<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

પટના જઈ રહેલા સ્પાઇસજેટના વિમાનમાં ટેક-ઓફ બાદ જ ખામી સર્જાઈ : દિલ્હીથી ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં જ વિમાનને IGI એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું ઉતારાયું

પાઇલોટને આકાશમાં તકનીકી ગરબડનો અહેસાસ થતાં મોટી દુર્ઘટના ટળી : SG ૪૯૭ ફ્લાઇટમાં હાજર તમામ મુસાફરો અને એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો : વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૩ ઓક્ટોબર: દિલ્હીથી પટના જવા માટે ઉડાન ભરેલા સ્પાઇસજેટના એક વિમાનમાં તકનીકી ખામી સર્જાતા તેને ફરીથી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર ઉતારવું પડ્યું હતું. પાયલોટને આકાશમાં ટેકનિકલ ગરબડનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક વિમાનને પાછું દિલ્હીમાં લેન્ડ કરાવવાનો નિર્ણય લીધો હતો. વિમાને સુરક્ષિત લેન્ડિંગ કરતાં મુસાફરો અને એરપોર્ટ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, વિમાન સંખ્યા SG ૪૯૭ એ દિલ્હીથી સવારે ૯.૪૧ વાગ્યે ઉડાન ભરી હતી. ટેક-ઓફના થોડા સમય બાદ જ પાયલોટને બોઇંગ ૭૩૭-૮એ (Boeing 737-8A) વિમાનમાં તકનીકી ખામીનો અહેસાસ થયો. પાયલોટે તુરંત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને જાણ કરી અને વિમાનને ફરીથી એરપોર્ટ પર ઉતારવાની પરવાનગી માંગી.
આ વિમાનનું આનન-ફાનનમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એરપોર્ટ પર લેન્ડિંગ બાદ વિમાનની સઘન તપાસ કરવામાં આવી રહી છે. તમામ મુસાફરો માટે એરલાઈન્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સ્પાઇસજેટની ફ્લાઈટ્સમાં આવી તકનીકી ખામીના અનેક કિસ્સાઓ બન્યા છે. બે મહિના પહેલા પણ સ્પાઇસજેટના એક વિમાનને ૨૦૦ થી વધુ મુસાફરો સાથે શ્રીનગર માટે ઉડાન ભર્યા બાદ દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ ઉપરાંત, ઓગસ્ટ મહિનામાં સુરતથી દુબઈ જઈ રહેલા વિમાનને પણ આવી જ ખામીના કારણે અમદાવાદમાં ઉતારવું પડ્યું હતું.

 

(1:17 PM IST)