હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તહેવારોમાં રેલવેનો મેગા ધમાકો! મુસાફરોની સુવિધા માટે ૧૨,૦૭૫ 'તહેવાર વિશેષ' ટ્રેનો દોડાવાશે
સૌથી વધુ ટ્રેનો બિહાર, મહારાષ્ટ્ર અને યુપી માટે; સલામત અને આરામદાયક યાત્રા માટે રેલવેએ કરી ખાસ વ્યવસ્થા: હેતુ એ છે કે તહેવારોની મોસમ દરમિયાન કોઈ પણ મુસાફરને ન કરવો પડે અસુવિધાનો સામનો

નવી દિલ્હી : તહેવારોની મોસમ શરૂ થતાં જ લાંબા અંતરની મુસાફરી કરતા કરોડો લોકોને ભારતીય રેલ્વેએ મોટી રાહત આપી છે. તહેવારો દરમિયાન મુસાફરોના ભારે ધસારો અને ટિકિટની ઊંચી માંગને પહોંચી વળવા માટે, રેલ્વે મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે દેશભરમાં કુલ ૧૨,૦૭૫ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.
રેલ્વે મંત્રાલયે ખાતરી આપી છે કે આ પગલાથી મુસાફરો માટે આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત થશે.
કયા રાજ્યોમાં દોડશે સૌથી વધુ ટ્રેનો?
રેલ્વે દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તહેવારો દરમિયાન સૌથી વધુ મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે:
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ તહેવાર વિશેષ ટ્રેનોની સંખ્યા
બિહાર ૨,૨૨૦ (સૌથી વધુ)
મહારાષ્ટ્ર ૨,૧૯૦
ઉત્તર પ્રદેશ ૧,૧૭૦
દિલ્હી ૧,૦૯૮
રાજસ્થાન ૯૬૧
આ સિવાય, ગુજરાતમાં ૮૩૯ ટ્રેનો દોડાવવામાં આવશે.
પૂર્વ અને દક્ષિણ ભારત પર પણ ખાસ ધ્યાન:
પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે:
• કર્ણાટક: ૫૨૮
• આંધ્રપ્રદેશ: ૩૮૨
• પશ્ચિમ બંગાળ: ૩૫૫
• કેરળ: ૨૫૭
• તમિલનાડુ: ૨૮૧
• ઝારખંડ: ૨૪૪
સલામતી અને સુવિધાને પ્રાથમિકતા:
રેલ્વે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ તહેવાર વિશેષ ટ્રેનોના સંચાલન દરમિયાન મુસાફરોની સલામતી અને સુવિધા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ માટે, રેલ્વે સ્ટેશનો પર વધારાના ટિકિટ કાઉન્ટર, વેઇટિંગ હોલ, સુરક્ષા દળોની તૈનાતી અને ટ્રેનોનું સતત નિરીક્ષણ જેવી પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓનો હેતુ એ છે કે તહેવારોની મોસમ દરમિયાન કોઈ પણ મુસાફરને અસુવિધાનો સામનો ન કરવો પડે અને તેમની મુસાફરી સંપૂર્ણપણે સલામત અને આરામદાયક રહે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
