News of Wednesday, 15th October 2025
ભૂપેન્દ્રભાઈ પટેલનું નવું મંત્રીમંડળ શુક્રવારે બપોરે ૧૨:૩૯ના વિજય મુહૂર્તમાં શપથ લેશે: મોટી સર્જરીના એંધાણ : ધારાસભ્યોને ગાંધીનગર રહેવા તાકિદ : ન્યુઝફર્સ્ટ
ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની તારીખ અને સમય લગભગ નિશ્ચિત થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ગાંધીનગર:ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની તારીખ અને સમય લગભગ નિશ્ચિત થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. નવા અહેવાલો અનુસાર
ન્યૂઝ ફર્સ્ટના અહેવાલ મુજબમંત્રીમંડળનો શપથવિધિ સમારોહ આગામી શુક્રવાર, ૧૭ ઓક્ટોબરના રોજ બપોરે ૧૨.૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં યોજાય તેવી સંભાવના છે. જોકે, આ અંગે રાજ્ય સરકાર કે ભારતીય જનતા પાર્ટી તરફથી સત્તાવાર જાહેરાત હજી બાકી છે.
શપથવિધિમાં દિગ્ગજોની હાજરીની શક્યતા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં થનારા આ મોટા રાજકીય ફેરફારના સાક્ષી બનવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિતના પક્ષના શીર્ષ નેતાઓ ઉપસ્થિત રહે તેવી પૂરી શક્યતા છે.
મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ તેના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી ગાંધીનગર ખાતે જ હાજર રહેવા તાકિદ કર્યાનું જાણવા મળે છે.
નવા મંત્રીમંડળમાં મોટા ફેરફારોની સંભાવના
અખબારી અહેવાલો અને રાજકીય વર્તુળોના વિશ્લેષણ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાલના મંત્રીમંડળમાં મોટી 'સર્જરી' થવાની શક્યતા છે.
* હાલના ૧૬ મંત્રીઓમાંથી ૯ થી ૧૦ જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેવી સંભાવના છે.
* નવા મંત્રીમંડળમાં ૧૪ થી ૧૫ નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે, જેના કારણે મંત્રીઓની કુલ સંખ્યા ૨૧ સુધી પહોંચી શકે છે. (કાયદા મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત ૨૭ મંત્રી રહી શકે છે).
જોકે ધારણા અને અખબારી અહેવાલો કરતા નરેન્દ્રભાઈ હંમેશા કંઈક અલગ જ આપતા રહ્યા છે..
* આ ફેરબદલમાં યુવા ચહેરાઓ, પ્રાદેશિક અને જ્ઞાતિગત સંતુલનને ધ્યાનમાં રાખીને જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર અને હાર્દિક પટેલ જેવા નામોને મંત્રીપદ મળી શકે છે.
* કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડિયા જેવા નેતાઓને પણ સ્થાન મળે તેવી શક્યતા છે.
મંત્રીમંડળમાં આ ફેરબદલને આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે અને સંગઠનમાં નવા ઉત્સાહનો સંચાર કરવાના હેતુથી 'સ્ટ્રેટેજિક' માનવામાં આવી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં હવે સત્તાવાર જાહેરાત અને શપથવિધિ તરફ સૌની નજર મંડાયેલી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
