<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સોનામાં ૨૪૦૦ - ચાંદીમાં ૫૦૦૦ રૂા.નો ઉછાળો

બુલિયન માર્કેટમાં દિપાવલી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં રોકેટગતિએ ભાવવધારોઃ ચાંદીમાં અફડાતફડી બાદ ફરી ભાવ વધ્‍યો : સોનાના ભાવ ૧,૩૪,૪૦૦ની નવી ટોચેઃ ચાંદીમાં ૧૦,૦૦૦ ઘટયા બાદ ફરી ૫૦૦૦ રૂા.નો ઉછાળો થઇ ભાવ ૧,૭૭,૦૦૦ થયા : સોનાના ભાવ સવારે વધીને ૧,૩૫,૦૦૦ રૂા. થયા બાદ બપોરે ૬૦૦ રૂા. ઘટી ગયા

 

 

રાજકોટ તા.૧૭: બુલિયન માર્કેટમાં દિપાવલી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં રોકેટગતિએ ઉછાળો થયો હતો. સોનામાં વધુ ૩૦૦૦ રૂા. અને ચાંદીના ભાવમાં અફડાતફડી બાદ ૫૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.

બુલિયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનાના ભાવમાં વધુ ૨૪૦૦ રૂા. વધ્‍યા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામના ભાવ) ૧,૩૨,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૩૪,૪૦૦ની નવી ટોચની સપાટી બનાવી છે. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૨૪,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૩,૨૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૩,૪૪,૦૦૦ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. સવારે સોનુ (૧૦ ગ્રામ)ના ભાવ વધીને ૧,૩૫,૦૦૦ રૂા. થયા હતા. જો કે બપોરે ફરી ૬૦૦ રૂા.નો ઘટાડો થતા ભાવ ૧,૩૪,૪૦૦ રૂા. થઇ ગયા હતા.

ચાંદીમાં અફડાતફડી બાદ તેજીનો ચળકાટ યથાવત રહયો છે. બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનિક બજારમાં ચાંદીમાં ૫૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલોના ભાવ) ૧,૭૨,૦૦૦રૂા. હતા તે વધીને આજે ૧,૭૭,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ચાંદીમાં ૧૦,૦૦૦ રૂા.નો કડાકો બોલી ગયો હતો. ચાંદીના ભાવ ૧,૮૨,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,૭૨,૦૦૦ રૂા. થઇ ગયા હતા. જો કે, આજે ફરી ચાંદીમાં તેજીનો તરખાટ જોવા મળ્‍યો હતો. અને ૫૦૦૦ રૂા. ફરી વધી જતા ચાંદીના ભાવ ૧,૭૭,૦૦૦ થઇ ગયા છે.

આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં હજુ પણ તેજી જોવા મળશે. તે ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.(૨.૧૬)

(2:49 PM IST)