બોટાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ:પોલીસ પર પથ્થરમારો કરવા સાથે પોલીસની ગાડીઓમાં તોડફોડ: ટિયરગેસ શેલ છોડયા : ઈસુદાન ગઢવીની અટકાયત : જુઓ વિડિઓ
કપાસના કદડાને લઈને ચાલી રહેલો વિવાદ વકર્યો: પોલીસે મંજૂરી નકારી હોવા છતાં હડદડ ગામે ખેડૂતોની એક પંચાયત યોજાઈ : પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે સઘન કોમ્બિંગ શરૂ કર્યું

બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં છેલ્લા કેટલાક દિવસોથી કપાસના કદડાને લઈને ચાલી રહેલો વિવાદ આજે વકર્યો હતો. પોલીસે મંજૂરી નકારી હોવા છતાં હડદડ ગામે ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ઉશ્કેરાયેલા લોકો વચ્ચે ઘર્ષણ થતાં વાતાવરણ તંગ બન્યું હતુ.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે હડદડ ગામે આયોજિત કિસાન પંચાયત માટે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. આ સમયે મંજૂરી વિના પંચાયતમાં એકઠા થયેલા લોકોને પોલીસે વિખેરવાનો પ્રયાસ કરતાં વાતાવરણ તંગ બન્યું હતુ. જેના પરિણામે વિફરેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરવા સાથે પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી હતી.
આ દરમિયાન પરિસ્થિતિ બેકાબુ બનતી જોઈ પોલીસ કર્મચારીઓએ સ્વ બચાવ તેમજ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ અને પથ્થરમારાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હાલ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે સઘન કોમ્બિંગ શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કિસાન પંચાયતના એલાનને પગલે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બોટાદ શહેર અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં પોલીસ અધિક્ષક (SP) સહિત ચાર નાયબ પોલીસ અધિક્ષક (DySP), પંદર પોલીસ ઇન્સ્પેક્ટર (PI), પચાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને એક હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, આમ છતાં ઘર્ષણની આ ઘટના બની હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
