<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પને દીપોત્સવી શુભેચ્છાના ફોનકૉલ માટે આભાર માન્યો, કહ્યું કે: 'આતંકવાદ વિરુદ્ધ અમે એકજૂટ'

ટ્રમ્પે વાતચીતમાં પાકિસ્તાનનો ઉલ્લેખ પણ કરી લીધો: તેમણે પાકિસ્તાન સાથે કોઈ યુદ્ધ ન થાય તે વિશે વાત કરી અને ભારત - પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટળી ગયું તે ખૂબ જ સારો સંકેત છે, તેમ કહી આ વાત ફરી દોહરાવી હતી !

નવી દિલ્હી: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ દિવાળીના શુભ અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા ફોનકૉલ અને દિવાળીની શુભેચ્છાઓ માટે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, ભારત અને અમેરિકા બંને મહાન લોકશાહી દેશો આતંકવાદના તમામ સ્વરૂપો સામે એકજૂટ થઈને ઊભા રહેશે.

પ્રધાનમંત્રી મોદીએ બુધવારે સવારે સામાજિક માધ્યમ 'એક્સ' પર એક સંદેશ પોસ્ટ કરીને આ વાતચીતની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમારા ટેલિફોન પરના કૉલ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ માટે આભાર. પ્રકાશના આ પર્વ પર, આપણી બે મહાન લોકશાહીઓ દુનિયાને આશાના કિરણથી પ્રકાશિત કરવાનું ચાલુ રાખે અને આતંકવાદના તમામ સ્વરૂપો સામે એકજૂથ રહે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પે દિવાળીના પ્રસંગે વ્હાઇટ હાઉસમાં દીવા પ્રગટાવતા પહેલા પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી હતી અને તેમની સાથે વેપાર તેમજ પાકિસ્તાન સાથેના પ્રાદેશિક સંઘર્ષની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતના લોકોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

 ટ્રમ્પે કહ્યું કે તેમણે અને મોદીએ વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા પર વાત કરી, જેમાં પ્રધાનમંત્રી મોદીએ ઊંડો રસ દાખવ્યો હતો.

આતંકવાદ સામેની એકતા: બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ માટે આતંકવાદ વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીના સંદેશમાં 'આતંકવાદના તમામ સ્વરૂપો સામે એકજૂટ રહેવા' પર ભાર મૂકવામાં આવ્યો.

પાકિસ્તાનનો ઉલ્લેખ: ટ્રમ્પે એવો પણ ઉલ્લેખ કર્યો કે તેમણે પાકિસ્તાન સાથે કોઈ યુદ્ધ ન થાય તે વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે વેપારની ચર્ચા વચ્ચે આ મુદ્દો આવતા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ટળી ગયું તે ખૂબ જ સારો સંકેત છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને થોડા દિવસો પહેલા ગાઝા શાંતિ કરારની સફળતા બદલ પણ પ્રધાનમંત્રી મોદીએ અભિનંદન આપ્યા હતા, જે દર્શાવે છે કે બંને દેશોના નેતાઓ વચ્ચે રાજદ્વારી સંબંધો અને વ્યક્તિગત મિત્રતા મજબૂત બની રહી છે. જોકે, તાજેતરમાં વેપાર ટેરિફ અને રશિયન તેલની ખરીદી જેવા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે થોડી તણાવની સ્થિતિ રહી હતી. તેમ છતાં, દિવાળીના અવસરે આ કૉલથી બંને લોકશાહી દેશો વચ્ચેના સંબંધોમાં હકારાત્મક વળાંક આવ્યો હોવાનું માનવામાં આવે છે.

(9:35 AM IST)