News of Thursday, 16th October 2025
કાલે મંત્રીમંડળમાં ફેરફાર : બે નાયબ મુ.મંત્રીની વિચારણા
કાલે સવારે ૧૧.૩૦ કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ સમારોહ : રાજયપાલ નવા સભ્યોને હોદ્દો - ગુપ્તતાના શપથ લેવડાવશે ગૃહમંત્રી શાહ - જે.પ.નડ્ડા હાજર રહેશે : દલિત અને આદિવાસી નેતાને ડે.સીએમ બનાવવા પણ વિચાર : કોણ ઇન - કોણ આઉટ થશે ? જબરી ગુપ્તતા : આજે સાંજે બધા પ્રધાનો રાજીનામા આપશે : બંધારણ મૂજબ કદ ૨૭ સભ્યોનું રહી શકે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૧૬: મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ શુક્રવાર, તા.૧૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧.૩૦ કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવડાવશે. નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.
મંત્રીમંડળનું વિસ્તરણ- ફેરફાર શુક્રવારે થશે નવથી વધુ મંત્રી મંત્રીમંડળમાંથી પડતા મૂકાવાની શકયતાઓ છે. આથી, તેમના રાજીનામા લેવાશે. બાદમાં ૧૨થી વધુ ધારાસભ્યોને મંત્રી તરીકે ફરજ અને જવાબદારીનો બંધારણિય અધિકાર નિહિત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ લેવડાવાશે. રાજ્યપાલ હાલમાં હરિયાણામાં છે. આજે બપોર પછી તેઓ ગાંધીનગર આવશે.
ગુજરાત ભાજપના મોવડીઓએ દિલ્હીમાં PM હાઉસમાં સળંગ પાંચ કલાક મેરેથોન મિટિંગ કર્યાના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ-ફેરફારનુ ચિત્ર સ્પષ્ટ થઈ ચુકયુ છે. બુધવારે સાંજે વિધાનસભામાં શાસકપક્ષના મુખ્ય દંડક, ઉપદંડકોએ ભાજપના તમામ ધારાસભ્યોને ૧૬મી ઓક્ટોબરે ગુરૂવાર અને ૧૭મી ઓક્ટોબરને શુક્રવાર એમ બે દિવસ ગાંધીનગરમાં રહેવા ફોન કરી સુચના આપી છે. ભાજપના ધારાસભ્યોના ગાંધીનગરમાં આગમન વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગુરૂવારે બપોર પછી મુંબઈથી પરત આવશે. બાદમાં તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળી શકે છે. બાદમાં પોતાના મંત્રી મંડળમાંથી બરખાસ્ત થતા મંત્રીઓના રાજીનામા તેમજ પદનામિત મંત્રીઓના નામોની સૂચિ સોંપશે. સોમવારે દિલ્હીમાં PM હાઉસમાં મેરેથોન બેઠક બાદ કોને પડતા મુકાશે ? કોને પદ મળશે ? તેને લઈને ભાજપમાં સૌ કોઈનો રક્તચાપ વધી રહ્યો છે. તેવામાં સળંગ ત્રીજા દિવસે પણ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓ જોવા મળ્યા ન હતા.
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ૮ કેબિનેટ અને ૮ રાજ્યકક્ષાના મળી ૧૬ મંત્રીઓ છે. બંધારણ મુજબ મંત્રીપરિષદનું કદ મુખ્યમંત્રી સમેત ૨૭નુ રહી શકે છે. વિસ્તર પછી ૨૧થી વધુ મંત્રીઓ અને વિધાનસભાના ૬ પદો ઉમેરતા ભાજપના ૧૬૨માંથી પ્રત્યેક છઠ્ઠા કે સાતમા ધારાસભ્યને મંત્રી કે તેને સમકક્ષપદ મળશે.
ભાજપે તેના તમામ ૧૬૩ ધારાસભ્યોને ગુરુવાર બપોર સુધીમાં ગાંધીનગર પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી પરત ફર્યા બાદ, તે દિવસે રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલની હાજરીમાં ધારાસભ્યોની બેઠક યોજાશે. મુખ્યમંત્રી ગુરુવારે મુંબઈમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડ્સની NSE પર યાદી બનાવવા માટે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
બુધવારે, ભાજપના ધારાસભ્યોને મુખ્ય દંડકની કચેરી તરફથી ફોન આવ્યા હતા જેમાં તેમને આગામી બે દિવસ ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી.
પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્તમાન મંત્રીમંડળમાંના તમામ મંત્રીઓને રાજીનામું આપવાનું કહેવામાં આવશે. જેમને જાળવી રાખવામાં આવશે તેઓ નવા મંત્રીઓ સાથે ફરીથી શપથ લેશે. પાંચ કે છ સિવાય, મોટાભાગના મંત્રીઓને બદલવાની શકયતા છે, જેમાં સૌરાષ્ટ્ર અને આદિવાસી પ્રદેશોના નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી અપેક્ષા છે.
વર્તમાન મંત્રીમંડળમાં ફક્ત એક મહિલા મંત્રી છે, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે નવા મંત્રીમંડળમાં બે કે ત્રણ મહિલા સભ્યો હોઈ શકે છે.
૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પછી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પહેલું મંત્રીમંડળ વિસ્તરણ હશે.
નવા મંત્રીમંડળમાં તેમના સંભવિત સમાવેશને લઈને ભાજપના ધારાસભ્યોમાં ચિંતાની સ્પષ્ટ લાગણી છે. હાલના મંત્રીઓ પણ તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે. ઘણા લોકોએ દિવાળી શુભેચ્છા કાર્ડ છાપી લીધા છે, જે મોકલવામાં આવી રહ્યા છે - જોકે જ્યારે તેઓ તેમના પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચે છે, ત્યારે મોકલનારાઓ હવે પદ સંભાળી શકશે નહીં. દરમિયાન, મંત્રીમંડળમાં સ્થાન મેળવવાની આશા રાખતા ઘણા ધારાસભ્યો નવા કપડાં ખરીદવામાં વ્યસ્ત છે, મંત્રાલયમાં તેમના સમાવેશની પુષ્ટિ કરતા તે મહત્વપૂર્ણ ફોન કોલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભાજપ નાયબ મુખ્યમંત્રી ફોર્મ્યુલા પર વિચાર કરી રહ્યું છે.
સૂત્રોએ સંકેત આપ્યો છે કે ભગવા પક્ષ દલિતો અને આદિવાસીઓ જેવા સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોને પ્રતિનિધિત્વ આપવા માટે બે નાયબ મુખ્યમંત્રી રાખવાના ફોર્મ્યુલા પર પણ વિચાર કરી રહ્યો છે.
મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ ૨ ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ ૨૦થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-૨ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.
૧૭ મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી ૧૦ થી ૧૧ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે
મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની કેન્દ્રીય નેતળત્વ સાથેની મેરેથોન બેઠક બાદ આ અંગેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. હાલની ૧૭ મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી ૧૦ થી ૧૧ મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને ૧૪ થી ૧૬ નવા ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવાય તેવી પ્રબળ શકયતા છે.
હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન!
હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન મળે તેમજ જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયેશ રાદડીયા જેવા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી અટકળો છે. જોકે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી મંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
કોણ ઇન ?
શંકર ચૌધરી
અર્જુન મોઢવાડિયા
જયેશ રાદડીયા
સંગીતા પાટિલ
બાલુ શુકલા
મનિષા વકિલ
કૌશિક વેકરિયા
ગણપત વસાવા
જીતુ વાઘાણી
સી.જે.ચાવડા
અલ્પેશ ઠાકોર
હીરા સોલંકી
રીવાબા જાડેજા
કોણ આઉટ ?
કનુભાઇ દેસાઇ
ભાનુબેન બાબરીયા
રાઘવજી પટેલ
મુળુભાઇ બેરા
કુબેર ડિંડોર
પરશોતમ સોલંકી
બચુભાઇ ખાબડ
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ
(૨૩.૫)
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
