<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

તાલિબાન શાસને ભારતના ઈશારે પાકિસ્‍તાન પર હુમલો કર્યો

પાકિસ્‍તાની પીએમ શાહબાઝે અફઘાનિસ્‍તાન સાથેના લશ્‍કરી સંઘર્ષ માટે ભારતને દોષી ઠેરવ્‍યું શાહબાઝ શરીફે સીધું કહ્યું છે કે તાલિબાન શાસનમાં ભારતનો પ્રભાવ આ સંઘર્ષનું કારણ છે

ઈસ્‍લામાબાદ, તા.૧૭: પાકિસ્‍તાને અફઘાનિસ્‍તાન સાથે ચાલી રહેલા સંઘર્ષ માટે ભારતને દોષી ઠેરવ્‍યું છે. પાકિસ્‍તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો છે કે તાલિબાન શાસને ભારતના ઈશારે પાકિસ્‍તાન પર હુમલો કર્યો હતો. પાકિસ્‍તાની પીએમએ આ સંઘર્ષને અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની તાજેતરની ભારત મુલાકાત સાથે જોડ્‍યો હતો. શરીફે કહ્યું હતું કે પાકિસ્‍તાન પર હુમલો ત્‍યારે થયો હતો જ્‍યારે તાલિબાન વિદેશ મંત્રી ભારતમાં હતા. પરિણામે, અમને વ્‍યાપક પ્રતિક્રિયા આપવાની ફરજ પડી હતી. શરીફ પહેલા, પાકિસ્‍તાનના સંરક્ષણ મંત્રી ખ્‍વાજા આસિફે પણ કહ્યું હતું કે તેમના દેશ પર અફઘાન તાલિબાનના હુમલા પાછળ ભારતનો હાથ છે. શાહબાઝ શરીફે અફઘાનિસ્‍તાન સાથેના સંઘર્ષ પર કહ્યું, તાજેતરના મહિનાઓમાં પાકિસ્‍તાની અધિકારીઓએ ઘણી વખત કાબુલની મુલાકાત લીધી હતી. પાકિસ્‍તાને પરસ્‍પર સંમતિથી મુદ્દાઓ ઉકેલવા માટે સૌહાર્દપૂર્ણ વાતચીત પર ભાર મૂકયો હતો. જોકે, તમામ પ્રયાસો છતાં, શાંતિ તરફ દોરી ન હતી. તાલિબાન દળોએ ભારતની ઉશ્‍કેરણીથી પાકિસ્‍તાનમાં આ હુમલો કર્યો હતો. આ હુમલો થયો ત્‍યારે અફઘાન વિદેશ પ્રધાન અમીર મુત્તાકી નવી દિલ્‍હીમાં હતા. આ બતાવે છે કે આ કયાંથી પ્રેરિત થઈ રહ્યું હતું.

 શાહબાઝ શરીફે કહ્યું છે કે તેમની સરકાર અફઘાનિસ્‍તાનમાં તાલિબાન શાસન સાથે વાજબી શરતો પર વાટાઘાટો કરવા તૈયાર છે. પાકિસ્‍તાન-અફઘાનિસ્‍તાન સરહદી તણાવ અંગે ગુરુવારે મળેલી ફેડરલ કેબિનેટની બેઠકમાં, શરીફે કહ્યું કે બંને દેશો વચ્‍ચે ૪૮ કલાકનો કામચલાઉ યુદ્ધવિરામ છે. કાયમી યુદ્ધવિરામ માટે બોલ હવે તાલિબાન શાસનના કોર્ટમાં છે.

શાહબાઝ શરીફે કહ્યું કે અફઘાનિસ્‍તાને વારંવાર તેના પ્રદેશ પર હુમલો કર્યો છે, પરંતુ તેઓએ ધીરજ જાળવી રાખી છે. શરીફે કહ્યું કે તાજેતરની ઘટનાઓ પછી ધીરજ ખૂટી ગઈ હતી, જેના કારણે પાકિસ્‍તાનને મોટા પાયે બદલો લેવાની ફરજ પડી હતી. તાલિબાનને ઘેરવાનો પ્રયાસ કરતા શરીફે કહ્યું, ‘અમે શાંતિનો સંદેશ મોકલ્‍યો હતો પરંતુ બીજી બાજુ દ્વારા વારંવાર દગો આપવામાં આવ્‍યો.'

શહબાઝ શરીફે કહ્યું, પાકિસ્‍તાને અમારા વિદેશ મંત્રી ઇશાક ડાર, સંરક્ષણ મંત્રી ખ્‍વાજા આસિફ અને અન્‍ય વરિષ્ઠ અધિકારીઓને કાબુલ મોકલીને સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે. અમે સતત કહ્યું છે કે અમે શાંતિ ઇચ્‍છીએ છીએ, અને આજે પણ અમારું વલણ એ જ છે. આમ છતાં, જો હુમલાખોરો અફઘાન સરહદથી આવશે, તો અમે સખત જવાબ આપીશું.ૅ

છેલ્લા અઠવાડિયામાં પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાન વચ્‍ચેની સરહદ પર ભીષણ અથડામણો જોવા મળી છે. તાલિબાને આ અથડામણોમાં ૫૮ પાકિસ્‍તાની સૈનિકોના મોત અને અનેક લશ્‍કરી ચોકીઓ કબજે કરવાનો દાવો કર્યો છે. તાલિબાનના હુમલા બાદ, પાકિસ્‍તાન સરકાર સતત ભારતને નિશાન બનાવી રહી છે, અને દાવો કરી રહી છે કે તણાવ પાછળ દિલ્‍હીનો હાથ છે.(૨૩.૬)

(12:21 PM IST)