પીએમ મોદીએ ૧૨ જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ શ્રીશૈલમ મંદિરમાં કરી વિશેષ પૂજા: CM નાયડુ અને પવન કલ્યાણ સાથે ₹૧૩,૪૩૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે: શ્રી શિવાજી સ્ફુર્તિ કેન્દ્રમની લીધી મુલાકાત
પીએમ મોદી આ મંદિરની મુલાકાત લેનારા ચોથા વડાપ્રધાન છે. અગાઉ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને પી.વી. નરસિંહ રાવ પણ અહીં પ્રાર્થના કરી ચૂક્યા છે

શ્રીશૈલમ, આંધ્રપ્રદેશ, તા. ૧૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમ મંદિરમાં પહોંચીને રાષ્ટ્રની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ આ મુલાકાતમાં હાજર રહ્યા હતા.
જ્યોતિર્લિંગ અને શક્તિપીઠનું અનોખું સંગમ
પીએમ મોદીની આ મંદિરની પ્રથમ મુલાકાત છે. શ્રીશૈલમ મંદિર ૧૨ જ્યોતિર્લિંગો પૈકીનું એક અને ૫૨ શક્તિપીઠો પૈકીનું પણ એક હોવાને કારણે વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.
• પૂજા વિધિ: કડક સુરક્ષા વચ્ચે પીએમ મોદીનું મંદિરના પૂજારીઓ અને અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. તેમણે મંદિરની અંદર વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
• ઐતિહાસિક મુલાકાત: પીએમ મોદી આ મંદિરની મુલાકાત લેનારા ચોથા વડાપ્રધાન છે. અગાઉ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને પી.વી. નરસિંહ રાવ પણ અહીં પ્રાર્થના કરી ચૂક્યા છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું, "મેં મારા સાથી ભારતીયોની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. હું દરેકને સુખ અને સમૃદ્ધિની ઇચ્છા રાખું છું."
વિકાસના કાર્યો: ₹૧૩,૪૩૦ કરોડના પ્રોજેક્ટ્સ
મંદિરમાં દર્શન કર્યા બાદ, પીએમ મોદી શ્રી શિવાજી સ્ફુર્તિ કેન્દ્રમની મુલાકાત લીધી હતી. તેમની એક દિવસીય આંધ્રપ્રદેશ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન આશરે ₹૧૩,૪૩૦ કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ પ્રોજેક્ટ્સમાં ઉદ્યોગ, પાવર ટ્રાન્સમિશન, રસ્તા, રેલ્વે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ટીડીપીના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીની આ આંધ્રપ્રદેશની પાંચમી મુલાકાત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
