<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

હૈદરાબાદ-બેંગલુરુ હાઇવે પર ભયાનક દુર્ઘટના: ખાનગી બસમાં આગ લાગતાં ૨૦ લોકો જીવતા સળગી ગયાની આશંકા! વીડિયો જોઈ લોકો ધ્રૂજી ઉઠ્યા.

વહેલી સવારે 3:30 વાગ્યે બાઇક સાથે ટક્કર થતાં ફ્યુઅલ ટેન્કમાં વિસ્ફોટ; બસ સંપૂર્ણપણે ખાખ, માત્ર ૧૨ મુસાફરો આબાદ બચ્યા; CM નાયડુએ શોક વ્યક્ત કર્યો.

નવી દિલ્હી/કુર્નૂલ: આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાંથી એક અત્યંત કરુણ અને હૃદય કંપાવી દેનારી બસ અકસ્માતની ઘટના સામે આવી છે. હૈદરાબાદ-બેંગલુરુ નેશનલ હાઇવે ૪૪ પર વહેલી સવારે એક ખાનગી સ્લીપર બસમાં ભીષણ આગ લાગતાં તેમાં સવાર ૨૦ લોકો જીવતા સળગી ગયા હોવાની આશંકા છે. આ ઘટના કુર્નૂલ શહેરની બહારના વિસ્તાર નજીક ચિન્ના ટેકુરુ ગામ પાસે શુક્રવારે સવારે લગભગ ૩:૩૦ વાગ્યે બની હતી.
કાવેરી ટ્રાવેલ્સની આ બસ હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહી હતી. માહિતી મુજબ, નેશનલ હાઇવે ૪૪ પર આ બસ એક બાઇક સાથે અથડાઈ. પોલીસે જણાવ્યું કે ટક્કર બાદ બાઇક બસની નીચે ફસાઈ ગઈ અને ફ્યુઅલ ટેન્ક સાથે ટકરાઈ, જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડી જ મિનિટોમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ.
અકસ્માત સમયે બસમાં કુલ ૪૦ મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઊંઘી રહ્યા હતા. અચાનક આગ લાગતા જાગી ગયેલા મુસાફરોએ બારીઓ તોડીને બહાર કૂદી જવાનો પ્રયાસ કર્યો હતો.
 પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ ૧૨ મુસાફરો જ કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા.
 બાકીના મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા, જેના કારણે ૨૦ લોકોના મોત થયા હોવાની આશંકા છે.
સ્થાનિક લોકો મદદ માટે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં ઘાયલોને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે, બસ સંપૂર્ણપણે બળી જાય તે પહેલાં અંદરથી મદદ માટેની ચીસો સંભળાતી હતી. હાલમાં, ફાયર બ્રિગેડ અને બચાવ દળની ટીમ રાહત કાર્યમાં લાગી ગઈ છે, પરંતુ મૃતકોની સત્તાવાર સંખ્યાની પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી.
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ભયાનક ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા આદેશ આપ્યો છે.

(11:44 AM IST)