<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

રેકોર્ડબ્રેક ગોલ્ડ લોન ગ્રોથ : RBIનો મોટો ખુલાસો – સોનું મોંઘું થતાં જ ભારતીયોએ ઉઠાવ્યો ભરપૂર ફાયદો! ૫ મહિનામાં ₹૯૭,૦૦૦ કરોડથી વધુની જંગી ગોલ્ડ લોન!

વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારી વચ્ચે ગોલ્ડ લોન બની પહેલી પસંદ : પર્સનલ લોનના ઊંચા વ્યાજ દરથી બચવા લોકોનો સોના તરફ ઝુકાવ : ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ લોનનું વિતરણ ₹૧૨,૦૦૦ કરોડને પાર : વાર્ષિક ધોરણે ૧૧૭.૮% નો અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો

નવી દિલ્હી, તા. ૨૨ ઓક્ટોબર: આ તહેવારોની સિઝનમાં સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વધતી કિંમતોને કારણે ભારતીયો ધડાધડ ગોલ્ડ લોન લઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના તાજેતરના આંકડાઓ અનુસાર, ગોલ્ડ લોન આ સમયે લોકોની પ્રથમ પસંદ બની ગઈ છે અને તેમાં વાર્ષિક ધોરણે ૧૧૭.૮% નો જંગી વધારો નોંધાયો છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ લોકોએ ₹૯૭,૦૭૯ કરોડ રૂપિયાની ગોલ્ડ લોન લીધી છે.
ગોલ્ડ લોન કેમ બની લોકપ્રિય?
વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારીના વર્તમાન દોરમાં, ગોલ્ડ લોન લોકોને પર્સનલ લોન કરતાં વધુ સરળ અને સસ્તો વિકલ્પ લાગી રહ્યો છે.
 * સરળ અને સસ્તો વિકલ્પ: પર્સનલ લોનના ઊંચા વ્યાજ દરો અને બેંકમાં લાગતા લાંબા સમયથી બચવા માટે, લોકો હવે ગોલ્ડ લોન તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે, કારણ કે તેની પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે.
 * રેકોર્ડબ્રેક કિંમતોનો ફાયદો: સોનાની કિંમતો રેકોર્ડ-તોડ સ્તરે પહોંચી છે. કિંમતો વધુ હોવાને કારણે ગ્રાહકોને તેમની જ્વેલરી ગીરવે મૂકીને પહેલાં કરતાં વધુ રકમ લોન તરીકે મળી રહી છે, જે આ લોકપ્રિયતાનું મુખ્ય કારણ છે.
લોનનો આંકડો ૩ લાખ કરોડને પાર
RBI ના આંકડા મુજબ, ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ લોનનું વિતરણ અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ ₹૧૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ગોન લોન લેવામાં આવી છે.
 * કુલ બાકી રકમ: આંકડા દર્શાવે છે કે આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં ગોલ્ડ લોનની કુલ બાકી રકમ વધીને ₹૩,૦૫,૮૧૪ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો ₹૧,૪૦,૩૯૩ કરોડ રૂપિયા હતો.
 * અભૂતપૂર્વ ઉછાળો: એજ્યુકેશન અને કાર લોન જેવા અન્ય લોન સેગમેન્ટની સરખામણીમાં ગોલ્ડ લોનમાં આ ઉછાળો અભૂતપૂર્વ છે.
લોન લેનારાઓમાં ગોલ્ડ લોનને પ્રાથમિકતા મળવાનું મુખ્ય કારણ તેની સરળ ઉપલબ્ધતા અને સોનાના મૂલ્યના લગભગ ૮૫% સુધીની રકમ (આશરે ₹૨.૫ લાખ સુધી) લોન તરીકે તરત જ મળી જવું છે. નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) અને બેંકો બંને દ્વારા આ સુરક્ષિત વિકલ્પ ઝડપથી આપવામાં આવી રહ્યો છે.

 

(2:28 PM IST)