<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

કલકત્તાના ફેમસ કાઠી રોલે સ્‍ટ્રીટ ફૂડે મેળવ્‍યું વિશ્વના બેસ્‍ટ રોલ્‍સમાં સ્‍થાન

ગ્રીસના જાયરો રોલ્‍સ પહેલા ક્રમે આવ્‍યા હતા ટેસ્‍ટ એટલસની ટોપ ૨૦ યાદીમાં કાઠી રોલની બે વરાઇટીનો પણ સમાવેશ

નવી દિલ્‍હી તા.૧૫: વિશ્વની બેસ્‍ટ ફૂડ-આઇટમ્‍સને રૅન્‍કિંગ આપતા ફૂડ ઍન્‍ડ ટ્રાવેલ ગાઇડ ‘ટેસ્‍ટ ઍટલસ' દ્વારા તાજેતરમાં જ બેસ્‍ટ રોલ્‍સની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં કલકત્તાના ફેમસ કાઠી રોલે બાજી મારી છે. કલકત્તાનું લોકપ્રિય સ્‍ટ્રીટ-ફૂડ કાઠી રોલ દુનિયાના બેસ્‍ટ રોલમાં છઠ્ઠા રૅન્‍ક પર આવ્‍યા છે. રસપ્રદ વાત એ છે કે લચ્‍છાદાર પરાઠામાં પનીર અને કબાબના ફિલિંગ સાથે બનતા કાઠી રોલની ચિકન કાઠી રોલ વરાઇટીએ આ લિસ્‍ટમાં અલગથી ૧૪મું સ્‍થાન મેળવ્‍યું છે. ૩૮ એન્‍ટ્રીમાંથી ટૉપ ૨૦ બેસ્‍ટ રોલ્‍સ પસંદ કરવામાં આવ્‍યા હતા. ગ્રીસના જાયરો રોલ્‍સ પહેલા ક્રમે આવ્‍યા હતા.

ભારતીય ફિલ્‍ટર કૉફીને તાજેતરમાં જ ટેસ્‍ટ ઍટલસ પર માન્‍યતા મળી હતી. આ અગાઉ ઑગસ્‍ટમાં ઉપમા પણ ટેસ્‍ટ ઍટલસની ૫૦ બેસ્‍ટ પૉરિજમાં ૪૨મા ક્રમે આવ્‍યા હતા. મુંબઈની કે. રુસ્‍તમની મૅન્‍ગો સૅન્‍ડવિચ અને અપ્‍સરાનો પેરુ આઇસક્રીમ પણ વિશ્વના ૧૦૦ સૌથી પ્રતિષ્ઠિત આઇસક્રીમની યાદીમાં સ્‍થાન પામ્‍યા હતા.

કાઠી રોલની શરૂઆત કલકત્તાની સુપ્રસિદ્ધ નિઝામ રેસ્‍ટોરાંમાંથી થઈ હતી. બ્રિટિશ અધિકારીઓ પોતાના હાથથી કબાબ ખાવાનું પસંદ કરતા નહોતા એટલે રસોઇયાઓએ પરાઠામાં લપેટીને સર્વ કરવાનું શરૂ કર્યું હતું. ત્‍યારથી કાઠી રોલ કલકત્તાની લોકપ્રિય વાનગી બની ગઈ હતી.

(4:16 PM IST)