<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

થાઈલેન્‍ડ અને ઈન્‍ડોનેશિયામાંથી આવતી ચાંદી પર રોક લગાડાતા તહેવારમાં અછત થઇ

બંને દેશોમાંથી ૩૫ ટકાથી વધુ ચાંદી આવવાનું અચાનક બંધ થવાના લીધે વેપારી સલવાયા ચાંદીના દાગીના સૌથી વધુ થાઇલેન્‍ડથી આવવાના કારણે સરકાર દ્વારા કરાયેલો નિર્ણય

નવી દિલ્‍હી તા.૧૬: પુષ્‍ય નક્ષત્રમાં મોટાભાગના લોકોને ચાંદીનો એક સિક્કો મળ્‍યો નહીં હોવાના કારણે બજારમાં ચાંદીની અછત હોવાનો ગણગણાટ શરૂ થયો છે. માટેનું કારણ એવું છે કે પહેલા થાઈલેન્‍ડ અને ઈન્‍ડોનેશિયાથી મોટા પ્રમાણમાં ચાંદી દેશમાં આવતી હતી. તેમાં પણ ખાસ કરીને ચાંદીના દાગીના સૌથી વધુ થાઇલેન્‍ડમાંથી આવતા હતા. પરંતુ તેના લીધે ભારતીય બજારને સીધું નુકસાન થવાની સાથે લોકોની રોજગારી પણ છીનવાઈ જવાની આશંકા સેવવામાં આવી રહી હતી. આ કારણોસર ભારત સરકાર દ્વારા ૩ સપ્‍ટેમ્‍બરના રોજ થાઇલેન્‍ડ અને ઈન્‍ડોનેશિયાથી આવતી ચાંદી પર રોક લગાડી દીધી હતી. તેની સીધી અસર ભારતના ચાંદી બજાર પર જોવા મળી રહી છે. આ જ કારણોસર પુષ્‍પ નક્ષત્રના દિવસે લોકોને ચાંદીનો સિક્કો મેળવવા માટે પણ આમ તેમ ભટકવું પડયું હતું.

થાઈલેન્‍ડ અને ઈન્‍ડોનેશિયામાંથી દેશની જરૂરિયાતના ૩૫ ટકાથી વધુ ચાંદી અને ચાંદીના દાગીના દેશમાં આવતા હોય છે. ચાંદીના દાગીના વિદેશથી આવતા હોવાના કારણે સ્‍થાનિક કારીગરોની રોજગારી પર સીધી અસર પડી રહી હોવાની ફરિયાદ ઉઠી હતી. તેના આધારે કેન્‍દ્ર સરકાર દ્વારા ૩ સપ્‍ટેમ્‍બરના રોજ જાહેરનામું બહાર પાડીને ચાંદી અને ચાંદીના દાગીના થાઈલેન્‍ડ અને ઈન્‍ડોનેશિયાથી લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ મૂકવાની અસર એક મહિના પછી ભારતીય બજાર પર જોવા મળી રહી છે. આજ કારણોસર ચાંદીના દાગીના સહિત ચાંદી મળવામાં પણ હાલ સમસ્‍યા ઊભી થઈ રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.

મહિના પછી ચાંદીની ડિલિવરી આપવા કરાતો વાયદો

પુષ્‍ય નક્ષત્રમાં જે લોકોએ પણ ચાંદીની ખરીદી કરી છે તેઓ પાસેથી મોટાભાગના જવેલર્સ દ્વારા રોકડા અથવા તો ચેકથી નાણા લઈ લેવામાં આવ્‍યા છે. પરંતુ ચાંદીની ડિલિવરી એક મહિના પછી આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે. તેમ છતાં અનેક લોકો દ્વારા ચાંદીની મોટાપાયે ખરીદી કરવામાં આવી છે. તે માટેનું કારણ એવું છે કે રોકાણકર્તાઓને પણ હાલમાં સોના કરતા યાદી પર ભરોસો વધુ હોવાના લીધે ચાંદીની ખરીદી મોટી માત્રામાં કરવામાં આવી રહી છે. બીજી તરફ સોના કરતાં ચાંદીના ભાવ પણ સડસડાટ વધી રહ્યા હોવાના લીધે પણ રોકાણકારો ચાંદી લેવામાં વધુ રસ દાખવી રહ્યા હોવાને લીધે ચાંદીની અછત જોવા મળી રહી છે.

ચાંદીની અછત હજુ બે મહિના જોવા મળે તેવી શક્‍યતા

બે દેશમાંથી ચાંદી સારી એવી માત્રામાં દેશમાં આવતી હતી. તેના કારણે ચાંદીની અછત જોવા મળતી નહોતી, કારણ કે દેશની ૩૫ ટકાથી વધુ જરૂરિયાતની ચાંદી આ બંને દેશોમાંથી આવવાના લીધે તકલીફ ઊભી થતી નહોતી. પરંતુ અચાનક જ તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવતા તેની સીધી અસર બજાર પર જોવા મળી રહી છે. સાથે સાથે ચાંદીમાં રોકાણકારોને પણ વધુ રસ હોવાના કારણે તેની ખરીદી વધુ માત્રામાં કરી રહ્યા છે. આવા તમામ પાસાઓને કારણે ચાંદીની અછત હજુ વધુ જોવા મળે તો નવાઇ નહીં. (જવેલર્સ)

(10:30 AM IST)