<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

રશિયાની જાયન્ટ ઓઇલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ ઉપર અમેરિકી પ્રતિબંધોની મોટી અસર: ભારત રશિયન તેલની આયાતમાં મોટો ઘટાડો કરવા તૈયાર

અમેરિકાના આકરા વલણને કારણે ભવિષ્યમાં રશિયાથી સસ્તું તેલ મેળવવું મુશ્કેલ બની શકે

નવી દિલ્હી: રશિયાની મુખ્ય તેલ ઉત્પાદક કંપનીઓ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા આકરા પ્રતિબંધોને પગલે ભારતે રશિયન તેલની આયાતમાં જબરો  ઘટાડો કરવાની તૈયારી કરી છે.  
એક અહેવાલ મુજબ, અમેરિકાના ટ્રેઝરી વિભાગે રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ, રોસનેફ્ટ અને લુકોઇલ, વિરુદ્ધ આ પ્રતિબંધોની જાહેરાત કરી હતી. ભારત, જે રશિયન તેલ ઉત્પાદનોના સૌથી મોટા આયાતકારોમાંનું એક છે, તે આ નવા નિયમોનું પાલન કરવા માટે આ પગલું ભરી રહ્યું છે.
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે યુક્રેન પર રશિયાના ફૂલ ફ્લેજ આક્રમણ છતાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખી છે. જેના બદલારૂપે, ભારત હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશતા ભારતીય બનાવટના તમામ સામાન પર ૫૦% ટેરિફનો સામનો કરી રહ્યું છે. આ ડ્યુટીમાંથી અડધો અડધ ટેરિફ (એટલે કે ૨૫%) ભારત દ્વારા રશિયા પાસેથી સતત તેલ ખરીદવાના બદલામાં લાદવામાં આવી હોવાનું જણાવાયું છે.
વિવિધ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર, રોસનેફ્ટ અને લુકોઇલ પરના આ નવા પ્રતિબંધોથી ભારત અને રશિયા વચ્ચેના તેલના વેપાર માટે પેમેન્ટ ચેનલો અને શિપિંગ લોજિસ્ટિક્સમાં મોટી અડચણો ઉભી થવાની આશંકા છે. 
ભારતીય રિફાઇનરીઓ આ પ્રતિબંધોની સંપૂર્ણ અસરનું મૂલ્યાંકન કરી રહી છે, કારણ કે અમેરિકાના આકરા વલણને કારણે ભવિષ્યમાં રશિયાથી સસ્તું તેલ મેળવવું મુશ્કેલ બની શકે છે.


 

(8:30 PM IST)