તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
મધ્ય પ્રદેશ: ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં વિવાદ: પૂજારી અને સંત વચ્ચે ઝપાઝપી અને ગાળાગાળી: ભક્તોમાં ગભરાટ અને અણગમો

મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં બુધવારે સંતો અને પૂજારીઓ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ગાળાગાળી અને ઝપાઝપી પણ થઈ, જેના કારણે દર્શનાર્થે આવેલા ભક્તો ગભરાઈ ગયા હતા.
વિગતવાર જોઈએ તો મહાકાલેશ્વર મંદિરમાં એક શરમજનક ઘટના બની. મંદિરના ગર્ભગૃહમાં જ પૂજારી અને સંતોના એક જૂથ વચ્ચે કોઈ વાત પર વિવાદ શરૂ થયો હતો. જોતજોતામાં આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષો વચ્ચે ગાળાગાળી અને હાથાપાઈ શરૂ થઈ ગઈ. ગર્ભગૃહ જેવા પવિત્ર સ્થળ પર આ પ્રકારના અભદ્ર વર્તનના કારણે ત્યાં દર્શન માટે હાજર અન્ય ભક્તો સ્તબ્ધ અને ગભરાઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદ મંદિરના પૂજારી મહેશ શર્મા અને ભડકેશ ગુફાના સંત મહાવીર નાથ વચ્ચે થયો હતો.
સંત મહાવીર નાથનો પક્ષ
સંત મહાવીર નાથના જણાવ્યા મુજબ, તેઓ ગોરખપુરથી આવેલા અન્ય એક સંત શંકરનાથજીને ગર્ભગૃહમાં દર્શન કરાવવા માટે લઈ ગયા હતા. ત્યારે ત્યાં હાજર પૂજારી મહેશ શર્માએ સંત શંકરનાથજીની પાઘડી અને તેમના વસ્ત્રો પર વાંધો ઉઠાવ્યો હતો. સંત મહાવીર નાથનો આરોપ છે કે પૂજારીએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું.
પૂજારી મહેશ શર્માનો પક્ષ
બીજી તરફ, પૂજારી મહેશ શર્માનો આરોપ છે કે, "મહાકાલથી ઉપર કોઈ નથી. સંત મહાવીર નાથે મને ધક્કો માર્યો અને 'નિપટાવી દેવાની' ધમકી આપી, જેનાથી મને ઈજા પણ થઈ છે. તેમણે મંદિરની મર્યાદા અને પવિત્રતાનો ભંગ કર્યો છે."
મામલાની ગંભીરતા જોઈને મંદિર પ્રશાસન સમિતિએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. મંદિર સમિતિએ આ સમગ્ર શરમજનક ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને બંને પક્ષોને આ મામલે સંપૂર્ણ તપાસ કરવાની ખાતરી આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
