<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ચેક રિટર્ન કેસમાં બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગર સેશન્સ કોર્ટનો મોટો ઝટકો : ૨ વર્ષની સજા સામેની અપીલ ફગાવી

'દામિની' અને 'ઘાયલ' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર નિર્માતાની મુશ્કેલી વધી : ₹૧ કરોડના ચેક રિટર્ન કેસમાં અગાઉ કોર્ટે ₹૨ કરોડ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો : 'તારીખ પે તારીખ' સંવાદ ફેમ સંતોષી હવે હાઈકોર્ટમાં અરજી કરી શકે

જામનગર, ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫: બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને 'દામિની', 'ઘાતક' તથા 'ઘાયલ' જેવી સુપરહિટ ફિલ્મોના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગર સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. જામનગર કોર્ટ દ્વારા અગાઉ સંભળાવવામાં આવેલી બે વર્ષની સજાને રદ કરવા માટે સંતોષી દ્વારા કરવામાં આવેલી અપીલને સેશન્સ કોર્ટે આજે ફગાવી દીધી છે, જેના પગલે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
ચેક રિટર્નનો કેસ અને સજા:
રાજકુમાર સંતોષી સામે જામનગરના એક ઉદ્યોગપતિને રૂ. ૧ કરોડ ઉપરાંતના ચેક રિટર્ન કેસમાં જુદી જુદી ફરિયાદો નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદોની સુનાવણી બાદ જામનગર કોર્ટે ફિલ્મ નિર્માતાને દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારવા ઉપરાંત ફરિયાદીને રૂ. ૨ કરોડ ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો.
આ સજા સામે રાજકુમાર સંતોષીએ ઉપલી કોર્ટ, એટલે કે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જોકે, સેશન્સ કોર્ટે તેમની અપીલને ફગાવી દેતાં તેમને કોઈ રાહત મળી નથી. અગાઉ પણ, આ કેસ મામલે જામનગર કોર્ટના અનેક આંટાફેરા ખાઈ ચૂકેલા સંતોષીને કોર્ટે શરતી જામીન આપતી વખતે કેસની ૨૦ ટકા રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
'તારીખ પે તારીખ'ની વ્યંગાત્મક સ્થિતિ:
રસપ્રદ વાત એ છે કે, ૧૯૯૩માં સની દેઓલ સાથેની સંતોષીની ફિલ્મ 'દામિની' નો પ્રખ્યાત સંવાદ "તારીખ પે તારીખ" આજે પણ ન્યાયતંત્રમાં થતા વિલંબ પ્રત્યેની હતાશા દર્શાવે છે. જોકે, ૩૩ વર્ષ પછી રાજકુમાર સંતોષી પોતે જ કોર્ટરૂમના ચક્કરમાં ફસાયા છે અને લાંબા સમયથી જામનગર કોર્ટની 'તારીખ પે તારીખ' ભરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ, સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળતા હવે રાજકુમાર સંતોષી આ ચુકાદાને ગુજરાત વડી અદાલત (હાઈકોર્ટ) માં પડકારી શકે છે.

(5:20 PM IST)