News of Wednesday, 15th October 2025
ઢાકાના મીરપુરના રૂપનગરમાં કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી :16 લોકોના મોત થયા: અનેક લોકો ગંભીર
સાત માળની ફેક્ટરીના ત્રીજા માળે લાગેલી આગ ઝડપથી એક કેમિકલ સ્ટોરેજ રૂમમાં ફેલાઈ ગઈ: ફેક્ટરીના બીજા અને ત્રીજા માળેથી 16 મૃતદેહો મળી આવ્યા

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. મીરપુરના રૂપનગરમાં એક કાપડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે. ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ પણ છે. ફાયર સર્વિસના ડિરેક્ટર લેફ્ટનન્ટ કર્નલ (ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ) મોહમ્મદ તાજુલ ઇસ્લામ ચૌધરીએ જણાવ્યું હતું કે કાપડ ફેક્ટરીના બીજા અને ત્રીજા માળેથી 16 મૃતદેહો મળી આવ્યા છે, જે આગમાં લપેટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે 12 ફાયર બ્રિગેડ ટીમો આગ ઓલવવાના પ્રયાસોમાં રોકાયેલી હતી.
ફાયર સર્વિસના ડિરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કાપડ ફેક્ટરીના બીજા અને ત્રીજા માળેથી કુલ 16 મૃતદેહો મળી આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે બચાવ અને રાહત કામગીરી મોડા સુધી ચાલી હતી. જો કે આગમાં ઘાયલ થયેલાની સંખ્યા પણ વધારે છે, જેથી મૃત્યુઆંક હજી વધી શકે છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું ન હતું.
પ્રત્યક્ષદર્શીઓના અહેવાલોના આધારે ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારી તલહા બિન જાશીમે જણાવ્યું હતું કે રાજધાની ઢાકાના મીરપુર વિસ્તારમાં સાત માળની ફેક્ટરીના ત્રીજા માળે બપોરના સુમારે આગ લાગી હતી. આગ ઝડપથી એક કેમિકલ સ્ટોરેજ રૂમમાં ફેલાઈ ગઈ જ્યાં બ્લીચિંગ પાવડર, પ્લાસ્ટિક સામગ્રી અને હાઇડ્રોજન પેરોક્સાઇડનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે એક શોક સંદેશ જારી કરીને આ દુ:ખદ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને આગના કારણની તપાસ કરવા અને અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા કડક સૂચના આપી છે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
