<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

ભારતીય સેનામાં 'અગ્નવીર' યોજનામાં મોટો બદલાવ શક્ય : ૪ વર્ષ બાદ ૨૫% ને બદલે ૭૫% જવાનોની નોકરી જાળવી રખાશે : યુવાનોને મળી શકે છે મોટી ખુશખબરી

સેનામાંથી મળેલા અભિપ્રાય બાદ જાળવી રાખવાની મર્યાદામાં જંગી વધારો થવાની સંભાવના : આગામી વર્ષે પ્રથમ બેચની મુદત પૂર્ણ થતાં પહેલાં નિર્ણય સંભવ : જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં મહત્ત્વનો વિચારણાનો મુદ્દો

નવી દિલ્હી, તા. ૨૩ ઓક્ટોબર: સેનામાં ભરતી માટેની 'અગ્નવીર' યોજના પર છેલ્લા ઘણા સમયથી જે સવાલો ઉભા થઈ રહ્યા હતા, તેને લઈને યુવાનો માટે એક મોટી ખુશખબરી મળી શકે છે. હાલમાં આ યોજના હેઠળ ૪ વર્ષના કાર્યકાળ બાદ માત્ર ૨૫% જવાનોને જ કાયમી સેવા માટે જાળવી રાખવાની જોગવાઈ છે, પરંતુ હવે આ મર્યાદામાં મોટો વધારો કરીને તેને ૭૫% સુધી કરવામાં આવી શકે છે.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' ના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ મામલે આજે જેસલમેર માં યોજાનારી આર્મી કમાન્ડર્સની પ્રેસ કોન્ફરન્સ માં કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
પ્રથમ બેચને મળશે મોટો ફાયદો
મહત્વની વાત એ છે કે, અગ્નવીરોની પ્રથમ બેચનો ૪ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષે જ પૂર્ણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, જો આ નિર્ણય લેવામાં આવે તો આ જવાનોને સીધો ફાયદો થશે અને ૭૫% લોકોની સેનામાં સેવા જાળવી રાખવામાં આવશે.
મળી રહેલા અહેવાલો મુજબ, મે મહિનામાં પાકિસ્તાનમાં સક્રિય આતંકી ઠેકાણાઓ પર 'ઓપરેશન સિંદૂર' કર્યા બાદ આજે પ્રથમ વખત આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં સેનાની ટોચની લીડરશિપ સુરક્ષા સમીક્ષા સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ વિચારણા
કોન્ફરન્સમાં માત્ર અગ્નવીર યોજના પર જ નહીં, પરંતુ અન્ય મહત્ત્વના વિષયો પર પણ વિચારણા થવાની સંભાવના છે:
 * નિવૃત્ત સૈનિકોનો ઉપયોગ: સેના પાસે નિવૃત્ત સૈનિકોનો જે મોટો પૂલ છે, તેમની સેવાઓનો કેવી રીતે વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય (જેઓ હાલમાં આર્મી વેલફેર એજ્યુકેશન સોસાયટી, એક્સ સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમમાં જોડાયેલા છે) તેના પર વિચાર થશે.
 * સૈનિકોનું કલ્યાણ: વર્તમાન સૈનિકોના કલ્યાણ માટે પણ કેટલાક નિર્ણયો લેવાઈ શકે છે.
 * સંકલન: ત્રણેય સેનાઓ (આર્મી, નેવી અને એરફોર્સ) વચ્ચે કેવી રીતે વધુ સારું સંકલન થાય અને સંયુક્ત કમાન્ડમાં કામ થઈ શકે તેના પર સૌથી અગત્યનો વિચાર કરવામાં આવશે.
 * વ્યૂહાત્મક એકીકરણ: આર્મી, નેવી અને એરફોર્સની શૈક્ષણિક શાખાઓનું વિલીનીકરણ કરવા અને હથિયારો તથા વિમાનોના રિપેરિંગ સમય સહિત કોઈ પણ ઓપરેશન માટે ભારતીય દળો કેટલી ઝડપથી તૈયાર થઈ શકે છે, તેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.
નોંધનીય છે કે, ગયા મહિને કોલકાતામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સનું આયોજન થયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અને સરકારે ત્રણ સંયુક્ત મિલિટરી સ્ટેશનો બનાવવાની જાહેરાત કરી હતી.

 

(9:15 AM IST)