News of Tuesday, 21st October 2025
મ્યાનમારમાં ભારત વિરોધી આતંકી શિબિરો પર મોટો ડ્રોન હુમલો
ભારત વિરોધી એનએસસીએન (કેવાયએ)ને ભારે નુકસાનઃ સંખ્યાબંધ ટોચના આતંકીઓનો ખાત્મો બોલાવાયાના અહેવાલો

નવી દિલ્હી/ગુવાહાટી, તા.૨૧: સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મ્યાનમારની ધરતી પર સક્રિય ભારત વિરોધી ઉગ્રવાદી સંગઠન એનએસસીએન (કેવાયએ) ના ઠેકાણાઓ પર ભીષણ ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ હુમલામાં આતંકી જૂથને મોટું નુકસાન થયું હોવાના અને તેના ઘણા ટોચના નેતાઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
વિગતવાર જોઈએ તોપૂર્વોત્તર ભારતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા આતંકવાદી જૂથો વિરુદ્ધ એક મોટી કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે. વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ અને સ્થાનિક સૂત્રો દ્વારા મળતા અહેવાલો મુજબ, મ્યાનમારની સરહદની અંદર આવેલા આતંકવાદી કેમ્પો પર શક્તિશાળી ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં આતંકીઓના ઠેકાણાઓને નિશાન બનાવી, તેમને ધ્વસ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક અહેવાલો સ્પષ્ટપણે સૂચવે છે કે આ હુમલાઓનું મુખ્ય નિશાન ભારત વિરોધી ગતિવિધિઓમાં કુખ્યાત ઉગ્રવાદી સંગઠન એનએસસીએન (કેવાયએ) હતું. ‘ટાઇમ્સ અલ્જેબ્રા' અને ‘રેઝોનન્ટ ન્યૂઝ' સહિતના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સુનિયોજિત ડ્રોન સ્ટ્રાઇક્સમાં એનએસસીએન (કેવાયએ) ને ભારે જાનહાનિ અને નુકસાન થયું છે.
આ ઓપરેશનમાં આતંકી જૂથના ઘણા ટોચના રેન્કિંગના આતંકવાદીઓ અને નેતાઓ માર્યા ગયા હોવાની પ્રબળ આશંકા છે. અહેવાલોમાં પુષ્ટિ કરવામાં આવી છે કે આ હુમલામાં નાગા જૂથના એક ટોચના ‘નેતા'નું પણ મોત થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એનએસસીએન (કેવાયએ) એ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડનું એક જૂથ છે, જે મ્યાનમારના દુર્ગમ જંગલોમાં શિબિરો ચલાવે છે અને ત્યાંથી ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હિંસક ગતિવિધિઓ અને સુરક્ષા દળો પર હુમલાનું ષડયંત્ર રચે છે.
જોકે, આ ડ્રોન હુમલાઓ કોના દ્વારા અને કયારે કરવામાં આવ્યા, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સંગઠન કે સરકારી એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ આ તમામ અહેવાલો સ્થાનિક મીડિયા સ્રોતોના હવાલાથી પ્રકાશિત થઈ રહ્યા છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
