News of Thursday, 16th October 2025
બાંધકામ ક્ષેત્રમાં ઓટોમેશન વધતા મહિલા શ્રમિકોની સંખ્યામાં ૮૦% ઘટાડો
મહિલા કામદારોએ મોટી સંખ્યામાં રોજગારી ગૂમાવી

નવી દિલ્હી તા.૧૬: કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપતા બાંધકામ ક્ષેત્રમાં મહિલાઓ મોટી સંખ્યામાં કામ કરતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અત્યાધુનિક પદ્ધતિને કારણે ઓટોમેશન વધતા તેમની રોજગારી છીનવાઈ રહી છે. અમદાવાદના બાંધકામ ક્ષેત્રમાં એક અભ્યાસ પ્રમાણે મહિલા કામદારોની સંખ્યામાં ૮૦ ટકા જેટલો તોતીંગ ઘટાડો થવા પામ્યો છે.
આજીવિકા બ્યૂરો તેમજ વર્ક ફેર એન્ડ ફ્રી સંસ્થા દ્વારા ભવિષ્યનું બાંધકામ-વુમન વર્કર્સ એટ ધ માર્જિન્સ ઓફ કન્સ્ટ્રક્શન ઓટોમેશન, ધ કેસ ઓફ અમદાવાદ અંગે સંશોધન અહેવાલ રજૂ કરાયો છે. ડો. ગીતા ઠાત્રા અને સલોની મુન્દ્રા દ્વારા કેટલાક બાંધકામ પ્રોજેક્ટ, શ્રમિકો, કોન્ટ્રાક્ટરો વિગેરેને મળીને તૈયાર કરાયેલા આ અહેવાલના તારણ મુજબ, બાંધકામ ક્ષેત્રમાં ઓટોમેટિક મશીનના કામકાજના વધતા વ્યાપના કારણે મહિલા શ્રમિકોની સંખ્યા અને મજૂરી બન્નેમાં ભારે ઘટાડો થયો છે. પરંપરાગત રીતે જે કામ મહિલાઓ આ ક્ષેત્રમાં કરતી હતી તેમાં નવી ટેકનીકલ પદ્ધતિના કામમાંથી મહિલાઓ દૂર થઈ રહી છે. મહિલા કામદારોએ અભ્યાસમાં આપેલા અભિપ્રાય મુજબ, મોટી સાઇટ ઉપર મશીન સંબંધી કામકાજ શીખવાની તક તેમને આપવામાં આવી રહી નથી. તેમને ફક્ત હેલ્પર તરીકે જ જોવાઈ રહ્યા છે. મજૂરી પણ પુરુષ કરતા ઓછી મળે છે. આ બાબતો જાતિભેદ સૂચવે છે. ઓટોમેશનને કારણે સામગ્રી ઉપાડવા અને કોંક્રિટ મિશ્રણના કામોમાં મહિલાઓની ભાગીદારી ૮૦ ટકા જેટલી ઘટી જવા પામી છે. તેથી આદિવાસી અને સ્થાનિક મહિલા મજૂરોની રોજગારી ઘટી ગઇ છે.
નવા ફેરફારોના કારણે સામાજિક અસમાનતા વધી રહી છે. બાંધકામ સાઈટ ઉપરના શ્રમિકોમાં પણ ૪૦થી ૫૦ ટકા જેટલો ઘટાડો થયો છે. સંસ્થાઓ દ્વારા એવી ભલામણો કરાઇ છે કે, રાજ્ય સરકારે અસરકારક નિયમન કરીને મહિલાઓના કૌશલ્યની તકો વધારવી જોઈએ. બાંધકામ કંપનીઓએ પણ તેમને તાલીમ આપવી જોઈએ. મહિલા કામદારીનું કામની જગ્યાએ સુરક્ષા, સમાનતા અને સન્માન સુનિશ્ચિત કરવું જોઈએ. બાંધકામ સાઈટ ઉપર બાથરૂમ, ઘોડિયાઘરની સુવિધા, પ્રસૂતિ પછી આરોગ્ય માટે આર્થિક સહાય અને નવજાત શિશુની સંભાળ માટે પણ યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
