<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

૧૭ દિવસના બાળકને માબાપે એક લાખ રૂપિયામાં વેચી દીધું

પહેલાંથી એક પુત્ર હોવાથી બીજા પુત્રની સંભાળ લઈ શકે એમ ન હોવાનો આરોપી દંપતીનો દાવો

કલ્‍યાણ, તા.૧૮: કલ્‍યાણના દંપતીને એક પુત્ર હતો અને એ પછી બીજા પુત્રનો જન્‍મ થયો હતો. ત્‍યાર પછી આ દંપતીએ લીધેલા પગલાએ સૌને ચોંકાવી નાખ્‍યા હતા. માત્ર ૧૭ દિવસના નવજાત શિશુને માબાપે એક લાખ રૂપિયામાં વેચી દીધું. આ બાબતે કલ્‍યાણ પોલીસે ચાર વ્‍યક્‍તિ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

કલ્‍યાણ તાલુકાના એક ગામના દંપતીએ ૧૪ ઑક્‍ટોબરે રાયગડ જિલ્લાના દંપતીને પોતાનો પુત્ર વેચી દીધો હોવાનું પોલીસ-અધિકારીએ જણાવ્‍યું હતું. નવજાત શિશુનાં માતાપિતાને પહેલેથી જ ચાર વર્ષનો પુત્ર હતો અને તેઓ બીજા બાળકની સંભાળ રાખી શકે એમ ન હોવાથી તેમણે આ પગલું ભર્યું હતું. અગાઉ ગર્ભપાતને કારણે મહિલાની તબિયત સારી ન રહેતી હોવાનો પણ આરોપી દંપતીએ દાવો કર્યો હતો.

રાયગડના દંપતીએ આ બાળક એક લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. ત્‍યાર બાદ આ ગેરકાયદે હ્યુમન ટ્રાફિકિંગનો બનાવ મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના ધ્‍યાનમાં આવ્‍યો હતો. હાલમાં આ  બાળકને બચાવી લેવાયું હતું અને દંપતીને શોધીને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

(10:20 AM IST)