<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

કેનેડાના ટોરન્ટોમાં ૨૦ ઑક્ટોબરને પ્રથમ વખત સત્તાવાર રીતે 'દિવાળી દિવસ' તરીકે મનાવવાની જાહેરાત : મેયર ઑલિવિયા ચાઉએ કર્યું ઐતિહાસિક એલાન

ટોરન્ટોમાં ભારતીય સમુદાયના યોગદાનનું સન્માન : મેયરે દિવાળીને અંધકાર પર પ્રકાશ અને વિભાજનકારી પ્રવૃત્તિઓ સામે એકતાના વિજયનું પ્રતીક ગણાવી : નિર્ણય બહુસાંસ્કૃતિક માહોલ અને સહયોગની ભાવનાને વધુ મજબૂત કરશે

ટોરન્ટો : કેનેડાના ટોરન્ટો શહેરે ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ પ્રથમ વખત સત્તાવાર રીતે "દિવાળી દિવસ" જાહેર કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. આ મહત્વપૂર્ણ જાહેરાત મેયર ઓલિવિયા ચાઉએ સોમવારે સિટી હૉલમાં આયોજિત એક જાહેર સભા દરમિયાન કરી હતી.
વિવિધતા અને સમાવેશકતાનું પ્રતીક
મેયર ઓલિવિયા ચાઉએ આ પ્રસંગે દિવાળીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે દિવાળી માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ તે અંધકાર પર પ્રકાશ, નિરાશા પર આશા અને અનિષ્ટ પર સદાચારના વિજયનું પ્રતીક છે.
તેમણે કહ્યું કે, "વર્તમાન સમયમાં, જ્યારે સમાજમાં વિભાજનકારી પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે એ સમજવું આવશ્યક છે કે વિવિધતા અને સમાવેશકતા (Diversity and Inclusivity) જ આપણી સાચી તાકાત છે, અને ટોરન્ટો શહેર આ સિદ્ધાંતને પૂરી નિષ્ઠા સાથે અપનાવશે."
ભારતીય સમુદાયનું સન્માન
ટોરન્ટોમાં રહેતા ભારતીય સમુદાયના સાંસ્કૃતિક અને સામાજિક યોગદાનને સન્માન આપવા માટે આ પગલું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાહેરાતને શેર કરી હતી. દૂતાવાસે આ નિર્ણયને શહેરના સાંસ્કૃતિક અને સામાજિક તાણા-વાણામાં ભારતીય સમુદાયના યોગદાનની માન્યતા તરીકે રજૂ કર્યો હતો. દૂતાવાસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નિર્ણય ટોરન્ટોના બહુસાંસ્કૃતિક માહોલ અને વિવિધ સમુદાયો વચ્ચે સહયોગની ભાવનાને વધુ મજબૂત કરશે.

 

(10:15 PM IST)