<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

હિમાચલમાં પેરાગ્લાઇડિંગ દુર્ઘટના: ૨૭ વર્ષીય કેનેડિયન મહિલા મેગન એલિઝાબેથનું ધૌલાધાર પર્વતમાળામાં મૃત્યુ

ધર્મશાલા: હિમાચલ પ્રદેશના ધર્મશાલા નજીક એક અત્યંત દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં ૨૭ વર્ષીય કેનેડિયન મહિલા પેરાગ્લાઇડર મેગન એલિઝાબેથનું મૃત્યુ થયું છે. મેગન, જે એક એકલ (સોલો) ફ્લાયર હતી, તેણે શનિવારે (ઓક્ટોબર ૧૮) પ્રખ્યાત બીર-બિલિંગ પેરાગ્લાઇડિંગ સાઇટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન, તે ધર્મશાલાના ધૌલાધર પર્વતમાળામાં ત્રિયુન્ડ નજીક તાલન જોત વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં તેનું ગ્લાઇડર ક્રેશ-લેન્ડ થતાં તે અકસ્માતનો ભોગ બની હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મેગન એલિઝાબેથ શનિવારે ઉડાન ભર્યા બાદ ગુમ થઈ હતી. અકસ્માતની જાણ થતાં જ કાંગડા જિલ્લા વહીવટીતંત્ર અને બીર-બિલિંગ પેરાગ્લાઇડિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખરાબ હવામાન અને પર્વતોના મુશ્કેલ ભૂપ્રદેશને કારણે બચાવ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અંતે, બે દિવસની સઘન શોધખોળ બાદ સોમવારે (ઓક્ટોબર ૨૦) મોડી સાંજે બચાવ ટીમને ધૌલાધર પર્વતમાળાના ઊંચા શિખરો પર આશરે ૩,૯૦૦ મીટરની ઊંચાઈએ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેગનનું મૃત્યુ ઘટનાસ્થળે જ થઈ ગયું હતું. સંભવત: ક્રેશ-લેન્ડિંગ દરમિયાન થયેલી ઇજાઓ અને અતિશય ઠંડીના સંપર્કમાં આવવાથી તેનું મૃત્યુ થયું હતું.

બચાવ ટીમે ભારે જહેમત બાદ હેલિકોપ્ટરની મદદથી મૃતદેહને ધૌલાધર પર્વતમાળા પરથી કાંગડાના ગગ્ગલ એરપોર્ટ સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે ટાંડા મેડિકલ કોલેજ મોકલી આપવામાં આવ્યો છે.

કાંગડાના એએસપી વીર બહાદુરે જણાવ્યું હતું કે, મૃતક મહિલાના પાસપોર્ટના આધારે તેની ઓળખ કેનેડિયન નાગરિક મેગન એલિઝાબેથ તરીકે થઈ છે. તેમણે કહ્યું કે મહિલા તેના સાથી સાથે થોડા સમયથી બીર બિલિંગમાં રહેતી હતી. પોલીસે મહિલાના સાથી અને કેનેડિયન દૂતાવાસને આ દુર્ઘટના વિશે જાણ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતક મહિલાના અંતિમ સંસ્કાર બીર બિલિંગમાં કરવામાં આવશે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

અધિકારીઓના મતે, મેગન આ વિસ્તારના ભૂગોળથી પરિચિત નહોતી, જેના કારણે તે નિર્ધારિત ઉતરાણ સ્થળને બદલે બીજા જ રસ્તે આગળ વધી ગઈ અને આ દુર્ઘટના બની. આ દુ:ખદ ઘટનાએ ફરી એકવાર બીર-બિલિંગ જેવા આંતરરાષ્ટ્રીય પેરાગ્લાઇડિંગ સ્થળોએ સુરક્ષાના ધોરણો અને નિયમોના કડક પાલન અંગે સવાલો ઊભા કર્યા છે.

(11:14 PM IST)