મોટો ફટકો! મેટાના 'AI સુપરઇન્ટેલિજન્સ' પ્રોજેક્ટમાં ભંગાણ: માર્ક ઝુકરબર્ગે 600 કર્મચારીઓની કરી છટણી
ઝડપી નિર્ણય લેવા અને કાર્યક્ષમતા વધારવા માટે પગલું: કંપની; અબજો ડોલરના રોકાણ પછી આક્રમક ભરતીની સામે જ લેઓફ!

કેલિફોર્નિયા, તા. ૨૩ : ટેક જાયન્ટ મેટા (Meta) તેના મહત્વાકાંક્ષી 'AI સુપરઇન્ટેલિજન્સ' પ્રોજેક્ટ પર એક મોટો નિર્ણય લેતા, આશરે 600 કર્મચારીઓની છટણી કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કંપનીએ તેના AI વિભાગમાંથી આ લેઓફ કર્યા છે.
રસપ્રદ વાત એ છે કે, આ એ જ ટીમ છે જેને બનાવવા માટે મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે થોડા જ મહિનાઓ પહેલા અબજો ડોલર ખર્ચ્યા હતા અને Apple, OpenAI તેમજ Anthropic જેવી હરીફ કંપનીઓમાંથી ટોચની પ્રતિભાને આકર્ષિત કરી હતી.
છટણી પાછળનું કારણ શું?
મેટાના ચીફ AI ઓફિસર, એલેક્ઝાન્ડર વાંગે આ પગલાને 'કાર્યક્ષમતા પગલું' ગણાવ્યું છે. આંતરિક મેમોમાં વાંગે લખ્યું, "અમારું લક્ષ્ય નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને ટીમને વધુ કાર્યક્ષમ બનાવવાનું છે. ઓછા લોકો સાથે, ઓછી ચર્ચાઓ સાથે નિર્ણયો લઈ શકાય છે, અને દરેક સભ્ય વધુ જવાબદારી સંભાળશે."
કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ છટણી ખર્ચ ઘટાડવા માટે નથી, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટેનું માળખાકીય પગલું છે.
અબજો ડોલરનું રોકાણ:
મેટાએ તેના આ સ્વપ્ન પ્રોજેક્ટ માટે અત્યંત ઊંચી કિંમત ચૂકવી છે. કંપનીએ સુપર ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટને વેગ આપવા માટે વાંગની આગેવાની હેઠળના ડેટા લેબલિંગ સ્ટાર્ટઅપ સ્કેલ AI માં ₹1.2 લાખ કરોડ ($14.3 બિલિયન) નું જંગી રોકાણ કર્યું હતું. આ ઉપરાંત, હરીફ કંપનીઓના AI નિષ્ણાતોને આકર્ષવા માટે ₹800 કરોડ ($100 મિલિયન) સુધીના પગાર પેકેજ પણ ઓફર કર્યા હોવાના અહેવાલો છે.
ભરતી પછી તુરંત લેઓફ:
આ છટણી કંપનીની આક્રમક ભરતીના થોડા જ સમય બાદ આવી છે, જેણે ટેક જગતમાં આશ્ચર્ય ફેલાવ્યું છે. જો કે, મેટાએ અસરગ્રસ્ત કર્મચારીઓને કંપનીના અન્ય વિભાગોમાં હોદ્દા માટે અરજી કરવા પ્રોત્સાહિત કર્યા છે અને સાથે જ જણાવ્યું છે કે તે મુખ્ય AI હોદ્દાઓ માટે પસંદગીયુક્ત ભરતી ચાલુ રાખશે.
નોંધનીય છે કે, મેટાની નવી TBD લેબ આ છટણીઓથી અસ્પૃશ્ય રહી છે, ભલે આ વિભાગમાં કંપનીના કેટલાક સૌથી વધુ પગાર મેળવનારા નવા કર્મચારીઓનો સમાવેશ થતો હોય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
