News of Thursday, 16th October 2025
CJI પર જૂતું ફેંકનાર વકીલ વિરુધ્ધ માનહાનિનો કેસ દાખલ થશેઃ સરકારે કાર્યવાહી માટે લીલી ઝંડી આપી
ન્યાયાધીશ સૂર્યકાન્તે ટિપ્પણી કરી, અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાને સમર્થન આપીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે તેને કેવી રીતે નિયંત્રિત કરવી

નવી દિલ્હી, તા.૧૬: સુપ્રીમ કોર્ટમાં CJI બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોર સામે અવમાનની કાર્યવાહી શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. એટર્ની જનરલ આર. વેંકટરામણીએ કોર્ટના અવમાન અધિનિયમ, ૧૯૭૧ ની કલમ ૧૫ હેઠળ સંમતિ આપી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે આ મામલો ન્યાયતંત્રની સંસ્થાકીય અખંડિતતા સાથે સંકળાયેલો છે, જે જોખમમાં છે. ન્યાયાધીશ સૂર્યકાન્તે ટિપ્પણી કરી, અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાને સમર્થન આપીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે તેને કેવી રીતે નિયંત્રિત કરવી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણો ધર્મ કયારેય હિંસાને પ્રોત્સાહન આપતો નથી. સોશિયલ મીડિયા પર બધું જ માર્કેટેબલ બની ગયું છે. આ ઘટના ૬ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટના કોર્ટરૂમ નંબર ૧ માં બની હતી, જ્યારે ૭૧ વર્ષીય વકીલ રાકેશ કિશોરે સુનાવણી દરમિયાન CJI ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા કર્મચારીઓ તરત જ હરકતમાં આવ્યા અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. જૂતું ફેંકયા પછી, કિશોરે બૂમ પાડી, હિન્દુસ્તાન સનાતન ધર્મનું અપમાન સહન કરશે નહીં. આ ઘટના પછી તરત જ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એ તાત્કાલિક અસરથી કિશોરનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધું. CJI ગવઈએ શાંતિથી કહ્યું, આનાથી પરેશાન થશો નહીં. અમે પરેશાન નથી. આવી બાબતો મને અસર કરતી નથી. સુનાવણી કોઈ વિક્ષેપ વિના ચાલુ રહી.
આ ઘટનાના મૂળ ગયા મહિને થયેલી સુનાવણીમાં છે. ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ક્ષતિગ્રસ્ત મૂર્તિના પુનર્નિર્માણની માંગ કરતી અરજી પર સુનાવણી દરમિયાન, CJI ગવઈએ તેને પ્રચાર-સંચાલિત મુકદ્દમા ગણાવ્યો. તેમણે અરજદારને કહ્યું, આ સંપૂર્ણપણે પ્રચાર-સંચાલિત મુકદ્દમા છે... જાઓ અને ભગવાનને કંઈક કરવા માટે કહો. જો તમે ભગવાન વિષ્ણુના કટ્ટર ભક્ત છો, તો પ્રાર્થના કરો અને ધ્યાન કરો.
જિશોર આને પોતાના ધર્મનું અપમાન માનતો હતો. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, મેં બધા પરિણામો - જેલમાં જવું, દુઃખ સહન કરવું - વિચાર્યું પણ તે ભગવાનના નામે હતું. ભગવાને મને ઉશ્કેર્યો. કોર્ટના રજિસ્ટ્રાર જનરલે ફરિયાદ ન નોંધાવવાનો નિર્ણય લીધો હોવાથી પોલીસે ત્રણ કલાકની પૂછપરછ પછી તેને છોડી દીધો.
આ ઘટનાએ ન્યાયતંત્રની ગરિમા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. વકીલ, સુભાષ ચંદ્રન કેઆર, એટર્ની જનરલને સંમતિ માંગતો પત્ર લખીને જણાવ્યું હતું કે કિશોરના કાર્યો ન્યાયના વહીવટમાં દખલગીરી અને સુપ્રીમ કોર્ટની ગરિમાનું અપમાન સમાન છે. પત્રમાં નોંધવામાં આવ્યું છે કે કિશોરે મીડિયામાં સીજેઆઈ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી, જે પસ્તાવાને બદલે રક્ષણાત્મક વલણ દર્શાવે છે.
સુપ્રીમ કોર્ટ હવે કિશોર વિરુદ્ધ અવમાનનો કેસ ચલાવશે. નિષ્ણાતો માને છે કે આ કેસ ફક્ત વ્યક્તિગત અવમાન જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક લાગણીઓ ભડકાવવા અને ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાનું ઉદાહરણ પણ છે. ન્યાયાધીશ સૂર્યકાંતની ટિપ્પણીએ અભિવ્યક્તિની મર્યાદાઓ પર ચર્ચા જગાવી છે. (રર.૧૫)
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
