News of Wednesday, 15th October 2025
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત સુકાની જગદીશભાઈ વિશ્વકર્મા
રાજકોટમાં: ભવ્ય સ્વાગતઃ કાર્યકર્તાઓમાં અનેરો થનગનાટ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રથમ વખત રાજકોટના આંગણે આજે સાંજે પધારી રહ્યા છે, ત્યારે તેમને ઉષ્માસભર આવકારવા માટે રાજકોટભરમાં થનગનાટ વ્યાપી ગયો છે.
ધારાસભ્ય શ્રી ઉદય કાનગડના નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓએ સ્વાગત માટેની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદય કાનગડે જગદીશભાઈ વિશ્વકર્માનું ઉષ્માસભર સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સંગઠન અને સરકાર એમ બંને ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટી માટે એક પરિપક્વ અને લ્લષ્ટાવાન નેતા તરીકે ઉભરી આવ્યા છે.
જગદીશભાઈ વિશ્વકર્માનો પરિચયઃ
સફરઃ તેમણે પાર્ટીમાં બુથપ્રમુખથી લઈને પ્રદેશ ભાજપના પ્રમુખ સુધીની સફર દરમિયાન સંગઠન અને સત્તાકીય ક્ષેત્રે અનેકવિધ જવાબદારીઓનું સુપેરે વહન કર્યું છે.
ધારાસભ્યઃ તેઓ સને ૨૦૧૨માં નિકોલ બેઠક પરથી પ્રથમ વખત, ત્યારબાદ ૨૦૧૭ અને સતત ત્રીજી વખત ૨૦૨૨માં ચૂંટાયેલા છે.
સંગઠનમાં યોગદાનઃ તેઓ લાંબા સમય સુધી સંગઠનમાં કાર્યરત રહ્યા છે અને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે.
મંત્રી તરીકેની ભૂમિકાઃ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમણે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, માર્ગ અને મકાન, મીઠા ઉદ્યોગ, મુદ્રણ અને સ્ટેશનરી અને પ્રોટોકોલ વિભાગોનો હવાલો સંભાળ્યો હતો.
શ્રી કાનગડે વધુમાં જણાવ્યું કે, જગદીશભાઈ વિશ્વકર્માના રાજકોટ પ્રવાસથી સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓને નવી ઊર્જા અને પ્રેરણા મળશે. તેમનો આ પ્રવાસ સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
ભવ્ય સ્વાગતની
જબરજસ્ત તૈયારીઓ
જગદીશભાઈ વિશ્વકર્માને રાજકોટની ધરતી પર ભવ્યાતિભવ્ય આવકારવા માટેઃ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
રેસકોર્ષ ખાતે જંગી જાહેર સભાની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
રાજકોટના આંગણે પ્રદેશ ભાજપના નવનિયુક્ત સુકાનીનું સ્વાગત કરવા કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (૩૭.૮)
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
