News of Tuesday, 14th October 2025
ગુરુપુષ્ય નક્ષત્રના શુભ દિવસે સોના-ચાંદીના ભાવ આસમાને: ખરીદીમાં મંદીનો માહોલ
હળવા વજનની જ્વલેરી અને સિક્કા- ગીનીની ખરીદી કરીને શુકન સાચવતા ગ્રાહકો : ભાવમાં ઉછાળાથી મનમુકીને ખરીદી કરવાનું ટાળ્યું

આજે ગુરુ પુષ્ય નક્ષત્ર અને ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવાનું પણ ખાસ મહત્વ છે. માન્યતા મુજબ આ દિવસે સોનું ખરીદવાથી ધન અને સમૃદ્ધિનો વાસ બને છે તથા માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ નક્ષત્રમાં ખરીદેલું સોનું ક્યારેય અશુભ પરિણામ આપતું નથી અને તે ઘરમાં ધનવૃદ્ધિ તેમજ આર્થિક સ્થિરતા લાવે છે. તેથી ગુરુ પુષ્ય નક્ષત્રને “ધન અને સમૃદ્ધિ આપનાર નક્ષત્ર” તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ દિવસે કરેલ ખરીદીથી ચિરંજીવી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જીવનમાં વધે છે.
હાલ સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે સોનાના ભાવ પ્રતિ તોલા 1.35 લાખ રૂપિયા પાર કરી ગયા છે, જેના કારણે ખરીદદારોમાં સંકોચ જોવા મળી રહ્યો છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર જેવા શુભ દિવસે પણ વધેલા ભાવને કારણે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસે સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે, પરંતુ આ વધેલા ભાવના કારણે ગ્રાહકો ખરીદારીથી દૂર રહ્યા છે.અથવા હળવા વજનની જવેલરી ખરીદીને શુકન સાચવતા જોવા મળે છે
ગુરુ પુષ્ય નક્ષત્ર હિંદુ જ્યોતિષના 27 નક્ષત્રોમાંથી આઠમું અને અતિ શુભ નક્ષત્ર ગણાય છે. આ નક્ષત્ર કર્ક રાશિમાં આવેલું છે અને તેનું પ્રતિક ફૂલ એટલે કે પુષ્પ છે, જે સૌંદર્ય, વૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક છે. પુષ્પ નક્ષત્રના દેવતા બૃહસ્પતિ એટલે કે ગુરુદેવ છે જ્યારે તેનું શાસક ગ્રહ શની છે.
તેથી આ નક્ષત્ર જ્ઞાન, શિસ્ત, ધીરજ અને સમૃદ્ધિનું સંયોજન દર્શાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરાયેલા કાર્યો લાંબા સમય સુધી સફળતા અને સ્થિરતા આપે છે. આ નક્ષત્રમાં ઘર પ્રવેશ, લગ્ન, ધંધા શરૂ કરવો કે નવા કાર્યની શરૂઆત કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
