<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

દિવાળીનો ધસારો! યમુના એક્સપ્રેસવે પર ટ્રાફિકનું 'મહાજામ': જેવર ટોલ પ્લાઝા પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો

આ માત્ર યમુના એક્સપ્રેસવેની જ નહીં, પરંતુ આજે સવારે દિલ્હી-લખનૌ હાઇવે પર પણ ટોલ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા

નવી દિલ્‍હીઃ તહેવારોની મોસમ શરૂ થતાં જ દિલ્હી-એનસીઆર છોડીને વતન તરફ જઈ રહેલા લોકોની ભારે ભીડને કારણે યમુના એક્સપ્રેસવે પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. રવિવારની વહેલી સવારથી જ જેવર ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો જોવા મળી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
શનિવારે પણ આવી જ સ્થિતિ હતી, પરંતુ રવિવારે તો જાણે ટ્રાફિકનું 'મહાજામ' લાગી ગયું! દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજની ઉજવણી કરવા માટે દિલ્હી, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને એનસીઆરના હજારો પરિવારો પોતાના વતન તરફ નીકળ્યા હતા, જેના કારણે વાહનોનો પ્રવાહ સતત વધતો ગયો.
ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે ટોલ મેનેજમેન્ટે વહેલી સવારથી જ ગ્રેટર નોઈડાથી આગ્રા તરફની તમામ લેન (ટુ-વ્હીલરની ૩ અને ફોર-વ્હીલરની ૧૧ લેન) ખુલ્લી મૂકી દીધી હતી. વધારાનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો, છતાં સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યા સુધી કતારો યથાવત રહી હતી. મુસાફરોને ટોલ પાર કરવા માટે ૫ થી ૧૦ મિનિટ સુધી રાહ જોવી પડી હતી.
આ માત્ર યમુના એક્સપ્રેસવેની જ નહીં, પરંતુ રવિવારે સવારે દિલ્હી-લખનૌ હાઇવે પર પણ ટોલ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તહેવારોના આ દિવસોમાં ઘરે જવાની ખુશી સાથે ધીમા પડેલા ટ્રાફિકનો સામનો કરવાની મુસાફરોની મજબૂરી જોવા મળી રહી હતી.

(11:31 AM IST)