<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ઇતિહાસ રચાયો : ગુજરાતના સહકાર વિભાગને વિશ્વના સૌથી મોટા 'આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન' માટે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' એનાયત

સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા : સ્વિટ્ઝરલેન્ડનો ૬,૬૬૬ પોસ્ટકાર્ડનો જૂનો રેકોર્ડ તૂટ્યો : GST સુધારા, મેક ઇન ઇન્ડિયા અને જનધન યોજના જેવા વિષયો આવરી લેવાયા

ગાંધીનગર/અમદાવાદ: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે એક અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રાજ્યના સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજારથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે, જેના માટે તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. આ રેકોર્ડને "વિશ્વનું સૌથી મોટું આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન" તરીકે માન્યતા મળી છે.
સહકાર વિભાગના સચિવ સંદીપકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં આ સૌપ્રથમવાર બન્યું છે કે કોઈ દેશના વડાપ્રધાનને આટલી મોટી સંખ્યામાં આભાર વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ પાઠવવામાં આવ્યા હોય, જે સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.
અભિયાનની વિગતો અને વિષયો:
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૦ની ઉજવણીના ભાગરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સહકારી ક્ષેત્રના નાગરિકોએ વડાપ્રધાન દ્વારા ભારતવર્ષમાં થયેલા તમામ નાગરિકલક્ષી કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો.
 * મુખ્ય વિષયો: GST સુધારા, મેક ઇન ઇન્ડિયા અભિયાન, હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી, વિકાસ સપ્તાહ, જનધન યોજના, તમામ નાગરિકોનું નાણાકીય સમાવેશીકરણ અને બુલેટ ટ્રેનની શરૂઆત જેવા વિવિધ વિષયો પર આભાર લેખન દર્શાવવામાં આવ્યું હતું.
અંદાજ કરતા અનેક ગણી સિદ્ધિ:
સચિવ સંદીપકુમારે જણાવ્યું હતું કે, જ્યારે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે ૭૫ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે એવો અંદાજ હતો, પરંતુ રાજ્યના નાગરિકોએ સહકારની શક્તિ દ્વારા આ આંકડાને ક્યાંય પાછળ મૂકીને ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે.
જૂનો રેકોર્ડ તૂટ્યો:
સચિવના જણાવ્યા મુજબ, ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ડેટા અનુસાર પોસ્ટકાર્ડ લેખનનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ અત્યાર સુધી ૬,૬૬૬ પોસ્ટકાર્ડ સાથે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન (SDC) – સેક્શન વોટર (સ્વિટ્ઝરલેન્ડ) પાસે હતો, જે હવે ગુજરાતના નામે નોંધાયો છે.
રેકોર્ડ સ્થાપનાની પ્રક્રિયા:
રેકોર્ડની સ્થાપના માટે સહકાર વિભાગ દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, લંડન સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૩૫૦ × ૮૦ ફૂટના વિસ્તારમાં ૭૫,૦૦,૦૦૦ (૭૫ લાખ) નો આંકડો બનાવીને તેમાં પોસ્ટકાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ માટે સહકાર વિભાગના ૫૦થી વધુ અધિકારીઓ અને ૧૦૦થી વધુ કર્મચારીઓએ સતત ૩-૪ દિવસ સુધી ભારે જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ-૨૦૨૧માં સૌપ્રથમવાર સહકાર મંત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં 'સહકારથી સમૃદ્ધિ' અંતર્ગત ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ ક્ષેત્રના નાગરિકો માટે વિશેષ કાર્ય થયું છે.

(6:05 PM IST)