<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત : રાજકોટમાં પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનું ભગવા રંગે રંગાયેલા શહેરમાં આગમન!

વિશ્વકર્માજીને આવકારવા શહેરના ૧૦૦થી વધુ સાધુ સંતો, વિવિધ સંસ્‍થાના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ, એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્‍થિત ગ્રીનલેન્‍ડ ચોકડી થી રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ૨૦૦૦ બાઈક અને અસંખ્‍ય કારના કાફલા સાથે રેલીની આગેવાનીમાં જગદીશભાઈને રેસકોર્ષ મેદાન સુધી લઈ જવાઈ રહ્યા છે રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ દેશભક્‍તિના ગીતો, હાસ્‍યરસ સહિતના વિવિધ કાર્યક્રમોમાં ઉમટી પડવા નગરજનોને ડો. માધવ દવે, અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાનો લાગણીભર્યો અનુરોધ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડો.ભરતભાઈ બોઘરા કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ‘બીજેપીગુજરાતડોટકોમ' અને ‘બીજેપીફોરગુજરાત' પર જોઈ શકાશે

રાજકોટ : ગુજરાત રાજ્‍ય ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્‍ત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી હોદ્દો સંભાળ્‍યા પછી પ્રથમ વખત આવતા હોય રાજકોટમાં ભવ્‍ય સ્‍વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે. પ્રદેશ અધ્‍યક્ષના સ્‍વાગત માટે આખું રાજકોટ શહેર ભગવા રંગે રંગાઈ ગયું છે. હિરાસર એરપોર્ટથી ગ્રીનલેન્‍ડ ચોકડી થઈને રેસકોર્ષ મેદાન સુધી ૨૦૦૦ બાઇક અને અસંખ્‍ય કારની રેલી શરૂ થઈ રહી છે. સાંજે ૬:૩૦ કલાકે રેસકોર્ષ મેદાન ખાતે કાર્યકર્તાઓ અને જાહેર જનતાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ સાધુ-સંતો, કેન્‍દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ રાજ્‍યપાલ શ્રી વજુભાઈ વાળા, અનેક સાંસદો, ધારાસભ્‍યો સહિત ભાજપના તમામ શ્રેણીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમના ભાગરૂપે સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને બ્રાહ્મણો દ્વારા વેદિક મંત્રોચ્‍ચારનું આયોજન પણ કરવામાં આવ્‍યું હોવાનું હિતેષ ઢોલરીયા અને શૈલેષ દવે જણાવે છે.

એરપોર્ટથી રેસકોર્ષ સુધી બાઇક અને કારની વિરાટ રેલી

નવનિયુક્‍ત પ્રદેશ અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના સ્‍વાગત માટે રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્‍લા અને મોરબી જિલ્‍લા ભાજપ દ્વારા સંયુક્‍ત ઉપક્રમે ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આજે ૧૫ બુધવારના રોજ હિરાસર એરપોર્ટ ખાતે તેમનું આગમન થઈ રહ્યું છે, જ્‍યાં રાજકોટ જિલ્‍લા ભાજપે ૨૦૦ કારની રેલી સાથે તેમનું સ્‍વાગત કરશે. ત્‍યારબાદ ગ્રીનલેન્‍ડ ચોકડીથી રાજકોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા ૨૦૦૦ બાઇક અને અસંખ્‍ય કારના કાફલા સાથેની રેલીની આગેવાનીમાં તેમને રેસકોર્ષ મેદાન સુધી લાવવામાં આવી રહ્યા છે. સમગ્ર રૂટ પર અને શહેરના મુખ્‍ય ચોક તથા બ્રિજ પર તેમના સ્‍વાગત માટે અસંખ્‍ય બેનરો અને હોર્ડિંગ્‍સ લગાડવામાં આવ્‍યા છે, જેના કારણે સમગ્ર રાજકોટ શહેર ભગવા રંગે રંગાઈ ગયું છે.

સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને વેદિક મંત્રોચ્‍ચારથી અભિવાદન

રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલા ભવ્‍ય સ્‍વાગત અને અભિવાદન કાર્યક્રમમાં પ્રદેશ અધ્‍યક્ષનું ચોપડા દ્વારા સ્‍વાગત કરવામાં આવશે, જે ચોપડા જરૂરીયાતમંદોને વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત દેશભક્‍તિ ગીતો અને હાસ્‍ય રસ સહિતના સાંસ્‍કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા અને વિરેન્‍દ્રસિંહ ઝાલાએ શહેરીજનોને આ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં પધારવા લાગણીભર્યો અનુરોધ કર્યો છે.

વિશેષરૂપે, રાજકોટના કર્મકાંડી બ્રાહ્મણો પરંપરાગત વેશમાં મેયર બંગલેથી રેલી સ્‍વરૂપે રેસકોર્ષ જશે અને કાર્યક્રમમાં વૈદિક મંત્રોચ્‍ચાર દ્વારા પ્રદેશ અધ્‍યક્ષને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે આશીર્વાદ પાઠવશે. સ્‍વાગત માટે આવેલા ૧૦૦થી વધુ સાધુ-સંતો માટે અલગ સ્‍ટેજની વ્‍યવસ્‍થા કરાઈ છે.

કેન્‍દ્રીય નેતાઓ સહિત બહોળી સંખ્‍યામાં અગ્રણીઓની ઉપસ્‍થિતિ

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના સ્‍વાગત સમારોહમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. મુખ્‍ય ઉપસ્‍થિતોમાં શ્રી રત્‍નાકરજી (પ્રદેશ સંગઠન મહામંત્રી), કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ રાજ્‍યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી. ફળદુ, સાંસદો શ્રી પરસોતમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેશરીદેવસિંહ ઝાલા, શ્રી પૂનમબેન માડમ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રીઓ શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રી રાઘવજીભાઈ પટેલ અને રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્‍યો અને પૂર્વ પદાધિકારીઓ પણ હાજર જગ્‍યા છે

સમગ્ર વ્‍યવસ્‍થામાં સમગ્ર કાર્યાલય સ્‍ટાફની સાથે કોષાધ્‍યક્ષ મયુરભાઈ શાહ, શહેર ઉપપ્રમુખ તથા કાર્યાલય મંત્રી હિતેશભાઈ ઢોલરીયા, સહકાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવે, નરહરી પંડીત, ચેતન રાવલ, ભાવિન ધોળકિયા, શક્‍તિ, અજય, પ્રિન્‍ટ મીડિયાના મનુભાઈ મનોજભાઈ સંભાળી રહ્યા છે.

સમગ્ર કાર્યક્રમનું સંકલન ડો. ભરતભાઈ બોઘરા કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ‘બીજેપીગુજરાતડોટકોમ' અને ‘બીજેપીફોરગુજરાત' પર જોઈ શકાશે.

(3:30 PM IST)