<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

રામાયણ પર દુનિયાનું પહેલું વેક્‍સ મ્‍યુઝિયમ કાલે અયોધ્‍યામાં ખુલ્‍લું મુકાશે

૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ત્રેતાયુગની જીવંત ઝાંખી કરાવતા મ્‍યુઝિયમમાં એકસાથે ૧૦૦ લોકોને એન્‍ટ્રી મળશે

અયોધ્‍યા તા.૧૮: ભવ્‍ય રામમંદિરના નિર્માણ પછી અયોધ્‍યામાં વધુ એક ઐતિહાસિક સ્‍થળ તૈયાર થયું છે. અહીં ત્રેતાયુગની ઝલક આપતું રામાયણનું દુનિયાનું સૌપ્રથમ વેક્‍સ મ્‍યુઝિયમ બનીને તૈયાર છે. અયોધ્‍યાના પરિક્રમા માર્ગ પર કાશીરામ કોલોનીની સામે બનેલું આ મ્‍યુઝિયમ આસ્‍થાનું નવું કેન્‍દ્ર તો બનશે અને પર્યટકો માટે વૈશ્વિક સ્‍તરનું આકર્ષણ પણ સાબિત થશે.

ઉત્તર પ્રદેશના મુખ્‍ય પ્રધાન યોગી આદિત્‍યનાથ આ વખતે દીપોત્‍સવ સમારોહની સાથે આ મ્‍યુઝિયમનું પણ લોકાર્પણ કરશે. ૮૯,૮૫૦ સ્‍ક્‍વેર ફુટમાં આ ઍર-કન્‍ડિશન્‍ડ મ્‍યુઝિયમ ૬ કરોડ રૂપિયાના ખર્ચે બન્‍યું છે. એમાં ભગવાન શ્રીરામ સાથે સીતા, લક્ષ્મણ, ભરત, હનુમાન, રાવણ, વિભીષણ સહિત રામાયણનાં મુખ્‍ય ૫૦ પાત્રોની જીવંત લાગે એવી લાઇફસાઇઝ વેક્‍સની મૂર્તિઓ પ્રદર્શિત થશે. એમાં રામાયણની કથાનાં મુખ્‍ય દ્રશ્‍યોનું નિરૂપણ થયું છે. આ મ્‍યુઝિયમનું નિર્માણ દક્ષિણ ભારતીય વાસ્‍તુશૈલીમાં કરવામાં આવ્‍યું છે. પહેલા માળ પર વનવાસ, લંકાદહન અને રામરાવણના યુદ્ધની ઝાંખી કરાવવામાં આવી છે જ્‍યારે ગ્રાઉન્‍ડ ફલોર પર પ્રભુ રામના બાળસ્‍વરૂપથી લઈને સીતાના સ્‍વયંવર સુધીના પ્રસંગો અંકિત થયા છે.

એકસાથે ૧૦૦ દર્શકોને જ અંદર લેવામાં આવશે અને અંદર પ્રવેશતાં જ ત્રેતાયુગની મહેક અને રામધૂનની મધુર ધ્‍વનિથી આખું વાતાવરણ ભરાઈ જશે. સ્‍પીકરમાં સતત રામ તારક મંત્ર અને ભક્‍તિગીતોની ધૂન વાગશે જે મનને શાંતિથી ભરી દેશે.

કેરલાની કંપની સુનીલ વેક્‍સ મ્‍યુઝિયમ દ્વારા એ તૈયાર કરવામાં આવ્‍યું છે. આ કંપનીના આર્ટિસ્‍ટ સુનીલ કંડલ્‍લુરે જ લોનાવલાનું સેલિબ્રિટી વેક્‍સ મ્‍યુઝિયમ બનાવ્‍યું છે. મીણશિલ્‍પકાર સુનીલનું કહેવું છે કે ત્રેતાયુગની ફીલ આપે એવું સાંસ્‍કૃતિક અને ભક્‍તિભાવ સાથે સંકળાયેલા માસ્‍ટરપીસ તૈયાર કરવાનું કામ અમે પહેલી વાર કર્યું છે.

વેક્‍સ મોડલમાં અલગ-અલગ લાઇટિગ કરવામાં આવી છે જેનાથી પાત્રો જીવંત લાગે છે. દર્શકો રામલલાની બાળમૂર્તિ સાથે ફોટો લઈ શકે એવો સેલ્‍ફી-પોઇન્‍ટ બનાવવામાં આવ્‍યો છે.

(9:47 AM IST)