હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇન્દોરમાં ભાઈબીજના દિવસે કરુણાંતિકા: જાણીતા ઉદ્યોગપતિ અને કોંગ્રેસ નેતા પ્રવેશ અગ્રવાલનું ઘરમાં આગ લાગવાથી ગૂંગળામણથી મોત
ભૂતપૂર્વ સીએમ કમલનાથના નિકટના ગણાતા અગ્રવાલ: પત્ની અને બે પુત્રીઓ શ્વાસ લેવામાં તકલીફ સાથે હોસ્પિટલમાં, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં શોકનું મોજું.

ઇન્દોર: મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા અને જાણીતા ઉદ્યોગપતિ પ્રવેશ અગ્રવાલનું ગુરુવારે વહેલી સવારે એક ઘરેલુ અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું છે. ઇન્દોરના વિજય નગર વિસ્તારમાં સ્થિત તેમના પેન્ટહાઉસમાં વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગ લાગી હતી, જેના કારણે આ દુઃખદ ઘટના બની.
આગ લાગી ત્યારે પ્રવેશ અગ્રવાલ તેમના ઘરમાં સૂતા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, ઘરમાં ધુમાડો ભરાઈ જવાથી તેમનું મૃત્યુ ગૂંગળામણથી થયું છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તેમને બંગલામાંથી બચાવીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનામાં અગ્રવાલની પત્ની રેખા અગ્રવાલ અને તેમની બે પુત્રીઓ સૌમ્યા (14) અને માયરા (12) પણ ધુમાડાના કારણે આંશિક રીતે પ્રભાવિત થઈ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. અગ્રવાલના ગાર્ડના જણાવ્યા અનુસાર, આગની શરૂઆત રસોડામાંથી થઈ હતી. પોલીસ શૉર્ટ સર્કિટ અથવા દિવાળી દરમિયાન થયેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાની શક્યતાઓ પર તપાસ કરી રહી છે.
પ્રવેશ અગ્રવાલનો ઇન્દોર સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 'સૌમ્યા મોટર્સ'ના નામે ઓટોમોબાઈલનો મોટો વ્યવસાય હતો. તેઓ રાજકારણમાં પણ સક્રિય હતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથના અત્યંત નજીકના માનવામાં આવતા હતા.
કમલનાથે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, "આ સમાચાર સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું છે. અગ્રવાલ કોંગ્રેસ પાર્ટીના સાચા સૈનિક હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે." તેમણે પરિવારના અન્ય સભ્યોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. ગ્વાલિયરના રહેવાસી અગ્રવાલના અચાનક નિધનથી કોંગ્રેસ અને ઉદ્યોગ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
