<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

'રશિયા સાથે અમારું સૈન્ય ખડે પગે ઊભું રહેશે, અટકશે નહીં': કિમ જોંગ ઉન: પુતિને પણ પશ્ચિમને ગંભીર પરિણામોની ચેતવણી આપી: યુક્રેન યુદ્ધમાં બે હજાર ઉત્તર કોરિયાના સૈનિકો માર્યા ગય

કિમ જોંગ ઉન અને વ્લાદિમીર પુતિને સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા: જે મુજબ એક દેશ પર હુમલાની સ્થિતિમાં બીજો દેશ સૈન્ય મદદ કરશે

પ્યોંગયાંગ/મોસ્કો: રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેના સૈન્ય સંબંધો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયા છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને આજે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયા સાથેનો "લશ્કરી ભાઈચારો" કોઈપણ ખલેલ વિના અવિરતપણે આગળ વધતો રહેશે. બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ગુરુવારે અમેરિકા અને પશ્ચિમી દેશોને રશિયન ધરતી પર હુમલો કરવા માટે લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગ સામે કડક ચેતવણી આપી છે.

 

યુક્રેનમાં માર્યા ગયેલા સૈનિકો માટે સ્મારક

ઉત્તર કોરિયાની સત્તાવાર સરકારી સમાચાર એજન્સી 'કેસીએનએ' અનુસાર, કિમ જોંગ ઉને આ ટિપ્પણી રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેન સામે લડતા માર્યા ગયેલા ઉત્તર કોરિયાના સૈનિકોના માનમાં બની રહેલા એક સ્મારકના શિલાન્યાસ સમારોહ દરમિયાન કરી હતી.

 

કિમે કહ્યું, "જે કિંમતી લોહીના ભોગે દ્વિપક્ષીય મિત્રતાના લાંબા ગાળાના વિકાસની ગેરંટી આપવામાં આવી છે, તે લશ્કરી બંધુત્વના વર્ષો અટક્યા વિના આગળ વધશે."

 

૨૦૦૦થી વધુ ઉત્તર કોરિયન સૈનિકોના મોતનો દાવો

ઉલ્લેખનીય છે કે, કિમ જોંગ ઉન અને વ્લાદિમીર પુતિને તાજેતરમાં એક પરસ્પર સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જે મુજબ એક દેશ પર હુમલાની સ્થિતિમાં બીજો દેશ સૈન્ય મદદ કરશે. 

 

દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીના સપ્ટેમ્બર માસના અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાએ રશિયા પાસેથી આર્થિક અને લશ્કરી તકનીકી સહાયના બદલામાં યુક્રેન યુદ્ધમાં દસ હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ બે હજાર ઉત્તર કોરિયાના સૈનિકો માર્યા ગયા હોવાનો અંદાજ છે. ઉત્તર કોરિયાએ રશિયાને મોટા પ્રમાણમાં દારૂગોળો અને મિસાઇલો પણ પૂરી પાડી છે.

 

રશિયન ધરતી પર હુમલો થયો તો જવાબ ગંભીર હશે: પુતિન

દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે પશ્ચિમી દેશોને આડેહાથ લેતા કહ્યું કે રશિયા ક્યારેય અમેરિકા કે અન્ય કોઈ દેશના દબાણ હેઠળ ઝૂકશે નહીં. તેમણે યુક્રેન દ્વારા રશિયન પ્રદેશ પર હુમલો કરવા માટે પશ્ચિમી દેશોની લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગ પર પ્રતિબંધ હટાવવાના (ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના તાજેતરના નિર્ણયો) અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ત્રણ હજાર કિલોમીટર રેન્જની સ્થાનિક મિસાઇલો વિકસાવવાની યોજનાને "તણાવ વધારવાનો પ્રયાસ" ગણાવ્યો હતો.

 

પુતિને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે, "જો આવા શસ્ત્રોનો ઉપયોગ રશિયન પ્રદેશ પર હુમલો કરવા માટે કરવામાં આવશે, તો અમારો જવાબ ખૂબ જ ગંભીર અને જબરદસ્ત હશે. તેઓએ (પશ્ચિમી દેશોએ) તેના પરિણામો વિશે વિચારવું જોઈએ."

(10:08 AM IST)