોપીઓને ધરપકડ કર્યા પછી જ એન્કાઉન્ટરમાં મારી નાખવા જોઈએ. બંગાળને યોગી આદિત્યનાથ જેવી સરકારની જરૂર છે, કારણ કે આ રાજ્યમાં ખાનગી કોલેજોથી લઈને સરકારી હોસ્પિટલો સુધી કોઈ સુરક્ષિત નથી."
ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીની પોલીસ ગંભીર કેસોમાં કડક સજા કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે રાજ્યમાં ગુનાઓ સતત વધી રહ્યા છે.

(3:20 PM IST)