<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

પાકિસ્તાન ‘દમનકારી દેશ’ બની ગયો: બંધારણની જગ્યાએ ‘આસિમ કાયદો’ ચાલે છે: લોકશાહી અને બંધારણને કચડી નાખવામાં આવ્યું છે: જેલમાંથી ઇમરાન ખાનનો લશ્કરી વડા ઉપર મોટો હુમલો

ઇમરાન ખાને દાવો કર્યો હતો કે તેમને અડિયાલા જેલમાં 'સંપૂર્ણ એકલતા'માં રાખવામાં આવ્યા છે: પાકિસ્તાનના ઇતિહાસમાં રાજકીય દ્વેષનું આનાથી મોટું કોઈ ઉદાહરણ નથી : શાસન લાંબુ ચલાવવા માટે જનરલ મુનીર લોકો પર જુલમ કરી રહ્યા છે: ગત ચૂંટણીમાં લોકોનો જનાદેશ ચોરીને શહેબાઝ શરીફની 'કઠપૂતળી સરકાર' બેસાડી છે: ઇમરાન ખાન

રાવલપિંડી: પાકિસ્તાનના જેલમાં બંધ પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને બુધવારે દેશના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. ઇમરાન ખાને કહ્યું કે આસિમ મુનીરે પાકિસ્તાનને એક 'દમનકારી દેશ'માં ફેરવી દીધું છે, જ્યાં લોકશાહી અને બંધારણને કચડી નાખવામાં આવ્યું છે અને માત્ર 'આસિમ કાયદો' જ ચાલી રહ્યો છે.

વિગતવાર જોઈએ તો પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના સ્થાપક, તોંતેર વર્ષીય ઇમરાન ખાને રાવલપિંડીની અડિયાલા જેલમાંથી એક સત્તાવાર નિવેદન જારી કરીને સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર પર આકરા પ્રહારો કર્યા હતા.

ઇમરાન ખાને આરોપ લગાવ્યો કે જનરલ મુનીર પાકિસ્તાનને બળજબરીથી એક 'હાર્ડ સ્ટેટ' (એટલે કે કઠોર શાસનવાળો દેશ) બનાવી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, "એક સાચો 'હાર્ડ સ્ટેટ' એ હોય છે જ્યાં બંધારણની સર્વોપરિતા, કાયદાનું શાસન, ન્યાય અને લોકશાહીની સ્વતંત્રતા હોય. પરંતુ, આસિમ મુનીરનું 'હાર્ડ સ્ટેટ' બનાવવાનો અર્થ એક એવી વ્યવસ્થા છે જ્યાં લોકશાહીના તમામ સ્તંભોને કચડી નાખવામાં આવે અને તેને 'આસિમ કાયદા'થી બદલી દેવામાં આવે."

પૂર્વ પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, "કોઈપણ દેશ તેના લોકોના સમર્થન અને સંમતિ વિના ક્યારેય મજબૂત બની શકતો નથી. આ કહેવાતા 'આસિમ કાયદા' હેઠળ જે અત્યાચાર થઈ રહ્યો છે તે રાજ્યને મજબૂત નથી કરી રહ્યો, બલ્કે તેના પાયાને જ નબળા પાડી રહ્યો છે."

જેલમાં અત્યાચારના ગંભીર આરોપ

ઇમરાન ખાને દાવો કર્યો હતો કે તેમને અડિયાલા જેલમાં 'સંપૂર્ણ એકલતા'માં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "મને સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યો છે. પાકિસ્તાનના ઇતિહાસમાં રાજકીય દ્વેષનું આનાથી મોટું કોઈ ઉદાહરણ નથી."

તેમણે આરોપ લગાવ્યો કે જેલ મેન્યુઅલ હેઠળ મળતી મૂળભૂત સુવિધાઓ અને માનવાધિકારોથી પણ તેમને વંચિત રાખવામાં આવી રહ્યા છે. "મને મારા વકીલો, પક્ષના સભ્યો અને પરિવારજનોને મળવામાં સતત અવરોધો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ મારા મૂળભૂત અને કાયદાકીય અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે."

ઇમરાન ખાને એવો પણ દાવો કર્યો હતો કે મંગળવારે તેમનાં પત્ની બુશરા બીબીના પરિવારને જેલની બહાર છ કલાકથી વધુ સમય સુધી રાહ જોવડાવવામાં આવી હતી અને અંતે તેમને મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

પોતાનું શાસન લાંબુ ચલાવવા માટે જનરલ મુનીર લોકો પર જુલમ કરી રહ્યા છે અને તેમણે ગત ચૂંટણીમાં લોકોનો જનાદેશ ચોરીને શહેબાઝ શરીફની 'કઠપૂતળી સરકાર' બેસાડી છે, તેવો આરોપ પણ ઇમરાન ખાને લગાવ્યો હતો.

 

(10:53 PM IST)